મહારાષ્ટ્રના તત્કાલિન મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બાદથી સ્ટેન્ડઅપ કોમેડિયન કૃણાલ કામરાની મુશ્કેલીઓ વધી રહી છે. હવે મુંબઈ પોલીસે સંબંધિત શોમાં ઉપસ્થિત રહેલાં પ્રેક્ષકોને નોટીસ મોકલી છે.
પોલીસે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાને મુંબઈમાં તેમના શો દરમિયાન મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર મજાક કરવા બદલ નોટિસ મોકલી હતી. અને હવે પોલીસ તેના શોમાં હાજર દર્શકોને પણ નોટિસ ફટકારી રહી છે. પોલીસ દર્શકોના નિવેદનો નોંધવા માંગે છે.
પોલીસે 2 ફેબ્રુઆરી, 2025 ના રોજ હેબિટેટ સ્ટુડિયોમાં કામરાના સ્ટેન્ડ-અપ શોમાં હાજરી આપનારા કેટલાક લોકોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. પોલીસ શો દરમિયાન એકનાશ શિંદે પર કરવામાં આવેલી ટિપ્પણીઓની તપાસ કરી રહી છે.
આ ઉપરાંત પોલીસે CRPCની કલમ 179 હેઠળ દર્શકોને નોટિસ પણ જારી કરી છે, જે પોલીસને તપાસ માટે સાક્ષીઓને બોલાવવાનો અધિકાર આપે છે. આઈપીએસ અધિકારીમાંથી વકીલ બનેલા વાયપી સિંહે જણાવ્યું હતું કે પોલીસને શોમાં હાજર ૧-૨ દર્શકોના નિવેદનો નોંધવાનો અધિકાર છે, જોકે, તેમણે કહ્યું કે આ માટે દર્શકોને બોલાવવાની જરૂર નથી કારણ કે આ કેસમાં પહેલાથી જ ઇલેક્ટ્રોનિક પુરાવા છે.
નોંધનીય છે કે, સોમવાર 31 માર્ચ 2025 ના રોજ ખાર પોલીસ માહિમ સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી હતી પરંતુ આ સમય દરમિયાન કામરા ત્યાં મળી આવ્યો ન હતો. કામરાએ આ અંગે ‘X’ પર એક પોસ્ટ શેર કરી અને તેને સમયનો બગાડ ગણાવ્યો હતો.
કુણાલ કામરાએ સોશિયલ મીડિયા પર મુંબઈ પોલીસના તેમના ઘરે પહોંચવા અંગે એક સંદેશ શેર કર્યો છે. પોતાના ‘X’ એકાઉન્ટ પર, કામરાએ લખ્યું, ‘એવા સરનામાંની મુલાકાત લેવી જ્યાં હું છેલ્લા 10 વર્ષથી રહ્યો નથી એ તમારા સમય અને જાહેર સંસાધનોનો બગાડ છે….’
