Entertainment

નાની ઉમરમાં દુનિયાને અલવિદા કહેનાર સિદ્ધાર્થ શુક્લાનું મોત પણ એક રહસ્ય છે?

મુંબઈ: (Mumbai) સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને હોસ્પિટલે તેના મૃત્યુની પુષ્ટિ આપી હતી. કૂપર હોસ્પિટલમાં સિદ્ધાર્થનું (Sidhharth Shukla) પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સિદ્ધાર્થના મોતનું (Death) અસલી કારણ ખબર પડશે. સવારે સાડા દસ વાગે હોસ્પિટલના ડોક્ટર નિરંજને એક્ટરની બોડીની તપાસ કરી હતી. તેમણે જ કહ્યું હતું કે હોસ્પિટલ લાવ્યા તે પહેલાં જ સિદ્ધાર્થનું મોત થઈ ચૂક્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે રાત્રે (બુધવાર, 1 સપ્ટેમ્બર) કેટલીક દવાઓ લીધી હતી, ત્યાર બાદ તે ઊઠ્યો નહીં.

એક વેબ પોર્ટલના અહેવાલ પ્રમાણે સિદ્ધાર્થના ઘરે પહેલી સપ્ટેમ્બરના રોજ એક મિત્ર રોકાયો હતો. તે રાત્રે પણ ઘરે જ હતો. બીજા દિવસે સવારે એટલે કે બીજી સપ્ટેમ્બરે જ્યારે તે મિત્રે રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે સિદ્ધાર્થ બેભાનવસ્થામાં હતો. તેણે તરત જ સિદ્ધાર્થની માતાને આ વાત જણાવી હતી. સિદ્ધાર્થની માતાએ તરત જ એક્ટ્રેસ શહનાઝ ગીલને આ અંગે જાણ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મિત્રે પોલીસને પણ જાણ કરી હતી. મિત્ર સિદ્ધાર્થને લઈને કોકિલાબેન હોસ્પિટલમાં લઈ ગયો હતો. અહીંયા ડૉક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો.

સિદ્ધાર્થ પોતાની માતા સાથે રહેતો હતો. તેની બંને બહેનો પણ એ જ બિલ્ડિંગની બીજી વિંગમાં રહે છે. હોસ્પિટલમાં બંને બહેનો માતા તથા નિકટના પરિવારના સભ્યો હાજર છે. ઓશીવાર પોલીસ સિદ્ધાર્થ શુક્લના ઘરે ગઈ હતી. મુંબઈ પોલીસે નિવેદન આપ્યું હતું કે સિદ્ધાર્થના મોતમાં કંઈ ગડબડી થઈ હોય તેવા ઇનપુટ મળ્યા નથી. હાલમાં પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થ શુક્લાને સૌ પહેલાં નવ વાગે કોકિલાબેન હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીંયા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સિદ્ધાર્થની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે કૂપર હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

ગાડીનો કાંચ કેમ તૂટ્યો હતો?

વધુ એક વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની BMW કાર જે લઈ તે ગઈકાલે રાત્રે ઘરે પહોંચ્યો હતો તેનો પાછળનો કાચ તૂટેલો હતો. કારની તે હાલત જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સિદ્ધાર્થની ગઈ કાલે રાત્રે કોઈની સાથે લડાઈ થઈ હતી? એવું શું થયું જેના કારણે કારની પાછળનો કાંચ તૂટી ગયો? શું તેણે કોઈની સાથે ઝઘડો કર્યો હતો, જેના કારણે તે પરેશાન હતો? આ પછી જ સિદ્ધાર્થ શુક્લ તેના ફ્લેટ પર ગયો અને ત્યાં ગયા પછી તેણે સૂતા પહેલા થોડી દવા લીધી. અને તે સુઈ ગયો. ત્યારબાદ તે ઉઠ્યો જ નહીં.

પરિવારમાં પોતાની માતા અને બહેનને છોડી ગયેલા 40 વર્ષના સિદ્ધાર્થનું પોસ્ટમોર્ટમ ડોક્ટરોની ત્રણ સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ સાથે પોસ્ટમોર્ટમની સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ‘બિગ બોસ 13’ના રનર અપ અસીમ રિયાઝથી લઈને શેફાલી જરીવાલા અને આરતી સિંહ પણ મુંબઈમાં સિદ્ધાર્થના ઘરે પહોંચ્યા છે. જ્યારે સિદ્ધાર્થની ખાસ મિત્ર શહનાઝ ગિલની હાલત ખરાબ છે. તે આઘાતમાં છે અને કંઈ બોલી શકતી નથી.

Most Popular

To Top