National

શરદ પવારને મોટો ઝટકો, ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP તરીકે સ્વીકાર્યું

મુંબઈ: (Mumbai) રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રીમો શરદ પવારને ચૂંટણી પંચ (Election Commission) તરફથી મોટો ઝટકો લાગ્યો છે. પંચે અજિત પવારની આગેવાની હેઠળના જૂથને વાસ્તવિક એનસીપી તરીકે જાહેર કર્યું છે. સુનાવણી બાદ ચૂંટણી પંચે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આયોગે પોતાના નિર્ણયમાં અજિત પવારને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને પ્રતીક આપ્યું છે. NCPમાં વિભાજન બાદ અજિત પવારે ચૂંટણી પંચમાં દાવો કર્યો હતો. પંચના નિર્ણય બાદ અજિત પવારની છાવણી અસલી એનસીપી હશે. પંચનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરી સુધીમાં NCP ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર પોતાનો નિર્ણય આપવાનો છે.

ચૂંટણી પંચના નિર્ણય બાદ અજિત પવાર હવે પાર્ટીના ચૂંટણી ચિન્હનો ઉપયોગ કરી શકશે. પંચે પોતાના નિર્ણયમાં કહ્યું કે તમામ પુરાવાઓના આધારે અજીતના જૂથને વાસ્તવિક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી માનવામાં આવે છે. ગયા વર્ષે 2 જુલાઈના રોજ અજિત પવાર 40 ધારાસભ્યો સાથે ભાજપ અને શિવસેના (શિંદે)ના નેતૃત્વવાળી સરકારમાં જોડાયા હતા. આ પછી તેણે NCPમાં દાવો કર્યો. આ પછી ચૂંટણી પંચે સુનાવણી હાથ ધરી હતી. પંચે પાર્ટીના બંધારણ અને બહુમતીના આધારે પોતાનો નિર્ણય આપ્યો છે.

શરદ પવારે કોંગ્રેસથી અલગ થઈને 10 જૂન 1999ના રોજ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની રચના કરી હતી. 24 વર્ષ જૂની પાર્ટીમાં ઘણા નેતાઓ આવ્યા પરંતુ શરદ પવારને ગયા વર્ષે 2 જુલાઈએ સૌથી મોટા બળવાનો સામનો કરવો પડ્યો જ્યારે ભત્રીજો અજિત પવાર ભાજપ અને શિવસેના (શિંદે) સરકારમાં જોડાયા. ત્યારબાદ NCPના 9 ધારાસભ્યોને મંત્રી બનવાની તક મળી. અજિત પવાર જૂથને વાસ્તવિક NCP જાહેર કર્યા પછી શરદ પવાર સાથે હાજર નેતાઓએ અજિત જૂથના વ્હિપના આદેશનું પાલન કરવું પડશે.

Most Popular

To Top