મુંબઈ: (Mumbai) ક્રૂઝ ડ્રગ્સ કેસ મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન મળી ગયા છે ત્યારે હવે આ કેસમાં નવો વણાંક આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકના (Nawab Malik) નિવેદનોના કારણે આ કેસમાં વધુ એક પાસું ઉમેરાયું છે. હવે ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજે (Mohit Kamboj) નવાબ મલિક પર 100 કરોડનો બદનક્ષીનો દાવો કર્યો છે. ભાજપના નેતાએ મલિક વિરુદ્ધ લીગલ એક્શનની તૈયારી કરી લીધી છે. મુંબઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે અને હાઈકોર્ટમાં (Hight Court) નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો કેસ પણ કરવામાં આવ્યો છે. બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં મોહિતે પોતે જણાવ્યું છે કે તે ભાજપના સભ્ય છે અને તેમનો એક બિઝનેસ પણ છે પરંતુ નવાબ મલિકના પાયાવિહોણા આરોપોએ તેમની છબી ખરાબ કરવાનું કામ કર્યું છે.
છેલ્લા ઘણા દિવસોથી નવાબ મલિક ભાજપ નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા હતા. મુંબઈ ડ્રગ્સ કેસમાં પણ તેમના પરિવારનું કનેક્શન હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. જેના કારણે 9 ઓક્ટોબરે મોહિતે મલિકને નોટિસ મોકલી હતી. તે નોટિસમાં એ વાત પર ભાર મુકવામાં આવ્યો હતો કે પુરાવા વગર બદનક્ષીભર્યું નિવેદન કરવું ખોટું છે. પરંતુ એ નોટિસ છતાં નવાબ મલિકે પોતાનાં નિદેવન આપવાનું ચાલું રાખ્યું હતું અને 11 ઓક્ટોબરે તેમના પરિવારને ફરીથી નિશાન બનાવવામાં આવ્યો હતો.
મોહિતે કોર્ટમાં અપીલ કરી છે કે એક ઓર્ડર બહાર પાડીને નવાબ મલિકને તેમના વિરુદ્ધ કોઈ પુરાવા વગર નિવેદનો આપતા રોકવામાં આવે. 26 ઓક્ટોબરના રોજ કંબોજે મઝગાંવ ખાતે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી જેમાં ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 499 અને 500 (બદનક્ષી) હેઠળ શિક્ષાપાત્ર ગુનાઓની નોંધ લેવા માટે ક્રિમિનલ પ્રોસિજર 1973ની કલમ 190 હેઠળ આદેશ જારી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે આ દાવા સાથે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો પણ ખખડાવ્યો હતો કે મલિકે એવા કૃત્યો કર્યા છે જેનાથી કંબોજના નામ અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તેમ છે. પિટિશનમાં મલિકને આવા કૃત્યો કરવાથી રોકવા માટે કાયમી મનાઈ હુકમની માંગ કરવામાં આવી છે અને નાણાંકીય વળતર માટે હુકમનામું પણ માંગવામાં આવ્યું છે.
વાત જાણે એમ છે કે જ્યારે એનસીબીએ ક્રૂઝ પર દરોડો પાડ્યો અને અનેક લોકોની અટકાયત કરી હતી ત્યારે નવાબ મલિકે કહ્યું હતું કે આઠની જગ્યાએ 11 લોકોને અટકાયતમાં લેવાયા હતા. પરંતુ ત્યારબાદ ભાજપના નેતાનો ફોન આવ્યો અને 3 લોકોને છોડી દેવાયા. મલિકે તો એવો પણ દાવો કર્યો હતો કે છોડવામાં આવેલા લોકોમાં મોહિતનો સાળો પણ હતો. આ જ કારણે ભાજપના નેતાએ નવાબ મલિક વિરુદ્ધ કાનૂની પગલું ભર્યું છે. નવાબ મલિકે જો કે હજુ સુધી આ માનહાનિ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી નથી.