મુંબઇ: આઇફોનની (Iphone) ઉત્પાદક ટેક જાયન્ટ કંપની એપલ (Apple) ભારતમાં (India) પોતાનો પ્રથમ રિટેલ સ્ટોર (Retail Store) મુંબઇમાં શરૂ કરવાની તૈયારીમાં છે અને તેણે આ સ્ટોર માટે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં વિશાળ જગ્યા ભાડે લઇને ત્યાં સ્ટોર માટેનું ઘણું કામ પૂર્ણ કરાવી નાખ્યું છે.
- બાંદ્ર કુર્લા કોમ્પ્લેક્ષમાં વર્ષે રૂ. પ.૦૪ કરોડના ભાડાથી જગ્યા લીધી, સ્ટોર લગભગ તૈયાર, મુંબઇની જાણીતી કાળી પીળી ટેક્સીની થીમ પર સ્ટોર પર કાળો પીળો રંગ કરવામાં આવ્યો
- સ્ટોરે હેલો મુંબઇ કહ્યું, મુંબઇગરાઓનો અત્યારથી જ સ્ટોર જોવા ધસારો, કંપનીના વડા ટીમ કૂક પોતે મુંબઇ આવીને સ્ટોર ખુલ્લો મૂકે તેવી વકી
મુંબઈના પ્રખ્યાત કોમર્શિયલ હબ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં એપલે વર્ષે રૂ. પ.૦૪ કરોડના ભાડેથી જગ્યા લીધી છે, જે ભાડું તે ત્રિમાસિક ધોરણે ચુકવશે અને મહિને આ ભાડું રૂ. ૪૨ લાખ જેટલું થાય છે. આ સ્ટોરની જગ્યા બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષમાં જીઓ વર્લ્ડ ડ્રાઇવ મોલમાં છે જ્યાં મોટે ભાગે વૈભવી બ્રાન્ડ્સના સ્ટોર્સ જ છે. આ એપલ સ્ટોર ત્રણ માળમાં ૨૦૦૦૦ ચો.ફૂટના વિસ્તારમાં ફેલાયેલો હશે અને તે એપલ બીકેસીના નામે ઓળખાશે. આ સ્ટોરને મુંબઇની ઓળખ સમાન કાળી પીળી ટેક્સીના રંગને ધ્યાનમાં રાખીને કાળા-પીળા રંગે પણ રંગવામાં આવ્યો છે. આ સ્ટોર પર લાઇટો ઝગમગવા માંડી છે અને મુંબઇગરાઓ તે જોવા ઉમટી રહ્યા છે. હાલમાં આ સ્ટોરે હેલો મુંબઇ લખાણનું ડિસપ્લે મુક્યું હતું અને લોકોએ ત્યાં સેલ્ફી લેવા પડાપડી કરી હતી.
દરમ્યાન, એવી પણ માહિતી છે કે એપલ કંપનીના સીઇઓ ટીમ કૂક આ સપ્તાહે ભારત આવી શકે છે. તેઓ મુંબઇ આવીને પોતાની કંપનીના પ્રથમ રિટેલ સ્ટોરને ખુલ્લો મુકશે. એપલના વડામથકમાં કૂકની ભારતની મુલાકાત માટે તૈયારીઓ ચાલી રહી છે. કૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે.