આર્યન ખાન ડ્રગ્સ કેસના (Aryan Khan Drugs Case) સાક્ષી કિરણ ગોસાવીની (Kiran Gosavi) પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરાયા બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસની તપાસ કરી રહેલાં NCBના અધિકારી સમીર વાનખેડેએ (Samir vankhede) મુંબઈ હાઈકોર્ટમાં એક અરજી કરી છે. આ અરજીના માધ્યમથી વાનખેડેએ કોર્ટને એવી વિનંતી કરી છે કે, જો તેઓ સામે કોઈ તપાસ થાય તો તે તપાસ CBI દ્વારા કરવામાં આવે. મુંબઈ પોલીસ દ્વારા સમીર વાનખેડે સામે તપાસની હિલચાલનો વિરોધ આ સાથે વાનખેડેએ કર્યો છે.
સમીર વાનખેડેની અરજીને મુંબઈ હાઈકોર્ટે ધ્યાનમાં લીધી છે અને એવા આદેશ કર્યા છે કે સમીર વાનખેડેની ધરપકડ કરવાની હોય તો ત્રણ દિવસ પહેલાં વાનખેડેને નોટીસ આપવી પડશે.
આ અગાઉ સમીર વાનખેડેએ જાનનું જોખમ હોય સુરક્ષાની માંગણી કરી હતી. ડ્રગ્સ કેસના એક સાક્ષી પ્રભાકર સેલ દ્વારા સમીર વાનખેડે પર ભ્રષ્ટ્રાચારનો આરોપ મુકાયો ત્યાર બાદથી જ સમીર વાનખેડે સામે તપાસની તલવાર લટકી રહી છે. પ્રભાકર સેલે આક્ષેપ કર્યો હતો કે, સમીર વાનખેડે આર્યનને છોડવા માટે શાહરૂખ પાસે 25 કરોડની લાંચ માંગી રહ્યો છે. જેમાં NCBના કેટલાંક અધિકારીઓ અને કિરણ ગોસાવી પણ સામેલ હતો. કિરણ ગોસાવીની આજે જ એક જૂના છેતરપિંડીના કેસમાં પૂણે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
આ અગાઉ આજે સવારે સમીર વાનખેડેની પત્ની અભિનેત્રી ક્રાંતિ રાડકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક ખુલ્લો પત્ર ટ્વીટર પર શેર કર્યો હતો. મરાઠીમાં લખેલા આ પત્રમાં ક્રાંતિ રાડકરેએ મરાઠી મહિલાની ગરિમાનો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેણે ઉદ્ધવ ઠાકરેને લખ્યું કે, મરાઠી મહિલા અને તેના પરિવાર પર કીચડ ઉછાળવામાં આવી રહ્યું છે. પરિવારને અપમાનિત કરવામાં આવી રહ્યો છે. જો અત્યારે બાલાસાહેબ ઠાકરે જીવતા હોતે તો તેઓએ આવું થવા દીધું નહોત. અમે તમારામાં (ઉદ્ધવ ઠાકરે)માં બાલાસાહેબને જોઈએ છે અને તમારી પાસે ન્યાયની અપેક્ષા રાખીએ છીએ.
નોંધનીય છે કે નવાબ મલિક અને પ્રભાકર સેલ દ્વારા સમીર ગામી અને તેના પરિવારો તથા સમીરના ધર્મ વિશે અનેક વાતો કરવામાં આવી રહી છે. આર્યન ખાનને જેલભેગો કરનાર સમીર વાનખેડેને ચારેતરફથી બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.