લાંબા સમયથી અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. જોકે, હવે મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેનો ભરૂચથી ગણદેવા વચ્ચેનો રૂટ જૂન 2025ના અંત સુધીમાં કાર્યરત થવાના સંકેત મળ્યા છે. આ રૂટ પર હવે માત્ર 2 કિલોમીટરનું જ કામ બાકી છે. તેથી જુલાઈ સુધીમાં એક્સપ્રેસ વે ધમધમતો થવાની શક્યતા જોવાઈ રહી છે.
આ એક્સપ્રેસ હાઈવે કાર્યરત થવાથી ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે અને મુસાફરી ઝડપી બનશે. નવો એક્સપ્રેસ હાઈવે શરૂ થતાં સુરતથી અમદાવાદ વચ્ચેનું અંતર ઘટીને માત્ર સાડા ત્રણ કલાકથી પોણા ચાર કલાક રહી જશે. એક્સપ્રેસ-વે કાર્યરત થવાથી અંકલેશ્વર, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના લોકોને મોટો ફાયદો થશે.
પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ભરૂચથી એના ગામ વચ્ચેના રૂટ પર 95 ટકા કામ પૂરું થઈ ગયું છે. એક્સપ્રેસ-વે પર પેકેજ-5, પેકેજ-6 અને પેકેજ-7ની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. ભરૂચથી એના સુધીના 61.5 કિલોમીટરના રૂટનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. જેમાં અંકલેશ્વરથી કીમ વચ્ચે થોડું કામ બાકી છે, જ્યારે કીમથી એનાગામ વચ્ચેનો રસ્તો પૂરી રીતે તૈયાર છે. તાપી નદી પરના બ્રિજ અને રેલવે ઓવરબ્રિજના ફિનિશિંગનું કામ હાલ ચાલી રહ્યું છે.
એના ગામથી નવસારીના ગણદેવા સુધીનું 92 ટકા કામ પણ પૂર્ણ થઈ ગયું છે અને બાકીનું કામ જૂન મહિના સુધીમાં પૂરું કરી દેવામાં આવશે. અંકલેશ્વરથી કીમ (પેકેજ-5)નું 77 ટકા, કીમથી એના (પેકેજ-6)નું 98.50 ટકા અને એનાથી ગણદેવા પેકેજ-7)નું 92 ટકા કામ પૂર્ણ થયું છે.
એના-ગણદેવા વચ્ચે માત્ર 2 કિલોમીટરનું કામ બાકી
એક્સપ્રેસ-વેમાં એના ગામથી ગણદેવા સુધીના પેકેજ-7ની વાત કરીએ તો તેની કુલ લંબાઈ 27.50 કિલોમીટર છે, જેમાંથી 25 કિલોમીટર સુધીનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર 2 કિલોમીટરનું કામ બાકી છે, જે જૂન 2025 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.
આ પેકેજની અંદાજિત કિંમત 3180 કરોડ રૂપિયા છે અને આ કામગીરી આઈ.આર.બી.ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર દ્વારા કરવામાં આવી રહી છે. આમ, આ હાઈવે દક્ષિણ ગુજરાતના લોકો માટે ચોમાસા પહેલાં એક મોટી ભેટ સાબિત થશે, જે તેમના સમય અને મુસાફરીને સરળ બનાવશે.
