નવી દિલ્હી: બિપરજોય વાવાઝોડાને પગલે ચોમાસાના (Monsoon) સમીકરણો બદલાઈ ગયા હતા. વરસાદના (Rain) આગમન વચ્ચે વાવાઝોડેએ દસ્તક આપતા આખા દેશમાં ચોમાસાની એન્ટ્રી મોડી થઈ છે. નવી દિલ્હી અને મુંબઈમાં વરસાદે દસ્તક આપતા એક અદ્ભૂદ સંયોગ બન્યો છે. આ ઉપરાંત મુંબઈ અને દિલ્હીમાં ભારે વરસાદના કારણે તબાહી પણ સર્જાઈ છે. મુંબઈમાં વરસાદના કારણે એક ઈમારત ધરાશાયી થઈ છે જ્યારે નવી દિલ્હીમાં રેલ્વે સ્ટેશન પર પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા એક મહિલાનું મૃત્યુ થયું છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈ અને તેની આસપાસના શહેરોમાં ભારે વરસાદના કારણે તબાહી સર્જાઈ છે. મુંબઈ-પુણેમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોની હાલત કફોળી બની છે. હવામાન વિભાગે મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. જાણકારી મળી આવી છે કે મુંબઈમાં વરસાદ વચ્ચે ઘાટકોપર (ઈસ્ટ)ની રાજાવાડી કોલોનીમાં એક ઈમારતનો એક ભાગ ધરાશાયી થઈ ગયો. આ અંગે માહિતી આપતા BMCએ કહ્યું કે કેટલાક રહેવાસીઓ બિલ્ડિંગમાં ફસાયેલા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
હરિયાણાના પંચકુલામાં ખડક મંગોલી પાસે પૂજા કરવા આવેલી એક મહિલાની કાર નદીમાં ડૂબી ગઈ હતી. જ્યારે બીજી તરફ દિલ્હીમાં મહિલા તેના પતિ સાથે રેલવે સ્ટેશન આવી હતી જ્યાં પાણીમાં ડૂબેલા ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવતાં મહિલાનું મોત થયું હતું. આ મામલે રેલવે અને પોલીસ તપાસમાં લાગી છે.
21 જૂન 1961 પછી આજે પહેલીવાર એટલે કે 62 વર્ષ પછી એવો સંયોગ જોવા મળ્યો છે જ્યારે મુંબઈ અને દિલ્હી બંને શહેરોમાં એક જ દિવસે ચોમાસાની શરૂઆત થઈ હોય. દેશના પૂર્વ ભાગમાં નવી સિસ્ટમ સર્જાવાના કારણે દિલ્હીમાં 5 દિવસ વહેલું જ્યારે મુંબઈમાં 2 અઠવાડિયા પછી ચોમાસું બેઠું છે.
રાયગઢ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે આગામી 4-5 દિવસમાં મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. રવિવારે પાલઘર, થાણે, મુંબઈ અને સિંધુદુર્ગ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે રાયગઢ અને રત્નાગીરી માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અનેક જિલ્લાઓમાં ભારે તોફાન સાથે ભારે વરસાદની સંભાવના છે.
પુણે સર્વિસ રોડ પર પાણીનો ભારે જથ્થો
પુણે જિલ્લાના ખેડ શિવપુર વિસ્તારમાં ભારે વરસાદને કારણે પુણે સતારા હાઈવે પરના સર્વિસ રોડ પર ભારે પાણીનો ભરાવો થયો હતો. પાણીમાંથી બહાર નીકળવા માટે વાહન ચાલકોને ભારે જહેમત ઉઠાવવી પડે હતી. ચોમાસા પહેલા કોઈ પ્રાથમિક તૈયારી ન હોવાના કારણે પહેલા વરસાદમાં જ હાઈવે પ્રશાસનની કામગીરી ખોરવાઈ ગઈ હતી. જેના કારણે શહેરીજનોએ હાઇવે પ્રશાસન પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે.
દેશમાં ચોમાસું સક્રિય
દેશમાં ચોમાસું સક્રિય થયું છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હરિયાણા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને જમ્મુના ભાગોમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયું છે. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. જો કે કેટલાક લોકો માટે આ વરસાદ મુશ્કેલી પણ લઈને આવ્યો છે.