T20 વર્લ્ડ કપ 2024ની (World Cup 2024) ટ્રોફી જીતીને ભારતીય ક્રિકેટ (Cricket) ટીમ ગુરુવારે સ્વદેશ પરત ફરી હતી. દિલ્હી વડાપ્રધાનને મળ્યા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ મુંબઈમાં યોજાનારી વિજય પરેડમાં ભાગ લેવા પહોંચ્યા હતા. મરીનડ્રાઈવથી શરૂ થયેલી પરેડ વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. દરમિયાન લાખો પ્રશંસકો ટીમને અભિનંદન આપવા ભેગા થયા હતા. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ વર્લ્ડ કપ ટ્રોફી સાથે ખુલ્લી બસમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને અન્ય ભારતીય ખેલાડીઓ ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ ટીમ ઇન્ડિયા વાનખેડે સ્ટેડિયમ પહોંચી હતી. અહીં વિશ્વ વિજેતા ટીમનું સમ્માન કરાયું હતું.
આ પહેલા ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ બાર્બાડોસથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા સીધા દિલ્હી પહોંચ્યા બાદ હોટલ માટે રવાના થયા હતા, ત્યારબાદ ટીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે સવારે 11 વાગ્યે પીએમ આવાસ પર પહોંચી હતી. ત્યારબાદ ટીમ દિલ્હીથી મુંબઈ માટે રવાના થઈ હતી. મુંબઈ એરપોર્ટ પર ભારતીય ખેલાડીઓને ગજબનો પ્રેમ મળ્યો હતો. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જે ફ્લાઈટથી મુંબઈ પહોંચ્યા હતા તેને મુંબઈ એરપોર્ટ પર વોટર કેનન સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારતીય ટીમના ખેલાડીઓનું બીસીસીઆઈના અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જય શાહે તેમને 125 કરોડનો ચેક આપ્યો હતો. આ દરમિયાન સમગ્ર ટીમ ઈન્ડિયાને સ્ટેજ પર બોલાવવામાં આવી હતી. ખેલાડીઓએ ટ્રોફી સાથે મેદાનમાં વિક્ટ્રી લેપ કર્યું હતું.
મરીન ડ્રાઈવમાં ચાહકોનું ઘોડાપૂર
મુંબઈના રસ્તાઓ પર ભારતીય ટીમની લોકોએ કલાકો સુધી રાહ જોઈ હતી. વરસતા વરસાદમાં લાખો ચાહકો વર્લ્ડ કપ ટાઇટલ સાથે પોતાના સ્ટાર ખેલાડીઓને જોવા માટે મરીન ડ્રાઇવ પહોંચી ગયા હતા. મુંબઈના મરીન ડ્રાઈવ ખાતે મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા. વીડિયોમાં મરીન ડ્રાઈવ પર ચાહકોની ખીચોખીચ ભીડ જોઈ શકાતી હતી. અહીં ભારે ટ્રાફિક જામ પણ થયું હતું.
બીજી તરફ વાનખેડે સ્ટેડિયમ પણ ચાહકોથી ખચાખચ ભરાઈ ગયું હતું. વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિક પંડ્યા, રોહિતના સમર્થનમાં ચાહકો જોરથી નારા લગાવી રહ્યા હતા. T20 વર્લ્ડ કપની અંતિમ મેચની છેલ્લી ઓવરમાં હાર્દિકે સાઉથ આફ્રિકાને 16 રન બનાવવા દીધા ન હતા. તે જાણીતું છે કે IPL 2024માં આ જ વાનખેડે સ્ટેડિયમમાં હાર્દિકની ભારે હૂટિંગ થઈ હતી પરંતુ ચાહકો હાર્દિક-હાર્દિકના નારા લગાવી તેને વધાવી લીધો હતો.