ઉમરગામ : ભીલાડ બાપુ હોટલની (Hotel ) સામે મુંબઈના (Mumbai) વેપારીએ પાર્ક કરેલી કારમાંથી (Car) રોકડા (Cash) રૂપિયા 40,000 અને લેપટોપ કિંમત રૂપિયા 50,000 મળી કુલ રૂપિયા 90,000 ની મત્તાની ચોરી (Stealing) કરી બે શખ્સો નાસી ગયા હતા. ઘટના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થવા પામી છે.
પ્રાપ્ત પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પરમાનંદ ભીષ્મલાલ ભાટીયા (રહે, રામા રેસીડેન્સી, દાદાભાઈ ક્રોસ રોડ, વિનાયક ગોરે ફ્લાય ઓવર બ્રિજ પાસે, વિલે પારલે, વેસ્ટ મુંબઈ) વાપી બલીઠા ખાતે પરમકેર લાઈફ સાયન્સીસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ચલાવે છે. તેઓ ગુરુવારે વાપી બલીઠા કંપની ઉપર આવ્યા હતા અને કામ પતાવીને ભિલાડ ગેટ હોટલમાં મિટીંગમાં આવવા નીકળ્યા હતા.
બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે ભિલાડ નરોલી બ્રિજ નીચે બાપુ હોટલની સામે તેઓએ પોતાની બલેનો કાર પાર્ક કરી હોટલ ઉપર ચા પીવા ગયા હતા. ચા પીને કાર પાસે આવ્યા ત્યારે એક અજાણ્યા ઈસમ (ઉ. 25 થી 30 વર્ષ)એ જણાવ્યુ હતુ કે ‘તમારા પૈસા પડી ગયેલા છે, જેથી જમીન ઉપર દસ દસની પડેલી ચાર નોટ ઉચકીને પરત કારમાં બેસવા જતાં ગાડીની પાછળની સીટ ઉપર રાખેલું લેપટોપ કિંમત રૂપિયા 50,000 તથા રોકડા રૂપિયા 40,000 જોવા મળ્યું ન હતું, અજાણ્યા બે જેટલા શખ્સો નજર ચૂકવીને કારમાં મુકેલા રોકડા રૂપિયા તથા લેપટોપ બેગ ચોરી લઈને નાસી ગયા હતા. હોટલ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરીની હરકત કેદ થવા પામી છે. આ બનાવ અંગે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વલસાડની કાપડિયા ચાલમાંથી મોબાઇલ ચોરતા બે પકડાયા
વલસાડ : વલસાડના કાપડિયા ચાલમાં એક ઘરમાં લોકોની ગેરહાજરી સમજી બે ચોર ઘરમાં ઘુસ્યા હતા અને મોબાઇલ ચોરીને ભાગી રહ્યા હતા. ત્યારે ઘરના એક સભ્યે બૂમાબૂમ કરતા લોકોએ ચોરને પકડી પાડ્યા હતા. મૂળ રાજસ્થાનના અને હાલ ઉદવાડા રહેતા આ બંને ચોરને માર મારી પોલીસને સોંપ્યા હતા. વલસાડની કાપડિયા ચાલમાં ગત સવારે મજૂર જેવા દેખાતા અંદાજે 20 થી 22 વર્ષના બે યુવાન એક ઘરમાં ઘૂસી મોબાઇલ ચોરી બહાર નિકળતા હતા. જેને પહેલા માળેથી ઘરના સભ્યે જોતાં ચોર ચોરની બૂમ પાડતાં આજુબાજુના લોકોએ દોડીને તેને પકડી પાડ્યા હતા. જેમને લોકોએ ઢોલ થાપટ મારી બંને યુવાનને પોલીસ મથકે લઇ ગયા હતા. જ્યાં તેમની પુછતાછ કરતા તેઓ મૂળ રાજસ્થાની અને હાલ ઉદવાડા રહેતા હોવાનું બહાર આવ્યું હતુ. આ બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.