National

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં નવો વળાંક: એક પંચે 18 કરોડમાં ડીલ થઈ હોવાનો ઘટસ્ફોટ કર્યો, NCBનો ઇનકાર

મુંબઈ: (Mumbai) બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan) વિરુદ્ધ ડ્રગ્સ કેસમાં (Drugs Case) પંચ બનેલા પ્રભાકર સેલે સોગંદનામું આપીને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પંચ પ્રભાકરે NCB ઝોનલ ચીફ સમીર વાનખેડે અને અન્ય સાક્ષી કેપી ગોસાવી પર મોટા આરોપો લગાવ્યા છે. તેણે કહ્યું છે કે વાનખેડે અને ગોસાવીની 18 કરોડ રુપિયામાં ડીલ થઈ છે. જેમાંથી સમીર વાનખેડેએ 8 કરોડ રુપિયા માંગ્યા હોવાનો આરોપ લગાડાયો છે. આરોપ લગાવનાર પ્રભાકર પોતાને કેપી ગોસાવીનો બોડીગાર્ડ ગણાવે છે. કેપી ગોસાવી એ જ વ્યક્તિ છે જેની આર્યન ખાન સાથેની તસવીર વાયરલ થઈ હતી. તે ખાનગી ડિટેક્ટર છે.

આર્યન ખાન ડ્રગ્સ કેસમાં હવે મોટો વળાંક આવ્યો છે. સાક્ષીએ દાવો કર્યો છે કે આ મામલામાં કરોડો રૂપિયાની લેતીદેતી થઈ છે. આ વ્યક્તિનું નામ પ્રભાકર રાધોજી સૈલ છે અને તે 22 જુલાઈ 2021થી કિરણ ગોસાવીનો બોડીગાર્ડ છે. કિરણ ગોસાવી તે વ્યક્તિ છે જે રેવ પાર્ટીમાં ઝડપાયેલા આર્યન ખાનને લઈને NCB ઓફિસમાં લઈ જતો જોવા મળે છે. પ્રભાકર રાધોજી સૈલ આ મામલામાં પંચનામા પર સહી કરનારામાંથી એક વ્યક્તિ છે. 

પ્રભાકરે એવો પણ દાવો કર્યો હતો કે ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાની સાથે કેપી ગોસાવી અને સેમ લગભગ 15 મિનિટ સુધી વાદળી રંગની મર્સિડીઝ કારમાં સાથે વાત કરતા જોવા મળ્યા હતા. પ્રભાકરે કહ્યું કે તે પછી ગોસાવીએ તેને ફોન કર્યો હતો અને પંચ બનવાનું કહ્યું હતું. તેણે કહ્યું છે કે એનસીબીએ 10 કોરા કાગળો પર તેની સહી કરાવી હતી. પ્રભાકરે એવો પણ દાવો કર્યો છે કે તેણે 50 લાખ રોકડ ભરેલી 2 બેગ ગોસાવીને આપી છે. પ્રભાકર સેલે દાવો કર્યો હતો કે 1 ઓક્ટોબરે રાત્રે 9:45 વાગ્યે ગોસાવીએ ફોન કરીને 2 ઓક્ટોબરના રોજ સવારે 7:30 વાગ્યે એક જગ્યાએ તૈયાર થઈને આવવા માટે જણાવ્યું હતું. તેણે એવો પણ દાવો કર્યો હતો કે ગોસાવીએ તેમને કેટલાક ફોટોગ્રાફ્સ આપ્યા હતા અને તેમને ગ્રીન ગેટ પરના ફોટોગ્રાફ્સમાં રહેલા લોકોને ઓળખવા કહ્યું હતું.

બીજી બાજુ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારી સમીર વાનખેડેએ આ કેસમાં કોઈ ખોટું કામ ન થયું હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે તે તેને યોગ્ય જવાબ આપશે. એજન્સીના સૂત્રોએ દાવાઓને “પાયાવિહોણા” ગણાવ્યા અને પ્રશ્ન કર્યો કે જો પૈસા લેવામાં આવ્યા હોય તો, “કોઈ વ્યક્તિ જેલમાં કેમ હોય?” એક સૂત્રએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે આવા દાવાઓ “માત્ર એજન્સીની છબી ખરાબ કરવા કરવામાં આવી રહ્યા છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે NCB કચેરીમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે અને ત્યાં આવું કશું થતું દેખાયું નથી.”

અધિકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે તેઓ 2 ઓક્ટોબર પહેલાં પ્રભાકર સેલને ક્યારેય મળ્યા નહોતા અને તેઓ કોણ છે તેની તેમને કોઈ જાણ નથી? એક સૂત્રએ કહ્યું કે આ સોગંદનામું એનડીપીએસ કોર્ટમાં લઈ જવામાં આવશે અને અમે અમારો જવાબ ત્યાં આપીશું.”

Most Popular

To Top