National

મુંબઈ એરપોર્ટના રનવે પર પાણી ભરાયા, 250થી વધુ ફ્લાઈટ પર અસર, 4 ફ્લાઈટ સુરત ડાયવર્ટ કરાઈ

મુંબઈમાં બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈ શહેર સહિત આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે પાણી ભરાયા છે. 24 કલાક ધબકતા મુંબઈ શહેરનું જનજીવન ઠપ્પ થઈ ગયું છે. ડ્રેનેજ બેક મારતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. મુંબઈની લોકલ ઠપ્પ થઈ છે તો બીજી તરફ મુંબઈ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાઈ જતા હવાઈ સેવા પણ ઠપ્પ થઈ ગઈ છે. મુંબઈથી અનેક ફ્લાઈટ અન્ય એરપોર્ટ પર ડાયવર્ટ કરવાની નોબત ઉભી થઈ છે.

મુંબઈમાં ભારે વરસાદને પગલે મુંબઈ એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં પાણી ભરાયા છે. તેના લીધે સંખ્યાબંધ ફ્લાઇટ ડાયવર્ટ કરાઇ છે. મુંબઈ જતી 4 ફ્લાઇટ સુરત એરપોર્ટ ડાયવર્ટ કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ખરાબ હવામાન અને મુંબઈમાં ભારે વરસાદને કારણે દિલ્હી – મુંબઈ અને ભુવનેશ્વર – મુંબઈ ફ્લાઇટ્ સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવી છે. સ્પાઇસજેટની દુબઈ મુંબઈ અને ઇન્ડિગોની વડોદરા મુંબઈ ફ્લાઇટ પણ સુરત તરફ ડાયવર્ટ કરાઈ છે. મુંબઈમાં ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ટૂંક સમયમાં કેટલીક વધુ ફ્લાઇટ્સ સુરત તરફ ડાયવર્ટ કરવામાં આવે તેવું લાગે છે.

મુંબઈ એરપોર્ટ પરથી 8 ફ્લાઈટ ડાયવર્ટ
મુંબઈમાં ભારે વરસાદને કારણે એરપોર્ટ પરથી 8 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. જેમાં 6 ઇન્ડિગો, 1 સ્પાઇસ જેટ અને 1 એર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. જ્યારે 12 ફ્લાઇટ્સને આસપાસ જવાની સૂચના આપવામાં આવી છે. 250 થી વધુ વિમાનોની અવરજવરમાં વિલંબ થઈ રહ્યો છે. આ ઉપરાંત મુસાફરો માટે એક સલાહ પણ જારી કરવામાં આવી છે.

એરલાઈન્સ કંપનીઓએ મુસાફરો માટે એડવાઇઝરી જારી કરી
ભારે વરસાદ અને ખરાબ હવામાનના લીધે ફ્લાઈટના ઓપરેશન પર અસર પડી રહી હોય એરલાઈન્સ કંપનીઓએ મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે. ઇન્ડિગોએ મુસાફરોને સૂચના આપી છે કે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાના લીધે ટ્રાફિક જામની સ્થિતિ છે.

મુસાફરોએ બહાર એપ અથવા વેબસાઇટ પર ફ્લાઇટની સ્થિતિ અંગેના અપડેટ ચેક કરી બહાર નીકળવું. આ ઉપરાંત સ્પાઇસજેટે એડવાઈઝરી જાહેર કરી છે. સ્પાઈસ જેટે કહ્યું કે મુંબઈમાં સતત વરસાદને કારણે બધી ફ્લાઇટ્સના આગમન અને પ્રસ્થાનને અસર થઈ શકે છે. તેથી મુસાફરોને એકવાર તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવા માટે કહેવામાં આવ્યું છે .

Most Popular

To Top