Gujarat

દાંડી કૂચની થીમ સાથે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન તૈયાર

અમદાવાદ: (Ahmedabad) મુંબઈ-અમદાવાદ વચ્ચે 508 કિલોમીટરનું અંતર બુલેટની ગતિએ પુરુ કરવાની તૈયારી સાથે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Bullet Train Project) ઝડપથી આગળ વધી રહ્યો છે ત્યારે આ પ્રોજેક્ટનું પહેલું સ્ટેશન (Station) બનીને તૈયાર છે. વિવિધ થીમ પર તૈયાર થનારા બુલેટ ટ્રેનના સ્ટેશનોનું પહેલું સ્ટેશન અમદાવાદના સાબરમતીમાં તૈયાર થઈ ચુક્યું છે. અનેક વિશેષતાઓ સાથે તૈયાર થયેલા આ પ્રથમ સ્ટેશનની થીમ પણ વિશેષ છે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે 8 કલાકના બદલે ફક્ત 3 કલાકમાં મુસાફરોને પોતાના ગંતવ્ય પર પહોંચડવાની નેમ સાથે બુલેટ ટ્રેનનું કામ પ્રગતિમાં છે. બુલેટ ટ્રેનના રૂટમાં પહેલું સાબરમતી સ્ટેશન આવે છે જે લગભગ તૈયાર થઈ ચુક્યું છે. ખાસ વાત એ છે કે સાબરમતીના સંત ગાંધીજીની દાંડી કૂચની થીમ પર આ સ્ટેશન તૈયાર કરાયું છે. અમદાવાદમાં બીજું સ્ટેશન કાલુપુર હશે.

બુલેટ ટ્રેનના સાબરમતી સ્ટેશનની વિશેષતા
ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડવા જઈ રહી છે જેમાં અમદાવાદનું પહેલું સ્ટેશન સાબરમતી હશે. અહીં 1.36 લાખ વર્ગ મીટર વિસ્તારમાં 9 માળની ઈમારત બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગ હાઇસ્પીડ રેલ લાઇનના નોર્થ ટર્મિનલના રૂપમાં કામ કરશે. અહીં બુલેટ ટ્રેન સ્ટેશનની સાથે જંકશનનું કામ પૂર્ણ થયું છે. સાબરમતી જંક્શન પર બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, બીઆરટીએસ તેમજ ઈન્ડિયન રેલનું કનેક્શન હશે. ઉપરાંત અહીં 1200 ગાડીઓનું પાર્કિંગ, હોટલ અને ટેરેસ ગાર્ડન સહિતની સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર હશે જેમાં 133 કિલોમીટરના રૂટ પર પિલર હશે. જ્યારે 21 કિમી અંડરગ્રાઉન્ડ ટ્રેન દોડશે. બુલેટ ટ્રેનની સૌથી આકર્ષક બાબત એ છે કે 7 કિમી અંડર વોટર ટ્રેન દોડશે. ઉપરાંત અમદાવાદથી મુંબઈ કોરિડોર પર કુલ 24 રિવર બ્રિજ છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદી પર 1.2 કિલોમીટર લાંબો રિવર બ્રિજ ગુજરાતમાં બાંધવામાં આવેલો સૌથી લાંબો પુલ છે. જ્યારે ગુજરાતના વલસાડ જિલ્લામાં પાર નદી પરનો 320 મીટર લાંબો પુલ જાન્યુઆરી 2023માં પૂર્ણ થયો છે.

સાબરમતી અમદાવાદથી આગળનું પહેલું સ્ટેશન નડિયાદ અને આણંદ છે જ્યાં કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. બુલેટ ટ્રેનના સ્ટેશનોને જે તે શહેરના ઇતિહાસ સાથે સાંકળી લેવાની પણ યોજના છે. આણંદ સાથે અમૂલ દૂધનો ઈતિહાસ જોડાયેલો છે તેથી આ સ્ટેશન સફેદ ક્રાંતિ થીમ પર તૈયાર કરવામાં આવશે. મુંબઈ અમદાવાદ રૂટ પર કુલ 12 સ્ટેશનો હશે. જેમાં મુંબઈ-થાણે-વિરાર-વાપી-બીલીમોરા-સુરત-ભરૂચ-વડોદરા-આણંદ નડિયાદ-કાલુપુર અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે.

Most Popular

To Top