National

મુંબઈ: અમીરાતની ફ્લાઈટ સાથે અથડાતા 40 રાજહંસો મોતને ભેટ્યા, રસ્તાઓ ઉપર વિખેરાયા પક્ષીઓના શવ

મુંબઇ: મુંબઈમાં (Mumbai) અમીરાતના પ્લેનની ટક્કરથી એક રાજહંસોનું ટોળું મૃત્યુ પામ્યુ હતું. ઘટના સોમવારે રાત્રે બની હતી. અકસ્માતના (Accident) કારણે મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં અનેક જગ્યાએ 40 રાજહંસોના (Flamingo) મૃતદેહો રસ્તા ઉપર વેરવિખેર હાલતમાં મળ્યા હતા. તેમજ ઘટના બાદ પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. જેની જાણકારી BMCએ આપી હતી.

BMC (બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન)ના જણાવ્યા મુજબ ઘાટકોપરમાં કેટલાક સ્થળોએ રાજહંસ પક્ષીના મૃતદેહો મળી આવ્યા હતા. જેની જાણકારી વન્યજીવન વોર્ડનને કોઇક અજાણ્યા ઇસમે ફોન દ્વારા આપી હતી. જાણકારી મળ્યા બાદ જ્યારે અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી, ત્યારે તેઓએ જોયું કે આ વિસ્તાર પક્ષીઓના મૃતદેહોથી ભરેલો છે અને પક્ષીઓના પીંછાના તૂટેલા ટુકડાઓ, પંજા અને ચાંચ ચારે બાજુ વેરવિખેર છે. તેમણે કહ્યું કે મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.

મૃત પક્ષીઓને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે
‘રાઇઝિંગ એસોસિએશન ફોર વાઇલ્ડલાઇફ વેલફેર’ (RAWW) ના સ્થાપક અને વન વિભાગના માનદ વન્યજીવ વોર્ડન પવન શર્માએ જણાવ્યું હતું કે ઘાટકોપરમાં કેટલાક સ્થળોએ મૃત રાજહંસો જોવા મળ્યા હોવાના ઘણા લોકોના ફોન આવી રહ્યા હતા. ત્યાર બાદ કાર્યવાહી હાથ ઘરવામાં આવી હતી અને મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃત પક્ષીઓને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

સોમવાર રાતની ઘટના
મળેલી વિગતો મુજબ મુંબઈ આવી રહેલી અમીરાતની ફ્લાઈટ સાથે અથડામણમાં 40 ફ્લેમિંગોના મોત થયા હતા. આ ઘટના સોમવારે રાત્રે બની હોવાનું અનુમાન લગાડવામાં આવ્યું હતું. આ અથડામણ બાદ ઘાટકોપર વિસ્તારમાં ઘણા મૃત રાજહંસો મળી આવ્યા હતા. તેમજ અથડામણને કારણે પ્લેનને પણ ઘણું નુકસાન થયું હતું. જો કે પ્લેનને એરપોર્ટ પર સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું. તેમજ પ્લેનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હતા. આ સાથે જ વન અધિકારીઓ અને પશુ કાર્યકરોએ મૃત રાજહંસોને રસ્તા પરથી દૂર કર્યા હતા.

જુદા જુદા વિસ્તારમાં મૃત પક્ષીઓ જોવા મળ્યા
આ અકસ્માતના ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મુંબઈના અનેક વિસ્તારોમાંથી મૃત રાજહંસો મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ફોન કરીને અધિકારીઓને આ અંગે જાણ કરી હતી, ત્યારબાદ વન વિભાગ અને અન્ય ટીમો સ્થળ પર પહોંચી હતી અને મૃત રાજહંસોને કબ્જામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top