કોરોનાની બીજી લહેર વચ્ચે ફરી એવી ભયાનક સ્થિતિ બની રહી છે જે ગત વર્ષે એપ્રિલ અને મે મહિનામાં જોવા મળી હતી જ્યારે લાખોની સંખ્યામાં લોકોએ હિજરત શરૂ કરી હતી. બુધવારે મુંબઇથી હજારો પ્રવાસી મજૂરોએ પોતાના રાજ્ય કે શહેર તરફ વાટ પકડી હતી. ટ્રેન ટિકિટ માટે લાંબી કતારો જોવા મળી રહી હતી. ભીવંડી અને થાણેમાં પરિસ્થિતિ વધુ વિકટ બની છે. એવા પણ અહેવાલ મળી રહ્યા છે કે કંપનીઓએ લોકડાઉનના ડરથી કામ બંધ કરીને કામદારોને કાઢી મૂક્યા છે.
મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનસ પર રવિવારથી જ પ્રવાસી કામદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો પોતાના સામાન અને પરિવાર સાથે અહીં જ ટિકિટ મળ્યા બાદ ટ્રેન પકડવા માટે ડેરો નાખીને બેઠા છે. રેલવેના નવા નિયમો મુજબ, રિઝર્વેશન ટિકિટ વિના સ્ટેશનમાં ઘૂસવાની મંજૂરી નથી. ટિકિટ વિન્ડો પર લાંબી કતારો જોવામાં આવી રહી છે. અહીં આવેલા લોકો પૈકી એક કામદારે કહ્યું કે, પાછલી વખતે લોકડાઉન લગાવી દેવાતા સમસ્યા ઉભી થઇ ગઇ હતી. એ હેરાનગતિ ફરી ન થાય તે માટે અમે પહેલેથી જ ગામ જવા નીકળી રહ્યા છે.
યુપીના એક રહેવાસીએ કહ્યું કે, લોકડાઉન લાગી જવાના ડરથી માલિકે કંપની બંધ કરી દીધી છે અને કર્મચારીઓને નોકરી પરથી કાઢી મૂક્યા છે. એટલા પૈસા નથી કે ઘરે પરત જઇ શકું તેથી ઘરેથી પૈસા મગાવીને હવે પરત જવા માગું છું.