કિશોરાવસ્થામાં જાદુના ખેલ, સર્કસ અને બહુરૂપીને જોવાનો આનંદ મળતો. આજે આ ત્રણેય કલાઓ નામશેષ થવાને આરે ઉભી છે ત્યારે વાત કરવી છે બહુરૂપીની. બહુરૂપી એટલે અનેક રૂપ ધારણ કરનાર. વેશ પલટો કરનારું માયાવી, નાટકનો અભિનેતા. એક પ્રકારનો વ્યકિત સમુદાય જેમનો ધંધો જુદા જુદા વેશ ધારણ કરી આજીવિકા કમાવવાનો હોય. પ્રસંગ અને તહેવારને ધ્યાનમાં રાખીને રૂપ ધારણ કરી લે અને પોતાના કુટુંબનું ભરપોષણ કરે. આજકાલ તો બહુરૂપી શોધવો મુશ્કેલ બની જાય. અમારા વિસ્તારમાં એક વિકલાંગ બહુરૂપી જોવા મળે, જો કે લોકો બહુરૂપીને નજરઅંદાજ કરીને ફરી જાય છે. માંડમાંડ તેને કોઈ મદદ કરે એ એનું કાર્ય કરતો રહે છે.
હા, આજકાલ સજ્જન કોણ અને દુર્જન કોણ? એ ઓળખ કરવી મુશ્કેલ છે. કોણ ક્યારે છેતરપિંડી કરી જાય ખબર પણ ન પડે. માનવી એક, રૂપ અનેક. ત્યારે આપણે લાચાર બની જઈએ. એ બહુરૂપિયો, નરાધમ પણ બની જાય. એ મારો, તમારો અને આપણો જ મિત્ર, સગો કે પાડોશી પણ હોય શકે. જેના પર અતૂટ વિશ્વાસ હોય એજ વિશ્વાસઘાત કરીને ફરી જાય. આવા બહુરૂપિયા ખાસ કરીને જે લોકો નબળા હોય તેને જ શિકાર બનાવે. રકમ બમણી કરી આપું, સોનાની બિસ્કીટ સસ્તી આપું, વિદેશ જવામાં મદદ કરું વગેરે.. ક્યારેક નકલી નોટ કે નકલી સર્ટિફિકેટ પધરાવી જાય. ટૂંકમાં સજ્જન અને દુર્જનની ઓળખ મેળવીને વ્યવહાર કરવામાં સમજદારી છે.
નવસારી – કિશોર આર. ટંડેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
