Columns

મુલાયમસિંહ યાદવ ૧૯૯૬માં વડા પ્રધાન બનતાં બનતાં રહી ગયા હતા

એક પહેલવાન તરીકે પોતાની જાહેર કારકિર્દી શરૂ કરનારા મુલાયમસિંહ યાદવ ભારતના સંરક્ષણ પ્રધાન બનવા ઉપરાંત ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા, પણ ૧૯૯૬માં તેઓ ભારતના વડા પ્રધાન બનવાની ખૂબ નજીક આવી ગયા હતા, જેની બહુ ઓછા લોકોને ખબર હશે. ૧૯૯૬માં લોકસભાની ચૂંટણી થઈ તેમાં કોંગ્રેસ પક્ષની હાર થઈ હતી અને ત્રિશંકુ લોકસભાની રચના થઈ હતી. ભાજપે અટલબિહારી વાજપેયીના વડા પ્રધાનપદ હેઠળ લઘુમતી સરકાર બનાવી, પણ તે સરકારનું માત્ર ૧૩ દિવસમાં પતન થયું હતું. કોંગ્રેસ પક્ષ સરકાર બનાવવા તૈયાર ન હોવાથી ત્રીજા મોરચાની સરકાર બનશે તે નક્કી થઈ ગયું હતું.

વી.પી. સિંહ આ લઘુમતી સરકારનું નેતૃત્વ સ્વીકારવા તૈયાર ન હોવાથી પશ્ચિમ બંગાળના તત્કાલીન મુખ્ય પ્રધાન જ્યોતિ બસુને વડા પ્રધાનપદની ઓફર કરવામાં આવી હતી, પણ માર્ક્સવાદી સામ્યવાદી પક્ષના પોલિટ બ્યૂરો દ્વારા તે ઓફર નકારી કાઢવામાં આવી હતી. ત્યારે ત્રીજા મોરચાના કન્વીનર હરકિસનસિંહ સુરજીતે વડા પ્રધાન તરીકે મુલાયમસિંહ યાદવનું નામ સૂચવ્યું હતું, પણ લાલુપ્રસાદ યાદવે અને શરદ યાદવે તેનો વિરોધ કરતાં મુલાયમસિંહ વડા પ્રધાન બની શક્યા નહોતા. છેવટે એચ.ડી. દેવેગોવડાનું નામ કોમ્પ્રોમાઈઝ કેન્ડિડેટ તરીકે સ્વીકારી લેવામાં આવ્યું હતું. દેવેગોવડા વડા પ્રધાન બનતાં મુલાયમસિંહ યાદવ તેમના પ્રધાનમંડળમાં નંબર ટુ ના સ્થાને સંરક્ષણ પ્રધાન બન્યા હતા.

દેવેગોવડા સરકારનું પતન થતાં મુલાયમસિંહ યાદવ સમક્ષ ફરી વખત વડા પ્રધાન બનવાની તક ઊભી થઈ હતી, પણ યાદવ લોબીના જ વિરોધને કારણે ફરી વખત તે તક રોળાઈ ગઈ હતી. તે વખતે ઇન્દરકુમાર ગુજરાલને વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા. મુલાયમસિંહ યાદવ સંરક્ષણ પ્રધાન તરીકે ચાલુ રહ્યા હતા. દેવેગોવડા વડા પ્રધાન હતા તે દરમિયાન સંરક્ષણ પ્રધાન તરીકે મુલાયમસિંહ યાદવે રશિયાના સુખોઈ ફાઇટર જેટ વિમાનો ખરીદવાના સોદાને આખરી સ્વરૂપ આપ્યું હતું.
મુલાયમસિંહ યાદવ ભાજપના દુશ્મન હોવા છતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપતાં કહ્યું હતું કે ‘‘તેઓ કટોકટી દરમિયાન લોકશાહીના ચાવીરૂપ સિપાઈ હતા.’’હકીકતમાં મુલાયમસિંહ યાદવે ૧૯૭૫માં ભારતમાં કટોકટી લાદવામાં આવી તેનો વિરોધ કર્યો હતો અને તેઓ ૧૯ મહિના જેલમાં પણ રહ્યા હતા.

૧૯૭૭માં ઉત્તર પ્રદેશમાં જનતા દળની સરકાર આવી તેમાં મુલાયમસિંહ યાદવ રાજ્ય કક્ષાના પ્રધાન પણ બન્યા હતા. ૧૯૮૯માં તેઓ ભાજપના બાહ્ય ટેકા સાથે પહેલી વખત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બ્રાન્ડ કોમવાદી રાજકારણના હાડોહાડ વિરોધી મનાતા મુલાયમ સિંહ યાદવે ૧૯૯૦માં અયોધ્યા તરફ કૂચ કરી રહેલા કારસેવકો પર ગોળીબાર કરવાનો આદેશ કર્યો હતો, જેમાં ૧૬ કારસેવકો માર્યા ગયા હતા.

તેને કારણે કટ્ટર હિન્દુત્વવાદીઓ મુલાયમને સખત નફરત કરતા હતા, તો પણ તેમના મરણ નિમિત્તે ત્રણ દિવસનો શોક જાહેર કરીને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તકવાદી રાજકારણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મુલાયમસિંહ યાદવે કારસેવકો પર ગોળીબાર કરાવતાં તેઓ દેશભરનાં મુસ્લિમોના મસીહા બની ગયા હતા. તેને કારણે ઉત્તર પ્રદેશમાં જ નહીં, પણ બિહારમાં પણ મુસ્લિમ-યાદવ મતોની ધરી રચાઈ હતી. ઉત્તર પ્રદેશના યાદવ અને મુસ્લિમ મતોના જોર પર મુલાયમસિંહ આઠ વખત વિધાનસભામાં અને સાત વખત સંસદમાં ચૂંટાઈ આવ્યા હતા.

૨૦૦૨માં કેન્દ્રમાં ભાજપના મોરચાની સરકાર હતી ત્યારે રાષ્ટ્રપતિ તરીકે એ.પી.જે. અબ્દુલ કલામના નામનું પહેલવહેલું સૂચન પણ મુલાયમસિંહ યાદવે કર્યું હતું. આ વાતનો ઘટસ્ફોટ ૨૦૧૫માં કલામના મૃત્યુ પ્રસંગે થયો હતો. મુલાયમસિંહના સાથીદાર અમરસિંહના કહેવા મુજબ વાજપેયી, અડવાણી અને પ્રમોદ મહાજને તેમને નેતાજી (મુલાયમસિંહ યાદવ) ને લઈને વડા પ્રધાનના કાર્યાલયમાં આવવાનું કહ્યું હતું ત્યારે વાજપેયીએ કહ્યું કે તેમણે મહારાષ્ટ્રના તત્કાલીન ગવર્નર પી.સી. એલેક્ઝાંડરનું નામ રાષ્ટ્રપતિ તરીકે નક્કી કર્યું છે.

ત્યારે કોંગ્રેસ તેમ જ અન્ય પક્ષો ઉપરાષ્ટ્રપતિ કૃષ્ણકાંતને રાષ્ટ્રપતિ બનાવવા માગતા હતા. તેની વચ્ચે મુલાયમસિંહ યાદવે અબ્દુલ કલામનું નામ સૂચવ્યું હતું અને વાજપેયીએ તરત તે નામ સ્વીકારી લીધું હતું. અબ્દુલ કલામ ઉદારમતવાદી મુસ્લિમ હોવાથી કોંગ્રેસે તેમ જ બીજા પક્ષોએ પણ તે નામ સ્વીકારી લીધું હતું. અબ્દુલ કલામ ૨૦૦૨થી ૨૦૦૭ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિ બન્યા હતા. ૨૦૧૨માં તેમણે બીજી વખત કલામનું નામ રાષ્ટ્રપતિપદ માટે સૂચવ્યું હતું, પણ કોંગ્રેસના વિરોધને પગલે પાછું ખેંચી લીધું હતું.

ભારતના રાજકારણમાં સગાવાદને પ્રોત્સાહન આપવાનું કામ ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવે અને બિહારમાં લાલુપ્રસાદ યાદવે કર્યું છે. તેમના ભાઇ રામગોપાલ યાદવ ૧૯૮૮માં રાજકારણમાં પ્રવેશ્યા હતા. ૧૯૮૯માં મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બન્યા તે પછી તેમણે રામગોપાલ યાદવને રાજ્ય સભામાં મોકલી આપ્યા હતા. ૨૦૦૪માં તેઓ સમાજવાદી પક્ષની ટિકિટ પર ચૂંટણી લડીને લોકસભાના સભ્ય પણ બન્યા હતા. રામગોપાલના પુત્ર અક્ષય યાદવને મુલાયમસિંહ યાદવે ફિરોઝાબાદની લોકસભાની બેઠકની ટિકિટ આપીને ૨૭ વર્ષની ઉંમરે સંસદસભ્ય બનાવ્યો હતો. અક્ષય યાદવને કારણે રામગોપાલ યાદવ અને શિવપાલ યાદવ વચ્ચે ચકમક ઝરતાં અક્ષય યાદવને રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની ફરજ પાડવામાં આવી છે.

મુલાયમસિંહ યાદવે પોતાના બીજા ભાઈ શિવપાલને પણ રાજકારણની સીડી ચડવામાં મદદ કરી હતી. ૧૯૯૬માં તેઓ કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન બન્યા તે પછી તેમણે ખાલી કરેલી જશવંત નગરની બેઠક પરથી ચૂંટાઈને શિવપાલસિંહ વિધાનસભામાં ગયા હતા. ૨૦૦૯માં શિવપાલ યાદવને ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પક્ષના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારે અખિલેશ યાદવ માત્ર સંસદસભ્ય હતા. થોડા જ મહિના પછી અખિલેશ યાદવ સમાજવાદી પક્ષના ઉત્તર પ્રદેશના પ્રમુખ બની ગયા હતા.

૨૦૧૨માં વિધાનસભાની ચૂંટણી થઈ તેમાં અખિલેશ યાદવે સમાજવાદી પક્ષને વિજય અપાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સમાજવાદી પક્ષના જૂના જોગીઓ મુલાયમસિંહ યાદવ મુખ્ય પ્રધાન બને તેવું ચાહતા હતા, પણ મુલાયમે પસંદગીનો કળશ અખિલેશ યાદવ પર ઢોળ્યો હતો. જો કે અખિલેશ યાદવે સ્વતંત્ર રીતે નિર્ણય લેવાનું શરૂ કર્યું તેને કારણે મુલાયમ નારાજ થઈ ગયા હતા અને તેમણે સમાજવાદી પક્ષમાંથી અખિલેશની હકાલપટ્ટી કરી હતી. બાપ-બેટા વચ્ચેની આ લડાઈને કારણે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી હારી ગઈ હતી.

૨૦૧૭ની ચૂંટણીમાં હાર પછી મુલાયમ અને અખિલેશ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અખિલેશ યાદવ સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બની ગયા હતા. મુલાયમસિંહ યાદવે તે સ્વીકારી પણ લીધું હતું. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં અખિલેશે માયાવતીના પક્ષ સાથે તકવાદી જોડાણ કર્યું હતું, પણ તેઓ ભાજપ સામે હારી ગયા હતા. આ હાર પછી તેઓ છૂટા પડી ગયા હતા. ૨૦૨૨માં અખિલેશ યાદવે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર કર્યો હતો, પણ તેઓ હારી ગયા હતા. મુલાયમસિંહ યાદવનાં સગાંઓ જ તેમના રાજકીય પતન માટે નિમિત્તરૂપ બન્યાં હતાં.

Most Popular

To Top