Business

મુકેશ અંબાણી વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર, HCL ના રોશની નાડાર ટોપ 10માં

ગયા વર્ષની સરખામણીમાં દેવા વધવાને કારણે મુકેશ અંબાણીની સંપત્તિમાં 1 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ કારણે તેઓ વિશ્વના ટોચના 10 સૌથી ધનિક લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. આ માહિતી હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 માં આપવામાં આવી છે. આ યાદી અનુસાર ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ આશ્ચર્યજનક રીતે 82% અથવા $189 બિલિયન વધીને $420 બિલિયન થઈ ગઈ છે.

રોશની નાદર વિશ્વની પાંચમી સૌથી ધનિક મહિલા
બીજી તરફ HCLની રોશની નાદર જેમના પરિવારની કુલ સંપત્તિ 3.5 લાખ કરોડ રૂપિયા છે તે વિશ્વની પાંચમી સૌથી ધનિક મહિલા બની છે. તે વિશ્વની ટોચની 10 સૌથી ધનિક મહિલાઓમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય મહિલા છે. તેમના પિતા શિવ નાદરે તાજેતરમાં જ HCLમાં 47% હિસ્સો તેમને ટ્રાન્સફર કર્યો હતો.

અંબાણી હજુ પણ એશિયાના સૌથી ધનિક
યાદી અનુસાર ભલે અંબાણી વિશ્વના 10 સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન મેળવવાથી ચૂકી ગયા તેમ છતાં તેઓ હજુ પણ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. યાદી અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તેના ઊર્જા અને છૂટક વ્યવસાયોમાં નબળા પ્રદર્શનનો સામનો કરી રહી હોવાથી રિલાયન્સ ગ્રુપના ચેરમેનની સંપત્તિમાં ઘટાડો થયો છે. ધીમી વેચાણ વૃદ્ધિ અને દેવા અંગે રોકાણકારોની ચિંતાઓએ જૂથની સમસ્યાઓમાં વધારો કર્યો છે. કંપની તેના ડિજિટલ પ્લેટફોર્મ, નવીનીકરણીય ઉર્જા અને છૂટક વ્યવસાયના વિસ્તરણ તરફ આગળ વધી છે જેમાં ધીમી પ્રગતિ તેcની સંપત્તિને અસર કરી રહી છે.

ગૌતમ અદાણી ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ
ભારતના સૌથી ધનિક લોકોની વાત કરીએ તો હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ 2025 માં મુકેશ અંબાણી પછી ગૌતમ અદાણી બીજા ક્રમે છે. છેલ્લા એક વર્ષમાં તેમની કુલ સંપત્તિમાં લગભગ 1 લાખ કરોડ રૂપિયાનો પ્રભાવશાળી વધારો જોવા મળ્યો છે. કોમોડિટીઝ વેપારી તરીકે શરૂઆત કર્યા પછી અદાણીએ પોતાનું સામ્રાજ્ય બનાવ્યું અને પોતાના જૂથને નવી ઊંચાઈઓ પર લઈ ગયા. અદાણી ગ્રુપ દેશમાં બંદરો, વીજ ઉત્પાદન, એરપોર્ટ, ખાણકામ, નવીનીકરણીય ઉર્જા, મીડિયા અને સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલું છે. સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝના દિલીપ સંઘવીની સંપત્તિ 21% વધીને રૂ. 2.5 લાખ કરોડ થઈ ગઈ, જેના કારણે તેઓ ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા સ્થાને પહોંચી ગયા, એમ હુરુન યાદીમાં જણાવાયું છે.

Most Popular

To Top