Charchapatra

મુજે મીલ ગયા બહાના તેરી દીદકા

તા. 27મી માર્ચના મિત્ર અખબારમાં હૃદયને ગાતાં ગીતો ‘શો ટાઇમ’ પૂર્તિમાં બકુલ ટેલરે 1960ની ‘બરસાત કી રાત’ ફિલ્મનાં લતા મંગેશકરના મીઠા મધુરા ગીતને યાદ કરીને એનું વિશ્લેષણ કરીને અમારા જેવાં હજારો સંગીત પ્રેમીઓનાં દિલ જીતી લીધાં છે. ઇદના પ્રાસંગિક ગીતને યાદ કરીને અમારી ખુશી પણ બેહદ વધી ગઇ છે. આ ગીત માટે કોને યાદ કરવા? ગીતના ગીતકાર સાહિર લુધ્યાનવી, સંગીતકાર રોશન અને ગાયિકા લતા મંગેશકરે આ રમતિયાળ પ્રણયગીત ગાઇને કમાલ કરી બતાવી છે. આ ત્રિપુટીને બેશક ધન્યવાદ આપવા પડે. આજે પણ 65 વર્ષે આ ગીતની ચમક દમક જરા પણ ઓછી થઇ નથી. મુજે મિલ ગયા બહાના તેરી દીદ કા દીદ શબ્દ ફારસી ભાષામાંથી ઊતરી આવ્યો છે.

ઉર્દૂ શબ્દ દીદ અર્થાત્ દીદાર કરવા નાયિકા એના પ્રેમના દર્શન કરવા તડપે છે. સંજોગો એવા આવે છે કે એક બાજુ નાયિકાને ઇદના ચાંદની ખુશી છે તો એ સાથે પ્રેમીની પણ તડપ છે. એને મન બંને ખુશી જાગતી આંખોમાંથી વ્યકત થાય છે. ગીતકારે દીદ શબ્દનો ઉપયોગ બખૂબી રીતે ગીતમાં વણી લીધો છે. ગીતના ભાવ ગીતની દરેક પંકિત દ્વારા દરેક અંગોથી પ્રકટ થયા છે. ગીતના મુખડાથી લઇને એના અંતરાનું વર્ણન લાજવાબ છે. નાયિકાની કલ્પના તો જુઓ, એનાં સપનાં સાકાર થાય એ માટે એ લલકારે છે. દિલ કી લગી ઐસી બઢી આંખો મે નામ નહીં નીંદકા. એની નીંદ પણ પ્રેમના ઇંતજારમાં હરામ થઇ જાય છે.

ગીતકારના દીદ દીદ નીંદ શબ્દ થકી ગીતને ચાર ચાંદ લાગી જાય છે. ચાહે તો નાયિકાના મુખમાંથી શબ્દો સરી પડે છે. આંખોમેં નામ નહીં નીંદ કા. મુજે મિલ ગયા બહાના તેરી દીદ કા. કૈસી ખુશી લે કે આયા ચાંદ. સમસ્ત મુસ્લિમ સમાજ ઇદના ચાંદના દર્શન થાય પછી ઇદની ઉજવણી કરે છે. એ ઇદનો ચાંદ કેવી ને કેટલી પ્રસન્નતા આપે છે એ તો એની અનુભૂતિ દીદાર કરનારને જ ખબર પડે.
સુરત              – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ત્યારે, ચકાસી લેવા જેવું ખરું
૨૫મી માર્ચ, ઇંતેખાબ અન્સારીના ‘ચકાસી લેવા જેવું ખરું’ ના શીર્ષક હેઠળ છપાયેલા ચર્ચાપત્રમાંથી એક વાત ફલિત થાય છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિથી ખોટી રીતે અંજાઈ જવું જોઈએ નહીં, પછી એ સેલિબ્રિટી હોય કે પ્રસિદ્ધ વ્યક્તિ. સ્વાનુભવને આધારે આ વાત સાથે હું સહમત થઇશ. ઘણી પ્રસિદ્ધ વ્યક્તિના વકતૃત્વ અને કર્તૃત્વમાં ફેર દેખાય ત્યારે વિચાર કરતાં થઈ જવાય છે. ઘણી વાર સમાજને સુધારવાની પ્રવૃત્તિ લઇને‌ બેઠેલી પ્રસિદ્ધ વ્યક્તિની ગતિવિધિ કંઈક જુદી જ હોય ત્યારે મન કહી ઊઠે કે ‘ચકાસી લેવા જેવું ખરું.’
સુરત     – વૈશાલી શાહ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top