નવી દિલ્હી: ભારત (India) અને માલદીવ (Maldives) વચ્ચે લગભગ 6 મહિનાના તણાવ બાદ માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર સંબંધો સુધારવા માટે ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન માલદીવમાં તૈનાત ભારતીય સૈનિકોની (Indian soldiers) છેલ્લી બેચને પરત (Returned) મોકલી દેવામાં આવી હતી. જોકે ભારતીય સૈનિકોની ચોક્કસ સંખ્યા વિશે માહિતી મળી નથી.
અગાવ મુઈઝ્ઝુ સરકારે ભારતીય સૈન્ય સૈનિકોને પાછા ખેંચવા માટે 10 મેની સમયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ સમયમર્યાદા પહેલા સૈનિકો પરત આવતા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ કહ્યું હતું કે ભારતે નિર્ધારિત સમય પહેલા તેના તમામ સૈનિકોને પાછા ખેંચી લીધા છે. રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુને ચીન તરફી નેતા તરીકે જોવામાં આવે છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચાર દરમિયાન મુઇઝ્ઝુનો મુખ્ય સંકલ્પ માલદીવમાં તૈનાત 90 ભારતીય સૈનિકોને પરત મોકલવાનો હતો.
ભારતીય સેનાની છેલ્લી ટુકડી ભારત આવી
રાષ્ટ્રપતિ કાર્યાલયના મુખ્ય પ્રવક્તા હીના વાલીદે કહ્યું કે માલદીવમાં તૈનાત ભારતીય સેનાની છેલ્લી બેચને ભારત પરત લાવવામાં આવી છે. તેમજ સૈનિકોની સંખ્યાની વિગતો પછીથી જાહેર કરવામાં આવશે. આ સૈનિકોને માલદીવમાં ભારતીય સેના દ્વારા માલદીવને ભેટમાં અપાયેલા બે હેલિકોપ્ટર અને ડોર્નિયર એરક્રાફ્ટના સંચાલન અને જાળવણી માટે તૈનાત કરવામાં આવ્યા હતા.
આ પહેલા માલદીવ સરકારે જાહેરાત કરી હતી કે સોમવારે 51 સૈન્ય કર્મચારીઓને ભારત પરત મોકલવામાં આવ્યા છે. માલદીવ સરકારે અગાઉ માહિતી આપી હતી કે 89 ભારતીય સૈન્ય કર્મચારીઓ અહીં હાજર છે. ત્યારે ભારત અને માલદીવ 10 મે સુધીમાં બાકીના સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવા માટે સંમત થયા હતા.
વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે
ગુરુવારે એક મીડિયા બ્રીફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતીય સૈનિકોની પ્રથમ અને બીજી બેચ ભારત પહોંચી ગઈ છે. હવે ટેકનિકલ કર્મચારીઓ ત્રણ એવિએશન પ્લેટફોર્મની કામગીરીનું ધ્યાન રાખશે. માલદીવના વિદેશ મંત્રી મુસા જમીર ભારતની મુલાકાતે આવ્યા ત્યારે આ ઘટના બની હતી. આ દરમિયાન તેઓ ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો અને ક્ષેત્રીય સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.
રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ ભારતીય સૈન્ય કર્મચારીઓને પાછા ખેંચવાનો આગ્રહ કર્યા પછી બંને દેશો (ભારત અને માલદીવ) વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ હતી. વાસ્તવમાં માલદીવ હિંદ મહાસાગરમાં ભારત માટે એક મુખ્ય દરિયાઈ પડોશી દેશ તરીકે ઓળખાય છે. જેના કારણે ભારતના સાગર અને નેબરહુડ ફર્સ્ટ પોલિસી જેવા પ્રોજેક્ટ્સમાં માલદીવ વિશેષ સ્થાન ધરાવે છે.