સુરત: લગ્ન એ હિંદુ સંસ્કૃતિમાં એક પવિત્ર બંધન ગણાય છે અને એ માટે શુભ મુહૂર્તનું વિશેષ મહત્વ રહેલું છે. હિંદુ ધર્મ અનુસાર, લગ્ન વિધિપૂર્વક યોગ્ય સમયગાળામાં કરવામાં આવે તો લગ્નજીવન સુખમય બને છે. આ માટે જ્યોતિષશાસ્ત્ર મુજબ વર અને કન્યાની કુંડળીની મેળવણી દ્વારા લગ્ન માટે યોગ્ય મુહૂર્ત નક્કી કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ગ્રહોની સ્થિતિ, નક્ષત્રો અને રાશિચક્રના આધારે વૈદિક વિધિથી શુભ સમય શોધવામાં આવે છે.
- 14મી એપ્રિલથી શરૂ થનારા લગ્નગાળામાં શુભ મુહૂર્તો ઓછા હોય લગ્નોત્સુકો, પરિજનો ચિંતામાં
- 6 જુલાઈએ દેવશયની એકાદશી બાદ 4 મહિના શુભકાર્યો પર નિષેધ રહેશે, તે પૂર્વે ગણ્યાં ગાંઠ્યા જ શુભ મુહૂર્ત
- લગ્નહોલ, કેમેરામેન, કેટરર્સ, મેકઅપ આર્ટિસ્ટ જેવા અનેક વ્યવસાય, વેપાર પર ઓછી તારીખોમાં વધુ દબાણ આવતાં ઉપસ્થિતિ ઘટવાનો ડર
ગણેશ જ્યોતિષાચાર્ય કિરણભાઈ ઠક્કરનાં જણાવ્યાં મુજબ ગણતરી અનુસાર વર્ષ 2025માં કુલ મળીને આશરે 76 શુભ મુહૂર્તો મળવાના છે. જો કે, જુલાઈથી ઓક્ટોબર વચ્ચે દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાં પ્રવેશ કરે છે, જેના કારણે આ ચાર મહિના દરમિયાન કોઈ શુભ મુહૂર્ત ઉપલબ્ધ નથી.
ખાસ નોંધનીય છે કે દેવશયની એકાદશી 6 જુલાઈ 2025ના રોજ છે, જે પછી ચાર મહિના સુધી લગ્ન જેવા પવિત્ર કાર્ય માટે મનાઈ રહે છે. સૌથી મોટી ચિંતા એ છે કે 2025ના આરંભમાં પણ લગ્ન માટેના મુહૂર્તોની સંખ્યા ખૂબ ઓછી છે.
આગામી લગ્નગાળો 14 એપ્રિલથી શરૂ થશે, પરંતુ તેમાં માત્ર ગણ્યાં ગાંઠ્યા જ શુભ દિવસો છે, જેને કારણે અનેક લગ્નાર્થીઓ અને પરિવારજનોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. લગ્ન હોલ, કેમેરામેન, કેટરર્સ, મેકઅપ આર્ટિસ્ટ જેવી સેવાઓની માંગ ઝડપથી વધી રહી છે અને એ અનુકૂળ સમયગાળામાં ઉપલબ્ધ ન હોવાથી લોકોમાં ભારે અવઢવ જોવા મળી રહી છે.
વિશેષજ્ઞોના મતે, લગ્નના ઓછી મુહૂર્તોની સ્થિતિ બજાર પર પણ અસર કરશે. લગ્ન સમારોહ સાથે જોડાયેલા વેપારીઓ માટે પણ આ સમય પડકારજનક સાબિત થઈ શકે છે. લગ્નનાં ઓછા મુર્હુતોને કારણે અને તારીખોનાં અભાવે ઘણાં દંપતીઓ રજિસ્ટર્ડ મેરેજ તરફ વળતા જોવા મળી શકે છે.
એપ્રિલથી શરૂ થનારા લગ્નગાળાના આ રહ્યા શુભ મુહૂર્તો
વૈશાખ સુદ બીજ મંગળવાર ૨૯/૦૪/૨૦૨૫ રોહિણી નક્ષત્ર ચંદ્ર – વૃષભ રાશિ સૂર્ય – મેષ રાશિ સમય :- ૧૮.૪૭ થી ૨૬.૪૫, વૈશાખ સુદ ચોથ ગુરુવાર ૧/૦૫/૨૦૨૫ મૃગશીર્ષ નક્ષત્ર ચંદ્ર – મિથુન રાશિ સૂર્ય – મેષ રાશિ સમય :- ૧૧.૨૪ થી ૧૪.૨૦, વૈશાખ સુદ આઠમ સોમવાર ૫/૦૫/૨૦૨૫ મઘા નક્ષત્ર ચંદ્ર – સિંહ રાશિ સૂર્ય – મેષ રાશિ સમય:- ૧૪.૦૦ થી ૨૬.૦૦, વૈશાખ સુદ નોમ મંગળવાર ૬/૦૫/૨૦૨૫ મઘા નક્ષત્ર ચંદ્ર – સિંહ રાશિ સૂર્ય – મેષ રાશિ સમય :- ૧૫.૫૧ સુધી, વૈશાખ સુદ અગિયારસ ગુરુવાર ૮/૦૫/૨૦૨૫ ઉત્તરફાલ્ગુની / હસ્ત નક્ષત્ર ચંદ્ર – કન્યા સૂર્ય – મેષ રાશિ સમય :- ૧૨.૨૯ થી ૨૫.૫૬, વૈશાખ સુદ તેરસ શનિવાર ૧૦/૦૫/૨૦૨૫ ચિત્રા નક્ષત્ર ચંદ્ર – કન્યા/ તુલા રાશિ સૂર્ય – મેષ રાશિ પૂર્ણ દિવસ, વૈશાખ વદ એકમ મંગળવાર ૧૩/૦૫/૨૦૨૫ અનુરાધા નક્ષત્ર ચંદ્ર – વૃશ્ચિક રાશિ સૂર્ય – મેષ રાશિ સમય :- ૧૮.૧૧ થી ૨૬, વૈશાખ વદ ત્રીજ ગુરુવાર ૧૫/૦૫/૨૦૨૫ મુળ નક્ષત્ર ચંદ્ર – ધનુ રાશિ સૂર્ય – વૃષભ રાશિ સમય :- ૧૪.૦૭ થી ૧૫.૧૮, વૈશાખ વદ ચોથ શુક્રવાર ૧૬/૦૫/૨૦૨૫ મુળ નક્ષત્ર ચંદ્ર – ધનુ રાશિ સૂર્ય – વૃષભ રાશિ સમય :- ૧૬.૦૦ સુધી, વૈશાખ વદ પાંચમ શનિવાર ૧૭/૦૫/૨૦૨૫ ઉત્તરાશાધા નક્ષત્ર ચંદ્ર – ધનુ રાશિ સૂર્ય – વૃષભ રાશિ ૧૭.૦૩ થી ૨૬, વૈશાખ વદ આઠમ મંગળવાર ૨૦/૦૫/૨૦૨૫ ઘનિષ્ઠા નક્ષત્ર ચંદ્ર – કુંભ સૂર્ય – વૃષભ રાશિ ૧૯.૩૧ સુધી, વૈશાખ વદ અગિયારસ શુક્રવાર ૨૩/૦૫/૨૦૨૫ ઉત્તરભાદ્રપદ નક્ષત્ર/ રેવતી નક્ષત્ર ચંદ્ર – મીન રાશિ સૂર્ય – વૃષભ રાશિ પૂર્ણ દિવસ
