Business

મફલર-એ-આઝમ

મફલરને જો યોગ્ય ગળું પકડતા આવડ્યું હોત તો આજે તેનું સ્થાન બહુ ઊંચું હોત. જો કે અત્યારેય નીચું તો નથી જ! મફલરનું સ્થાન હંમેશા ઊંચું જ હોય છે. કારણ કે તે પગમાં નહીં પણ ગળામાં પહેરાય છે. મફલર સામાન્ય પ્રકારનું શિયાળું વસ્ત્ર હોવા છતાં તેનું સ્થાન કોટથી વધુ મહત્ત્વનું છે કારણ કે ઠંડીને નાક, કાન, ગળા અને માથાના સાથે સીધો સંબંધ છે અને મફલરનું કામ તે સંબંધમાં અડચણરૂપ બનવાનું છે. મફલર એકસાથે ENT ના બધા જ ભાગો ને પ્રેમપૂર્વક પોતાની અંદર સમાવી લે છે. જ્યારે કોટ અડધા શરીરને (ધડને) કવર કરતો હોવા છતાં ઠંડી સામે ઠોસ રક્ષણ આપી શકતો નથી. કોટ પહેરેલો હોવા છતાં ઠંડીની માત્રા ખૂબ વધે તો માથા પર મફલર વીંટાળવુ પડે અથવા વાંદરા ટોપી પહેરવી પડે. ઠંડી સામે છપ્પનની છાતી કામ ન લાગે. કારણ કે ઠંડી વધે તો છાતીના પાટીયા બેસી જાય.

મફલર શોધનાર મનુષ્ય જરૂર મુક્ત વિચારધારા ધરાવતો હોવો જોઈએ. કારણ કે મફલર કાન, નાક, ગળા ફરતે વીંટળાયેલું હોવા છતાં બધાને મુક્ત રાખે છે. તે આવા કોમળ અંગો પર નિર્દયતાપૂર્વક ભીંસ વધારતું નથી. એનાથી વિરુદ્ધ વાંદરાટોપીનો શોધનાર મનુષ્ય ચોક્કસપણે સંકુચિત વિચારધારા વાળો હશે. કારણ કે વાંદરાટોપી કાન, નાક, ગળા અને માથાની ચારેબાજુ રીતસરનો કબજો જમાવી દે છે. મફલર વિવિધ રંગો અને ડિઝાઇનમાં મળે છે તેને આકર્ષક પેકિંગમાં પેક થયેલું. જુઓ તો તે કોઈ નેકટાઈથી કમ નથી. વાંદરાટોપીમાં એવું નથી. તેને ગમે તેવા આકર્ષક પેકિંગમાં પેક કરો તોય વાંદરાટોપી તે વાંદરા ટોપી જ! સારું મફલર કોઈને ભેટ પણ આપી શકાય પણ વાંદરાટોપી ભેટસોગાદની ચીજ કદાપી ન બની શકે.

મફલર ગળા ફરતે વીંટળાતું હોવા છતાં તે ગળે પડતું નથી. તેથી મફલર આમ જનતા માટે ક્યારેય ભયજનક નથી હોતું નથી. જ્યારે મફલર ગળા ફરતે વીંટળાય જાય ત્યારે ગળું સંપૂર્ણપણે મફલરના કબજામાં હોય છે છતાં  ‘મફલરને કારણે મૂંઝારો થવાથી આધેડ શખ્સનું મોત.’ એવા સનસનીખેજ સમાચાર આપણે ક્યારેય વાંચ્યા સાંભળ્યા નથી. આજ સુધી કોઈએ મફલર વડે ગળાફાંસો ખાધાનો દાખલો નથી. જ્યારે સાડી સ્ત્રીની શોભામાં ચાર ચાંદ લગાવી દે છે પણ એ જ સાડી ઘણી સ્ત્રીઓની ચિરવિદાયનું કારણ બની છે. સાડી અને પંખાની આ સાજીશ વર્ષોથી ચાલી આવે છે. જ્યારે મફલર તદ્દન નિર્દોષ છે. મને તો એવું લાગે છે કે જો ગળે મફલર વીટાળી રાખો તો જિંદગી વિશેના નબળા વિચારો પણ ન આવે.

મફલર સાનુકૂળ વસ્ત્ર છે જો માથે ટોપી પહેરી હોય તો પછી દિવસ ચડતા જ્યારે ઠંડી ઓછી થાય અને ગરમી વધે ત્યારે માથા પર વુલનની ટોપી હોય તો માથે, મોઢે બધે ખજવાળ આવવા લાગે. ત્યારે ટોપીને ઉતારીને થેલામા મૂકવી પડે. તેને હાથમાં પકડીને ફરવું ફાવે નહીં. એમાં ય ટોપી હાથમાં રાખીને કોઈને ઘેર જઈએને ત્યાં મૂકીએ તો ભુલાઈ જવાનો પૂરેપૂરો સંભવ છે. પછી વિના પહેરાવ્યે આપણી ટોપી બીજા પહેરતા થઈ જાય. મફલરમાં આવી સમસ્યા થતી નથી. ગરમી લાગવા માંડે તો એ જ મફલરને માથા પરથી ઉતારી ફક્ત ગળામાં વીંટીને તેનો એક છેડો આગળ અને બીજો છેડો પાછળ રાખીને આખો દિવસ ફરી શકાય છે તેને સાચવવાની કે ભુલાઇ જવાની ચિંતા જ નહીં.

‘એક થા ટાઈગર’ ફિલ્મમાં ‘હરણછાપ’ ટાઇગરના ગળામાં કાબરચીતરા મફલર જેવું કંઈક હતું. ત્યાર પછી ઘણા યુવાનો એવા કાબર ચીતરા મફલરો ગળામાં નાખીને ‘મફલર-એ-આઝમ’ બનીને નીકળી પડ્યા હતા. જો કે ટાઈગરના ગળામાં હતું તે મફલર હતું સ્કાર્ફ હતો કે ટુવાલ હતો એ સંશોધનનો વિષય છે. છતાં આપણે માની લઈએ કે તે મફલર હતું. શિયાળો ન હોવા છતાં તે ટાઇગર ગળા ફરતે એક કાબરચીતરું મફલર વીંટીને બધા ફિલ્મી સાહસો કરતો પણ હરણની અડફેટે ચડ્યા પછી ટાઈગરે પતંગ ઉડાડવી પડી હતી. ‘મેંદી તે વાવી માળવે ને એનો રંગ ગયો ગુજરાત રે….’ એવું થયું!

તે ફિલ્મ પછી કેટલાક યુવાનો ગળામાં આવા કાબરચીતરા મફલર નાખીને ફરતા દેખાયા આમ રાતોરાત દેશમાં ટપોરી ટાઈગરની વસ્તી વધી ગઈ. તેમ છતાં ટાઇગર તરીકે તેમની જોઈએ તેવી નોંધ લેવાઇ નહીં. તે ગાળામાં કેટલાક રિક્ષાચાલકોમાં પણ થોડા સમય માટે આ મફલરીયો ટાઈગર પ્રવેશી ગયેલો (કારણ કે ટાઈગર ખુદ પણ એ જ ક્વોલીટીનો છે.) પણ પછી તેને ખ્યાલ આવ્યો કે શહેરમાં ટાઈગરને પકડનારા બે-ચાર દંડકો તો ચાર રસ્તે હોય જ. એટલે કદાચ તેમણે તે મફલરનો ત્યાગ કર્યો હશે. એટલે તે ટાઈગરની સંખ્યા પણ ધીમે ધીમે ઘટી ગઈ. ઉનાળામાં તમે સુંદરવનના રોયલ બેંગાલ ટાઇગરના ગળે કાબરચીતરૂ મફલર વીટાળવા જાઓ તો ખુદ ટાઈગર પણ ના પાડી દે કે ભાઈ ગરમી બહુ છે એટલે આ રહેવા દો. વળી અમે તો પેઢીઓથી ટાઈગર જ છીએ. તમારે ટાઈગર અને લાયન્સ બનવું પડે એટલે મફલર તમે રાખો.

આમ તો સમગ્ર ગુજરાતમાં અને વિશેષરૂપે કાઠિયાવાડમાં એક સમયે માથા પરની પાઘડીઓનો પ્રભાવ જબરો હતો. હવે માથાને બદલે દુકાનની પાઘડીઓનો ભાવ પ્રભાવ વધ્યો છે જો કે જ્યારે માથા પરની પાઘડીઓનો પ્રભાવ હતો ત્યારે અહીંના માથાભારે લોકો ‘સર સલામત તો પઘડિયાં બહોત’ માં માનતા નહોતા. અહીં તો પાઘડીઓ માટે માથા વધેરાવાયાના ઘણા દાખલા છે પરંતુ ક્યાંય મફલર માટે માથા વધેરાવાયાના કોઈ દાખલા નથી. ‘માથું ભલે જાય પણ મફલર ન જવું જોઈએ’ એવી ખુમારી હજુ સુધી જોવા મળી નથી. એટલે મફલરના મુદ્દે ‘ડોક સલામત તો મફલર બહોત’ નો સિદ્ધાંત અમલમાં છે. કારણ કે આ જમાનામાં મફલર માટે માથા આપી દેવા પોશાય તેમ નથી. આખું વન પીસ બોડી હોય તો ઠીક છે બાકી છૂટક માથાઓ તો મફલર જેટલાય ઉપયોગી નથી

‘એક થા ટાઇગર’ ના વહેમમાં ઉનાળામાં પણ કાબરચીતરું મફલર ગળે નાખીને ફરનારો એક યુવાન અમારા ગામમાં રહેતો હતો એટલે કે હજુ પણ રહે છે! પણ હવે તે ‘ટાઈગર’ નથી. તેનું નામ ફક્ત ‘વનરાજ’ હતું . ‘એક થા ટાઇગર’ ફિલ્મ તેણે મિત્રના પૈસે જોયા પછી વધેલા પૈસામાંથી તેણે કાબરચિતરું મફલર ખરીદી લીધું. પછી વનરાજ પોતાની જાતને ‘વનરાજ ટાઈગર’ તરીકે જ પ્રસ્તુત કરવા લાગ્યો. નામ તો એવું કે સાંભળીને કાચાપોચાના હાંજા ગગડી જાય.

મને તેના નામની નવાઈ લાગી એટલે મેં કહ્યું, આ ‘વનરાજ’ તો ઓલરેડી છે તોય તેને ટાઇગર થવાની કેમ જરૂર પડી!? લાયન અને ટાઈગર બંનેને કેમ ભેગા કરવા પડ્યા? તેણે કહ્યું, ‘આજે હરીફાઈનો જમાનો છે મજબૂત મોબાઇલ નેટવર્ક સામે ટકી રહેવા માટે આઈડિયા અને વોડાફોન જેવી કંપનીઓએ કોલેબરેશન કર્યું છે તો આમાં પણ બબ્બે પ્રાણીઓનું કોલેબરેશન કરવું જ પડે. એકલા વનરાજથી હવે ચાલે તેમ નથી. આમ આ વનરાજ મહામહેનતે એકાદ-બે શેરીમાં ‘ટાઇગર’ તરીકે જાણીતો થયો. તે દરમિયાન ગામના ચોરાના ચોકમાં એક ખૂણે એક કુતરી વીંયાઈ.

કુતરી અને તેના ગલુડિયા તે ખૂણામાં રહેતા. બે ત્રણ દિવસ થયા હશેને એક મોડી રાત્રે કેટલાક લોકો ચોરે બેઠા હતા. થોડું અંધારું પણ હતું. ત્યારે આ ટાઈગર બાથરૂમ જવા માટે તે ખૂણે જઈ ચડ્યો. કૂતરીને ખબર નહોતી કે આ ‘ડોમેસ્ટિક ટાઈગર’(વાઈલ્ડ નહીં.) છે એટલે કૂતરીએ તેના પર વાઘની જેમ તરાપ મારી. ટાઈગર ઓય.. માડી..ઇ.., ઓય… બાપા..આ.. કરતો બુલેટ ટ્રેનની ઝડપે ભાગ્યો. દોડવા બાબતે તે પૂરેપૂરો આત્મનિર્ભર હતો. આમ છતાં કૂતરીએ સ્વાગતવિધિના ભાગરૂપે તેના એક પગની પીંડી તોડી નાખી અને ટાઈગર ખાટલે પડ્યો. બસ ત્યારથી તેના નામમાં અને મનમાં રહેલો ટાઈગર છેક ઉત્તરાખંડના કોર્બેટ નેશનલ પાર્કમાં જતો રહ્યો. પછી તેણે એક પરંપરા લેખે નામમાં ફક્ત વનરાજ રાખ્યો. આમ ટાઈગર ગયો અને સિંહ રહ્યો. એક ગામમાં બબ્બે તો કેમ સચવાય! આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે કૂતરીએ વના ટાઈગરની પીંડી તોડી નાખી. પછી ટાઈગરની પાટાપિંડી એક મહિનો ચાલી. પછી પેલા કાબરચીતરા મફલર નું શું થયું તેની કોઈને ખબર નથી! ખુદ ટાઇગરને ય નહીં!

પુરુષોના લગભગ બધા જ પોશાક મહિલાઓ અપનાવી ચૂકી છે તેમાં ટોપીનો પણ સમાવેશ થાય છે પુરુષોની દરેક પ્રકારની ટોપી મહિલાઓ પહેરતી અને પહેરાવતી થઈ ગઈ છે. પણ હજુ સુધી ગળે મફલર વીંટાળેલી કોઈ મહિલા જોવા મળી નથી. મફલરના મહિમામાં હજુ આટલું ઘટે છે. જો મહિલાઓ યુવતીઓ ગળે મફલર વીંટતી થઈ જાય તો  જેમ પહેલાના સમયમાં પ્રેમીઓ એકબીજાને યાદી રૂપે રૂમાલ આપતા તેમ આજે મફલર આપતા થશે ‘રુમાલ મારો લેતા જાજો’ એવું એક ગુજરાતી ફિલ્મ પણ આવેલું. એ જ રીતે ‘મફલર મારુ દેતા જાજો’ એવું ફિલ્મ પણ બની શકે.

( હા મફલર રૂમાલ કરતા મોંઘું હોવાથી ‘લેતા જાજો’ ન પોસાય. એમાં ‘દેતા જાજો’ જ રાખવું પડે.)એ જ રીતે એક ગુજરાતી ફિલ્મ એવી પણ હતી કે ‘કોઈનું મીંઢળ કોઈના હાથે’ તેની જેમ જ ‘કોઈનું મફલર કોઈની ડોકે’ એવું ગુજરાતી ફિલ્મ પણ બની શકે. મફલર વેચનારા પણ કાબેલ હોય છે તે સાદા કાપડના મફલરને ‘પ્યોર વુલ છે સાહેબ’  ‘ઓસ્ટ્રેલિયાના મેરિનો ઘેટાંનું વુલ છે સાહેબ, એક વાર ગળે વીંટાળો તો ટાઢ તમારાથી દશ ફૂટ દૂર રહેશે’ એવી વાતો કરી કરીને સાદા કપડાનું મફલર આપણી ડોકે ભેરવી દે.

એ મફલર ડોકે નાખ્યા પછી ખબર પડે કે ‘વો(વેપારી) થા ટાઈગર.’ કેટલાક પુરુષોને ગળામાં ગોલ્ડન ચેન કે સોનાના જાડા અછોડા પહેરવાનો શોખ હોય છે પણ કોઈ કાળ ચોઘડીએ એમને શેરબજારનો સ્પર્શ થવાથી ગળાના ગોલ્ડન અછોડા અદ્રશ્ય થઇ જાય છે પછી તેમને શર્ટનું ઉપલું બટન ખુલ્લું રાખીને કરતાં સંકોચ થાય. ત્યારે મફલર કામ લાગે છે. ગળા ફરતે મફલરના બે આંટા વીટી દે એટલે ગળું સાવ અડવું ન લાગે. આ રીતે જરૂર પડ્યે મફલર માણસની આબરૂ પણ બચાવે છે. માટે તો મારું માનવું છે કે મર્દ પાસે એકાદ મફલર તો હોવું જ જોઈએ. તમારી પાસે છે કે નહીં!?

ગરમાંગરમ:-

હમસે ખાયા ન ગયા, તુમસે ખિલાયા ન ગયા;
રોટલા બાજરી કા જો, ઠીક સે બનાયા ન ગયા.
( હમ સે આયા ન ગયા, તુમસે બુલાયા ન ગયા…       
ગીતકાર:-રાજેન્દ્ર ક્રિષ્નજીની ક્ષમા સાથે)

Most Popular

To Top