Dakshin Gujarat

નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ રોગે માથું ઉંચક્યું : 9 કેસ નોંધાયા

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ રોગ માથું ઉંચકી રહ્યો છે. હમણાં સુધી જિલ્લામાં કુલ 9 કેસો નોંધાઈ ચુક્યા છે.
નવસારી જિલ્લામાં કોરોનાનો કહેર હજી યથાવત છે. રોજ જિલ્લામાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. જોકે હાલમાં કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. પરંતુ જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ (mucormycosis) નામનો રોગ માથું ઉંચકી રહ્યો છે. જે રોગ ફંગલ ઇન્સ્પેક્શનના લીધે થતો હોય છે. જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના 9 કેસો (Case) નોંધાયા છે. જેમાં નવસારીમાં 3 દર્દીઓ, વાંસદા અને ગણદેવી તાલુકામાં 2-2, ચીખલી તાલુકામાં 1 અને વિજલપોરમાં 1 કેસ મળી કુલ 9 દર્દીઓ નોંધાયા છે. તે તમામ દર્દીઓ વલસાડ અને સુરતની ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.

બીજી તરફ મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટેની દવાઓ અને ઇન્જેક્શનો દર્દીઓને મળી નથી રહ્યા. જેના પગલે તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. તેમજ નવસારી જિલ્લામાં આ રોગના દર્દીઓ માટે કોઈ સુવિધા કરવામાં આવી નથી. જેથી તમામ દર્દીઓ જિલ્લા બહારની હોસ્પિટલોમાં સારવાર લેવા માટે મજબુર બન્યા છે. જોકે આ રોગ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવાની માંગ કરી નવસારી ધારાસભ્યએ વહીવટીતંત્રને રજુઆત કરી હતી. પરંતુ હજી સુધી કોઈ સુવિધા કરવામાં આવી નથી.

નવસારી જિલ્લામાં કોરોનાના નવા 57 કેસ, 2ના મોત

નવસારી : નવસારી જિલ્લામાં આજે કોરોનાના નવા 57 કેસો નોંધાયા છે. જ્યારે 129 દર્દીઓ સાજા થતા જ જિલ્લામાં એક્ટિવ કેસો ઘટીને 953 થયા છે. પરંતુ આજે વધુ 2 દર્દીઓન કોરોનાને કારણે મોત નીપજ્યું હતું. ગુરૂવારે એક જ દિવસમાં કોરોનાના નવા 57 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ કેસ ચીખલી તાલુકામાં 18, નવસારીમાં 12, જલાલપોર તાલુકામાં 11, ગણદેવી અને વાંસદા તાલુકામાં 7-7 તેમજ ખેરગામ તાલુકામાં 2 કેસો નોંધાયા હતા. જેથી જિલ્લામાં કુલ 6239 કેસો કોરોનાના નોંધાયા છે.

જોકે બીજી તરફ આજે જિલ્લામાં 129 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5132 દર્દીઓ સાજા થઇ ગયા છે. પરંતુ આજે વધુ 2 દર્દીઓના મોત નિપજ્યા હતા. નવસારી તાલુકાના ધારાગીરી ગામે મસ્જિદ ફળિયામાં રહેતા આધેડ અને જલાલપોર તાલુકામાં કૃષ્ણપુર ગામે ગોવિંદ ફળિયામાં રહેતા યુવાનનું કોરોનાને પગલે મોત નિપજતા જિલ્લામાં 154 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે. ગુરૂવારે જિલ્લામાં 1091 સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેથી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 250214 સેમ્પલ લેવામાં આવ્યા છે, જેમાંથી 252884 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા. જ્યારે 6239 ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. એ સાથે જ અત્યારે જિલ્લામાં કોરોનાના 953 એક્ટિવ કેસો છે.

Most Popular

To Top