Gujarat

મ્યુકરમાઇકોસિસની સારવાર માટે વપરાતી બનાવટી દવાની તપાસમાં સુરતના મેડિકલ સ્ટોર્સ પર દરોડા

તેલંગાણાના દવાના ઉત્પાદક દ્વારા ગુજરાતમાં મ્યુકરમાઈકોસિસની સારવાર માટે વપરાતી દવા CUVICON બ્રાન્ડની બનાવટી દવાઓનો જથ્થો જપ્ત કરાયો છે. આ ઉપરાંત સુરત અને અમદાવાદમાં વ્યાપક પ્રમાણમાં દરોડાની કાર્યવાહી કરાઈ છે. અમદાવાદ અને સુરત વિસ્તારમાં અલગ અલગ સ્થળે દરોડા પાડીને ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમે રૂા.૫૦ લાખ કિંમતની Posaconazole Tablets (100 mg) અને Oral Suspension (40 mg / ml) બનાવટી દવા જપ્ત કરીને ઉત્પાદકો અને વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી શરૂ કરી છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યુ હતું કે, મ્યુકરમાઈકોસિસની સારવાર માટે ઉપયોગમાં લેવાતી CUVICON TABLETSના જથ્થાના નમૂના લેવામા આવ્યા હતાં. જેમાં સરકારના એનાલિસ્ટના રિપોર્ટ મુજબ આ દવા નકલી હોવાનું ફલિત થયુ હતું. રાજ્યભરમાંથી આ દવાનો ૧૪૪૦ ટેબલેટનો જથ્થો કાયદેસરની કાર્યવાહી માટે જપ્ત કરવામાં આવ્યો છે. તેલંગણાના હૈદ્રાબાદની મે. એસ્ટ્રા ઝેનિક્સ પ્રા. લી. દ્વારા ઉત્પાદીત CUVICON TABLETS (Posaconazole Gastro-Resistant Tablets 100 mg) અને CUVICON 40 mg / ml Oral Suspension 105 ml દવા કે જેનો ૧૦૫ એમ.એલ.ની એક બોટલનો ભાવ રૂ. ૨૦,૫૦૦ છે. તેવી શંકાસ્પદ દવાની બોટલોનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વેચાણ માટે ઉપલબ્ધ આ શંકાસ્પદ દવાના જથ્થામાંથી નમૂના લઈ તાત્કાલીક પૃથ્થક્કરણ માટે વડોદરા ખાતે ખોરાક અને ઔષધ પ્રયોગશાળા મોકલી આપવામાં આવ્યા છે. અન્ય ૧૮૨ દવાની બોટલના જથ્થાનું વેચાણ તાત્કાલિક બંધ કરાવી કાયદેસરના ફોર્મ-૧૫ હેઠળ પ્રોહીબીટ કરી દેવામાં આવ્યુ છે.

આ દવાના ઉત્પાદક અને માર્કેટિંગ કરતી હૈદરાબાદની પેઢી મે. Aspen Biopharm Labs Pvt. Ltd દ્વારા આ બનાવટી દવાનું રાષ્ટ્વ્યાપી કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્યના અમદાવાદ અને સુરત ખાતે પણ આ બનાવટી દવાનું વેચાણ અલગ અલગ પેઢીમાં કરવામાં આવી રહ્યું હતું. જેમાં અમદાવાદ ખાતેની મે. સિધ્ધા ફાર્મસી તથા સુરતના ઝાંપા બજાર ખાતેની મે.અંબિકા મેડિકલ એજન્સી અને વરાછા રોડ ખાતેની મે. જય અંબે મેડીકો નામની પેઢીઓમાં બનાવટી દવાનું વેચાણ થતું હતું. આ તમામ દવાઓ અમદાવાદના પાલડી ખાતેની મે. વર્ધમાન ફાર્મા, સાયન્સ સિટી ખાતેની શુકન મેડિકલ એન્‍ડ સર્જિકલ સ્ટોર, સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતેની ડેલવીચ હેલ્થકેર એલ.એલ.પી. અને ગાંધીનગરની સેક્ટર ૨૬- જી.આઇ.ડી.સી ખાતેની પોલવેટ કેર સહિતની પેઢીઓને સપ્લાય કરવામાં આવી હતી.

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ જિલ્લાઓમાંથી આશરે રૂ. ૫૦,૧૮,૬૦૦ની કિંમતની કુલ ૧૪૪૦ ટેબલેટ અને ૧૮૨ સ્સપેન્સનની બોટલ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદના પાલડી ખાતે આવેલી મે. વર્ધમાન ફાર્માના સંચાલક નૈતિક મંગળદાસ શાહ ભૂતકાળમાં પણ આવી બનાવટી દવાઓના કૌભાંડમાં સંકળાયેલ છે અને તેઓ આ બાબતમાં રિઢા ગુનેગાર સાબીત થઇ ચૂક્યા છે.

Most Popular

To Top