સમગ્ર દેશમાં મ્યુકરમાઈકોસિસના સૌથી વધારે કેસો ગુજરાતમાં નોંધાયા છે. જ્યારે તેમાં પણ સૌથી વધારે કેસો અમદાવાદમાં નોંધાયા છે ત્યારે હવે મ્યુકરમાઈકોસિસની સારવાર માટે દર્દીઓને જરૂરી ઈન્જેકશન અમદાવાદ સિવિલમાંથી મળી રહેશે. રાજ્ય સરકારે હવે અમદાવાદ સિવિલમાં દર્દીની વિગતો ઈ મેઈલ કર્યા પછી તેની ચકાસણી કર્યા બાદ આ ઈન્જેકશન દર્દીના સગાને આપવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલી નીતિ પ્રમાણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓને Amphotericin B(Lyophillised) ઇન્જેકશન સિવિલ હોસ્પિટલમાંથી પડતર કિંમતે મળી રહે તે માટેની તંત્ર દ્વારા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. આ ઈન્જેકશન મેળવવા માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓએ જરૂરી ડોક્યુમેન્ટ્સ સિવિલ હોસ્પિટલના ઓફિશિયલ ઇ-મેલ આઇ.ડી. chaamphobdistribution@gmail.com પર મોકલવાના રહેશે. આ ઉપરાંત સી-ફોર્મની સેલ્ફ એટેસ્ટેડ સ્કેન કરેલ કોપી, દાખલ દર્દીના કેસની વિગત (તબીબના પ્રિસ્ક્રીપ્શન (અસલ) તેમજ કેસની હિસ્ટ્રીશીટ), દર્દીના આધારકાર્ડની નકલ, મ્યુકરમાઇકોસિસના નિદાનની વિગત, સારવાર આપતા તબીબનો ભલામણપત્ર અને હોસ્પિટલના અધિકૃત અધિકારીનું નામ અને મોબાઇલ નંબર આપવાના રહેશે.
અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ઓફિશયલ ઇમેલ ઇ.ડી.chaamphobdistribution@gmail.com ઉપર દર્દીની માહિતી મોકલી આપવાની રહેશે. વ્યક્તિગત ઇમેલ કે ઓફિશિયલ આઇ.ડી. સિવાય અન્ય ઇમેલ પરથી આવેલા ડેટાને માન્ય રાખવામાં આવશે નહીં. આ ઇમેલ મળ્યા પછી માહિતીનું સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઇ.એન.ટી. વિભાગ, ઓપ્થેલ્મોલોજી અને મેડિસીન વિભાગના ડોક્ટરોની ટીમ દ્વારા વેરિફિકેશન કરવામાં આવશે. ખરાઇ કર્યા બાદ જ Amphotericin B (Lyophillised) ઇન્જેકશન ઉપલબ્ધ જથ્થા પ્રમાણે ખાનગી હોસ્પિટલોને ઇન્જેકશનની ફાળવણી અંગે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ઇ-મેલથી જાણ કરવામાં આવશે.
જાણ થયેલી હોસ્પિટલ દ્વારા તેમના અધિકૃત વ્યક્તિને Amphotericin B (Lyophillised) ઇન્જેકશન માટે ફોટો આઇ.ડી. પ્રુફ સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલા સરનામે બપોરે 3 થી 5 કલાકમાં એમ્ફોટેરિસિન-બી ડીસ્ટ્રીબ્યુશન સેન્ટર- ઓ.પી.ડી. બિલ્ડીંગ, સિવિલ હોસ્પિટલ શાહીબાગ મોકલવાના રહેશે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોએ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરાયેલ ભાવ પ્રમાણે જ Amphotericin B (Lyophillised) ઇન્જેશનનું પેમેન્ટ સિવિલ હોસ્પિટલ અમદાવાદનાં એકાઉન્ટમાં ઓનલાઇન અથવા સિવિલ હોસ્પિટલ અમદાવાદના ઓ.પી.ડી. બિલ્ડીંગ ખાતેના કેશ કાઉન્ટર નંબર 12 ખાતે કેશ જમા કરાવવાનું રહેશે.