Gujarat

ગુજરાતમાં મ્યૂકોરમાઈકોસિસને કાબુમાં લાવવા 11 તજજ્ઞોની ટાસ્ક ફોર્સની રચના

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના 2300 કરતાં વધુ કેસો અને 70 કરતાં વધુ દર્દીઓના મૃત્યુ થયા છે. મહામારી જાહેર કરાયેલ મ્યૂકોરમાઈકોસિસને કાબુમાં લાવવા માટે પગલા સૂચવવા ગાંધીનગરમાં બુધવારે કેબીનેટની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજ્યમાં એકસૂત્રતા જળવાય, ઝડપી સારવાર મળે તેવા હેતુથી ૧૧ તજજ્ઞ-તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે, આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવશે. રાજ્ય સરકારે બધી સિવિલ હોસ્પિટલોમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં મ્યુકરમાઈકોસિસ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યા છે. આ રોગની અસર જેમને થઈ છે તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

કેબીનેટની બેઠકમાં થયેલી ચર્ચા મુજબ રૂપાણીએ આ રોગનો વ્યાપ વધે નહિ તે માટે આરોગ્યતંત્ર, શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે.એટલું જ નહીં, આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેક્શનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજ્ય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે, એટલે તે દર્દીઓને મળે તેવી વ્યવસ્થા કરવા સૂચવ્યૂ છે, બેઠકમાં સરકાર તરફથી દાવો કરાયો હતો કે રાજ્યમાં મ્યુકરમાઈકોસિસ રોગને વધુ ફેલાતો અટકાવી શકાયો છે.

ટાસ્ક ફોર્સમાં આ તબીબોનો સમાવેશ કરાયો
રાજ્ય સરકાર દ્વારા મ્યુકરમાઈકોસિસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ.એન.ટી., ઓપ્થેલ્મોલોજી, મેડીસીન વિભાગના રાજ્યની વિવિધ હોસ્પિટલો તેમજ મેડિકલ કોલેજોના ૧૧ તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તદઅનુસાર, આ ટાસ્ક ફોર્સમાં અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો. ગીરીશ પરમાર, બી. જે. મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય, બી.જે. મેડીકલ કોલેજના ઈ. એન.ટી ડો. બેલા પ્રજાપતિ, અમદાવાદની એમ. એન્ડ જે.

ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેલ્મોલો ડો. હંસા ઠક્કર, સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. અશ્વિન વસાવા, સુરતની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. આનંદ ચોધરી, જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. બી. આઈ. ગોસ્વામી, રાજકોટની પી. ડી. યુ. મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી, રાજકોટની પી.ડી. યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીતિ શેઠ, ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઈ. એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા તેમજ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીલેશ વી. પારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના દર્દીઓમાં પુરૂષોની સંખ્યા વધારે ૬૭.૧%

ગાંધીનગર: રાજ્ય સરકારે બુધવારે મ્યુકરમાઈકોસિસના દર્દીની સારવાર દરમ્યાન તેની વિવિધ માહિતી એકત્ર કરી છે , જેમકે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, કોરોનાની સારવારમાં ઓક્સિજનની જરૂરત પડી હતી કે કેમ ? વય અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢ્યા છે તેની વિગતો આ મુજબ છે.

રાજ્યભરમાં મ્યુકરમાઈકોસિસના અત્યારસુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬% દર્દીઓ હાલમાં રાજ્યની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ૧૪.૩% દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧% દર્દીઓના મૃત્યુ થયા છે.વયજૂથની દૃષ્ટિએ જોઇએ તો, આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.૫% દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના, ૨૮.૪% દર્દીઓ ૧૮ થી ૪૫ વર્ષની ઉંમરના, ૪૬.૩% દર્દીઓ ૪૫થી ૬૦ વર્ષની ઉંમરના છે, જ્યારે ૨૪.૯% દર્દીઓ ૬૦થી વધારે વયના છે.

આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧% પુરુષો જ્યારે ૩૨.૯% સ્ત્રી દર્દીઓ છે. આ રોગમાંના માત્ર ૩૩.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓક્સિજનની જરૂર પડી હતી. જ્યારે ૬૬.૫% દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત ઊભી થઇ નહોતી.

એટલું જ નહીં, નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૫૯.૦૦% દર્દીઓને ડાયાબીટીસ, ૨૨.૧% દર્દીઓને ઈમ્યુનો કોમ્પ્રોમાઈઝડ જ્યારે ૧૫.૨% દર્દીઓને કોમોર્બિડ કન્ડિશન હોવાનું સામે આવ્યું છે. ૪૯.૫% દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી, જ્યારે ૫૦.૫% દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.

Most Popular

To Top