સિક્યુરિટી અને વિજિલન્સની ટીમે મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો
લાંબો વિવાદ થવાની શકયતાને પગલે સયાજીગંજ પીઆઈ સહિતનો સ્ટાફ પણ દોડી આવ્યો
( પ્રતિનિધિ ) વડોદરા તા.21
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બે વિદ્યાર્થી સંગઠનના યુવાનો વચ્ચે તકરાર થતા બંને સંગઠનના યુવાનો એકત્ર થયા હતા અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ પકડતા યુનિવર્સિટીની સિક્યુરિટીના જવાનો તેમજ વિજિલન્સના કર્મચારીઓએ આવીને એકબીજાને છૂટા પાડી મામલો શાંત કર્યો હતો. જ્યારે સયાજીગંજ પીઆઈ સહિત સ્ટાફ યુનિવર્સીટી ખાતે દોડી આવ્યો હતો.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન વિદ્યાર્થી સંગઠનના યુવાનો વચ્ચે તકરાર થતા બંને સંગઠનના યુવાનો એકત્ર થયા હતા અને બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ પકડતા યુનિવર્સિટીની સિક્યુરિટીના જવાનો તેમજ વિજિલન્સના કર્મચારીઓએ આવીને એકબીજાને છૂટા પાડી મામલો શાંત કર્યો હતો. જેમાં એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે કોમર્સ ફેકલ્ટી કેમ્પસ ખાતે ફેકલ્ટીના વિદ્યાર્થી ના હોય તેવા બહારના તત્વો કેમ્પસમાં આવીને ધાક ધમકીવાળુ વાતાવરણ ઊભું કરે છે.
એબીવીપીના વિદ્યાર્થી આગેવાન ધ્રુવ પારેખે જણાવ્યું હતું કે વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ ભેગા મળી આગળના ડે સેલિબ્રેશન માટેની રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યારે અભદ્ર વર્તન વાળા વિદ્યાર્થીઓ કે જે યુનિવર્સીટીમાં ભણતા નથી તેની ઉપર યુનિવર્સીટીની કમિટી બેસી છે છોકરીઓની છેડતી હોય કે બીજી કોઈ મેટર હોય તેમાં સંડોવાયેલા છે તો જે વિદ્યાર્થીઓ બધા શાંતિ પૂર્વક આવતા હતા તો તેઓને કઈક અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે ધક્કામુક્કી કરવામાં આવી અને ખોટું ઘર્ષણનો માહોલ ઉભો કરવામાં આવ્યો હતો જે યોગ્ય નથી.જેથી અમે ડીન પાસે આવ્યા હતા કે તેઓ ચોક્કસપણે કાર્યવાહી કરે. ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટીમાં અગાઉ પણ ઘણી વખત વિદ્યાર્થી સંગઠનો વચ્ચે ઘર્ષણ થયેલું છે. હાલ યુનિવર્સીટીમાં કોમન એકટ લાગુ થઈ ગયો છે છતાં પણ વિદ્યાર્થીઓ અંદરો અંદર બાખડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે.