Charotar

નડિયાદમાં સગીરા પર દૂષ્કર્મ કરનારા શખ્સને દસ વર્ષની કેદ

કુટુંબી બનેવીએ જ સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો હતો
(પ્રતિનિધિ) નડિયાદ તા.21
નડિયાદ પાસેના ગામમાં રહેતી સગીરાને દોઢ વર્ષ અગાઉ લગ્ન કરવાની લાલચ આપી તેણીના કૌટુંબિક બનેવી ભગાડી ગયો હતો. આ બાદ તેણીની સાથે બદકામ કરી દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવનો કેસ આજે નડિયાદ કોર્ટમાં ચાલી જતાં હવસખોર આરોપીને 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 50 હજારનો દંડ ફટકાર્યો છે.
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકાના વટવામાં આઝાદ ચોક વિસ્તારમાં રહેતા જશવંતસિંહ દિલિપસિંહ ઝાલા (ઉ.વ. 35) નવા કામ ધંધા માટે નડિયાદ તાલુકાના ગામમાં પોતાની સાસરી થતી હોય પત્ની સાથે રહેતા હતા. આ જશવંતસિંહની નજર પોતાના સાસરીમા ઘર નજીક રહેતી 15 વર્ષીય સગીરા પર મંડાઈ હતી. આમ જોવા જઈએ તો, આ સગીરા પોતાની પત્નીની કૌટુબિક બહેન થાય, અવારનવાર તેના ઘરે આવતી હતી. જેથી જશવંતસિંહના પરિચયમાં આવી હતી. શરૂઆતમાં બનેવીનો સંબંધથી તે સગીરા સાથે મજાક કરતા હતા અને ધીમે ધીમે આ મજાક કરતા કરતા તેમણે સગીરાને પટાવી લીધી હતી.દરમિયાનમાં 4થી નવેમ્બર, 2022ના રોજ સગીરાને ઉત્તરસંડાથી ભગાડી ગયો હતો અને વિવિધ ગામોમાં ફેરવીને સગીરાના મરજી વિરુદ્ધ તેની સાથે શારીરિક અત્યાચાર કર્યો હતો.
આ બાબતે સગીરાના માવતરે ચકલાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આરોપીની ધડપકડ કરી હતી. તપાસ કર્યા બાદ ગુનો બનતો હોય ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ સ્પેશિયલ પોક્સો જજ એસ. પી. રાહતકરની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ગોપાલ વી. ઠાકુર નાઓએ ધારદાર દલીલ કરી હતી. અને ન્યાયાધીશે આરોપીને 10 વર્ષની સખત કેદ અને રૂપિયા 50 હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.

Most Popular

To Top