ગુજરાતી વિભાગના મહિલા પ્રોફેસરે સાથી પ્રોફેસરો દ્વારા માનસિક યાતના અપાતી હોવાના કર્યા આક્ષેપ
181 મહિલા અભયમ હેલ્પલાઈન ટીમને મદદે બોલાવી
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પ્રોફેસરોના બે જૂથ વચ્ચે ઉભા થયેલા ખટરાગ મુદ્દે પરિસ્થિતિ વણસતા આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના એક મહિલા પ્રોફેસરે આજે સાથી પ્રોફેસરો દ્વારા માનસિક યાતના અપાતી હોવાનો આક્ષેપ કરી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને બોલાવી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં બે દિવસ અગાઉ પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓ સુધી પ્રશ્નપત્ર નહીં જવાના વિવાદ મુદ્દે પ્રોફેસરોના બે જૂથ વચ્ચે ઉભા થયેલા ખટરાગ મુદ્દે પરિસ્થિતિ વણસતા આર્ટસ ફેકલ્ટીના ગુજરાતી વિભાગના પ્રોફેસરના બે જૂથ સામસામે ઉતરી પડ્યા છે. જેમાં એક મહિલા પ્રોફેસરે સાથી પ્રોફેસરો દ્વારા માનસિક યાતના અપાતી હોવાનીનો આક્ષેપ કરી 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને બોલાવી હતી. જેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે આક્ષેપ કરનાર મહિલા પ્રોફેસર દર્શની દાદાવાલે વાલા અને તેમના અન્ય સાથેની રજૂઆત સાંભળી અન્ય પ્રોફેસરો સામે થયેલા કઠિન આક્ષેપો સંદર્ભે પણ 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમે સાથી પ્રોફેસરોના જવાબ મેળવ્યા હતા.
આધારભૂત સૂત્રો પ્રમાણે જાણવા મળેલી માહિતી અનુસાર પ્રોફેસરની દાદાવાલાએ અગાઉ ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં જઈ શિક્ષણ આપ્યું ન હતું. એ સંદર્ભે પણ અગાઉ પ્રોફેસર વચ્ચે બોલા ચાલી થઈ હતી. આ ઉપરાંત પેપરો તપાસવાના મામલે પ્રોફેસર દર્શની દાદાવાલા તરફથી સ્પષ્ટ ઇનકાર પણ કરવામાં આવ્યો હતો. જોકે અન્ય પ્રોફેસરોએ પેપર તપાસવાનો આગ્રહ રાખતા માત્ર પ્રોફેસર દર્શની દાદાવાલાએ માત્ર એક જ કલાકમાં 64 પેપરો તપાસી આડેધડ રીતે માર્ક્સ મૂક્યા હોવાની માહિતી મળી હતી. માત્ર એક જ કલાકમાં 64 પેપરો તપાસી માર્ક્સ મુકવાની કાર્યનીતિ જો સાચી હોય તો અપાયેલા માર્ક્સની ગુણવત્તા સમજી શકાય તેવી છે. આ તકરારમાં કોણ સાચું છે અને કોણ ખોટું તે તો આવનારો સમય નક્કી કરશે. પરંતુ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છાશવારે બનતી આવી ઘટનાઓ યુનિવર્સિટીની ગરીમાને લાંછન લગાડી રહી છે.