Sports

ટીમ ઈન્ડિયાની જર્સીમાં ફરી જોવા મળશે ધોની!, BCCIનો આ છે પ્લાન

મુંબઈ: T20 વર્લ્ડ કપ 2022માં (T20Worldcup2022) ટીમ ઈન્ડિયાનો (Team India) સેમિફાઈનલમાં (Semi Final) પરાજય થયો અને ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આ વખતે જે રીતે ટીમ ઈન્ડિયા 10 વિકેટથી ઈંગ્લેન્ડ સામે શરમજનક રીતે હાર્યું તે પરિસ્થિતિએ બધાને ચોંકાવી દીધા છે. તેથી જ ટીમ ઈન્ડિયાની T20 રમવાની રીતને સંપૂર્ણપણે બદલવાની ચર્ચા ઉઠી છે. સવાલ એ ઊભો થાય છે કે શું BCCI મોટા ફેરફાર કરવા માટે તૈયાર છે. BCCI એ શું પ્લાન બનાવ્યો છે?

એક અહેવાલ મુજબ, બીસીસીઆઈ ટી20 ફોર્મેટમાં ભારતીય ક્રિકેટ ટીમની રમતને સુધારવા માટે કેટલાક પગલાં લેવાનું વિચારી રહી છે. BCCIના મેનેજમેન્ટમાં આ વિષય પર ગંભીર ચર્ચાનો દોર શરૂ થયો છે. સૂત્રો અનુસાર T-20 ફોર્મેટમાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી શકાય છે. આ અંગે ચર્ચા ચાલી રહી છે. જોકે, BCCI એ બાબતે મૂંઝવણ અનુભવી રહ્યું છે કે T20 અને ODIમાં અલગ-અલગ કેપ્ટન અને કોચ રાખવા કે પછી બંને ફોર્મેટમાં એક જ કેપ્ટન અને કોચ રાખવા. આ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.

આ દરમિયાન સૌથી મોટી વાત સામે આવી છે કે બીસીસીઆઈ ફરી એકવાર પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમ ઈન્ડિયા સાથે જોડવા માંગે છે. આઈસીસી (ICC) ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ કેવી રીતે ક્રિકેટ રમવું જોઈએ તેનું ફોર્મેટ બનાવવાની જવાબદારી મહેન્દ્ર સિંહ ધોનીને સોંપવામાં આવી શકે છે.

શું હશે એમએસ ધોનીની ભૂમિકા?
આ અગાઉ એમએસ ધોની ટી20 વર્લ્ડ કપ 2021 માટે ટીમ ઈન્ડિયા સાથે મેન્ટર તરીકે જોડાયો હતો પરંતુ તે માત્ર એક ટુર્નામેન્ટની વાત હતી. તેથી ધોનીની હાજરીની કોઈ ખાસ અસર જોવા મળી ન હતી. પરંતુ હવે BCCI કાયમી ધોરણે ધોનીને જવાબદારી સોંપવા ઈચ્છે છે. જેથી ટીમ ઈન્ડિયાને સતત ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટ જીતનાર એકમાત્ર કેપ્ટન એમએસ ધોનીનું માર્ગદર્શન મળી શકે.

રિપોર્ટ અનુસાર, MS ધોની IPL 2023 પછી IPLને અલવિદા કહી શકે છે. આવી સ્થિતિમાં તેની પાસે સમય હશે અને બીસીસીઆઈ તેને ટી20 ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા સાથે કામ કરવા માટે કહી શકે છે. કારણ કે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ માટે ત્રણેય ફોર્મેટમાં સાથે કામ કરવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે.

શું BCCI મોટા ફેરફારો કરશે?
ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપ 2022 હારી ગયાને એક અઠવાડિયું પણ નથી થયું અને અચાનક હલચલ તેજ થવા લાગી છે. આવી સ્થિતિમાં, બીસીસીઆઈ ઉતાવળમાં કોઈ નિર્ણય લેશે કે પછી સંજોગો હળવા થયા બાદ કોઈ કાર્યવાહી કરશે તે નક્કી નથી. તમને જણાવી દઈએ કે આગામી T20 વર્લ્ડ કપ 2024માં છે, પરંતુ તે પહેલા 2023માં ODI વર્લ્ડ કપ છે. આવી સ્થિતિમાં, બોર્ડ શું ફેરફાર કરશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.

Most Popular

To Top