Business

મૃણાલની આજ કરતાં આવતી કાલ સારી હશે!

મૃણાલ ઠાકુર ‘કલ્કી 2898 એડી’માં હતી પણ લોકોએ અમિતાભ બચ્ચન અને પ્રભાસની ચર્ચા એટલી બધી કરી કે મૃણાલ આંખે ચડી જ નહીં. તેમાંય વળી દિપીકા પાદુકોણ હતી પછી મૃણાલનું ઠાકુરપણું કેટલું ચાલે? આમ છતાં તે એક મોટા પ્રોડક્શનમાં હતી તે તો તેના પક્ષે ઉમેરવું જ જોઈએ. બાકી મૃણાલ સાથે નસીબ આંખમિચોલી રમી રહ્યું છે. તેની ફિલ્મો આવવાની હોય ત્યારે લાગે કે ધમાકો થઈ જશે પણ આવે પછી સુરસુરીયું. પણ મૃણાલ થાકે તેવી નથી અને થાકવું પણ ન જોઈએ. ફિલ્મની કારકિર્દીમાં જૂગારનું તત્વ તો છે જ. આ બાજી સારી ન આવી તો બીજી આવશે. અત્યારે તેની ફક્ત એક જ ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન સ્તરે પહોંચી છે. ‘પૂજા મેરી જાન’. પણ હજુ તેની રિલીઝ ડેટ જાહેર નથી થઈ. શું છે કે એ ફિલ્મમાં સ્ટાર્સના નામે સ્વયં મૃણાલ ઉપરાંત હુમા કુરેશી છે તો નિર્માતાઓ રિલીઝ બાબતે બહુ ઊતાવળા થાય પણ નહીં. બાકી, અભિનેત્રીને ખુદનેય થતું હોય છે કે ક્યારે મારી ફિલ્મ થિયેટરમાં આવે, અરે થિયેટર નહીં તો ઓટીટી પર આવે. મૃણાલે ટીવી. સિરીયલોની અભિનેત્રી તરીકે જે સફળતા જોઈ છે. તેની તલાશ ફિલ્મોમાં છે. ‘લવ સોનિયા’પછી ‘સુપર 30’મળી ત્યારે તે ઘણા ઉત્સાહમાં હતી પણ એ ફિલ્મ ઋતિકની હતી. અરે ‘તુફાન’માટે તો મનમાં ઘણાં તોફાન મચેલા કારણ કે રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ હતી પણ તે હવે સાપસીડીની રમત જેવો અનુભવ કરે છે. ખેર! ફિલ્મો માટે ઈશ્ક હોય તો રિસ્ક લેવી પડે. તેની પાસે ‘એસટીઆર 48’નામની એક ફિલ્મ છે. હિન્દી ભાષાની હોય તેવી લાગતી નથી પણ બીજી ભાષાની હશે ને સારી હશે તો હિન્દીમાં આવી ચડશે બાકી તે ‘વિશ્વમબરા’નામની ફિલ્મમાં ય છે અને તે એક રસપ્રદ વાર્તા ધરાવે છે. હા, તેની સાથે ત્રિશા ક્રિષ્નન, ઈશા ચાવલા છે. શું છે કે આજકાલ મોટા સ્ટાર્સ સાથે ફિલ્મ મળશે એવી આશા રાખી શકાય તેમ નથી, કારણ કે મોટા સ્ટાર્સ પણ મોટા લાગતા નથી. મૃણાલને ‘સન ઓફ સરદાર-2’મળી છે જેમાં અજય દેવગણ અને સંજય દત્ત છે. હા, મૃણાલ માટે તો આ બંને અંકલ કહી શકાય એ ઉંમરના છે પણ ઠીક છે. ફિલ્મોમાં અભિનેતા નહીં તેના ચરિત્રની ઉંમર ગણાતી હોય છે. બાકી એક ફિલ્મ ડેવિડ ધવને વિચારી છે અને તે કોઈ રિમેક જ હશે કારણ કે વરુણ ધવન અને જાન્હવી કપૂર પણ છે. આ બધી ફિલ્મો મૃણાલને કોઈ સારા ઠેકાણે પહોંચાડે તો ભયો ભયો. બાકી, ધૂળેથી આવી છે એટલે કહી શકાય કે નાના શહેરોથી આવેલા લોકોની ઈચ્છા મોટા થવાની જરૂર હોય પણ ત્રીસેક જેટલી ટીવી ફિલ્મોમાં કામ કર્યુ હોય તો મોટી જ ગણાય. દરેક શિખરોને એવરેસ્ટ થવાની તક નથી મળતી. પણ હા, એ નોંધવુ જોઈએ કે સંજય લીલા ભણશાલીએ તેને એક ફિલ્મમાં સિધ્ધાંત ચતુર્વેદી સાથે લીધી છે. દિગ્દર્શક રવિ ઉદયાવાર છે પણ ફિલ્મ ભણશાલીની છે તમે આશા રાખી શકો કે આજ કરતાં મૃણાલની કાલ વધુ સારી છે. •

Most Popular

To Top