મૃણાલ ઠાકુર સ્પષ્ટ માને છે કે ફિલ્મોદ્યોગમાં ઓળખ બનાવવી તે નસીબ નથી બલ્કે સતત આકરી મહેનતનું પરિણામ હોય છે. મૃણાલની આ દલીલને કોઇ નકારી ન શકે. તેણે ધીમે ધીમે, ચોક્કસ ફિલ્મોમાં કામ કરતાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ટી.વી. સિરીયલોમાંથી ફિલ્મોમાં શીફટ થવું સહેલું તો નથી. મૃણાલ ઠાકુરે મરાઠી ફિલ્મોમાં કામ કરવાથી શરૂઆત કરી અને હવે હિન્દી જ નહીં તમિલ ફિલ્મમાં પણ તેની ડિમાંડ છે. ‘લેફટનંટ રામ’ નામની રોમેન્ટિક વોર ફિલ્મમાં તે દલકીર સલમાન સાથે કામ કરી રહી છે. મૃણાલની ‘જર્સી’ આવતા મહિને થિયેટરોમાં આવી રહી છે. પણ તે ‘લેફટનંટ રામ’ ઉપરાંતની વોર ફિલ્મ ‘પીપા’ની હીરોઇન છે. ભારત પાકિસ્તાન વચ્ચે 1971ના યુધ્ધમાં બ્રિગેડીયર બલરામસીંઘ મહેતાએ જે વીરત્વ દાખવેલું તે આ ફિલ્મના કેન્દ્રમાં છે. બ્રિગેડીયરની ભૂમિકા ઇશાન ખટ્ટર ભજવી રહ્યો છે.
મૃણાલ ઠાકુર ગઇકાલની સફળતાને વારંવાર રોકડી નથી કરતી નહીંતર તેની પાસે ‘સુપર 30’, ‘બાટલા હાઉસ’, ‘તુફાન’ને આગળ કરતી હોત. ‘તુફાન’ ચાલી નહોતી પણ રાકેશ ઓમ પ્રકાશ મહેરાની ફિલ્મ હતી. તે એકના એક હીરો કે દિગ્દર્શકની ફેવરીટ બનવામાંય માનતી નથી તેના હીરો રિપીટ નથી થતા અને ઋતિક, જ્હોન અેબ્રાહમ, ફરહાન અખ્તર, કાર્તિક આર્યનથી આગળ વધી તે શાહીદ કપૂર, શરમન જોશી, ઇશાન ખટ્ટર ઉપરાંત સાઉથના દલકીર સલમાન અને ‘થડકા’ની રિમેક ‘ગુમરાહ’માં પણ ફરી નવો હીરો છે. સામાન્યપાત્રે એસ્ટાબ્લિશ સ્ટાર્સ સાથે કામ કરી નામ અને દામ મેળવવાનો સલામત રસ્તો હોય છે જે મૃણાલે અપનાવ્યો નથી. તે રણવીર સીંઘ કે રણબીર કપૂર કે વરુણ ધવન યા સલમાન, શાહરૂખ કે અક્ષયકુમાર, અજય દેવગણની હીરોઇન બનવા ય પ્રયત્નો નથી કરતી.
મૃણાલ પોતાને કઇ હીરોઇન વચ્ચે જોઇ રહી છે તે કહી શકાય તેમ નથી પણ તે આત્મવિશ્વાસ સાથે કામ કરી છે એ નક્કી. તે ‘આંકમિચૌલી’નાં કામ કરે છે ત્યારે ખબર છે કે તેના હીરો અભિમન્યુ દાસાણીને જોવા લોકો નથી આવવાનાં. પરેશ રાવલ અને મૃણાલનું જ મહત્વ પ્રેક્ષકો માટે હશે. ‘થડમ’ની રિમેકમાં તેનો હીરો આદિત્ય રોય કપૂર છે અને મૃણાલ પોલીસ અધિકારી બની છે. સાઉથની ફિલ્મોની રિમેક પાછળ તે પડી નથી પણ ‘જર્સી’ પણ તેલુગુ ફિલ્મની યા ‘ગુમરાહ’ પણ તેલુગુ ફિલ્મની જ રિમેક છે. મૃણાલને સારા વિષયવાળી, સારા પાત્રોવાળી ફિલ્મોમાં રસ છે. તેને ખબર છે ‘કુમકુમ ભાટય’ ટી.વી. સિરીયલના બુલબુલ અરોરાનું પાત્ર કેમ લોકપ્રિય બનેલું પણ તેણે ટી.વી. પર પણ મર્યાદિત રીતે જ કામ કર્યું. તેણે ત્રણેક મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું છે પણ વેબસિરીઝમાં કામ નથી કર્યું. તેની પસંદગી ફકત કમાણી આધારીત નથી હોતી. મૃણાલનાં સૌંદર્યમાં સાદગી છે પણ તે એટલી જ સ્ટાઇલ્લેશ બની શકે છે. પણ ફિલ્મોમાં ગમેતેવા આઉટફીટ નથી પહેરતી. તે સાડીમાં પણ એવી જ શાનદાર લાગે છે. થલનેર-નાડીપૂરની મૃણાલને શરદચન્દ્ર ત્રિપાઠી નામના લેખક સાથે પ્રેમ હોવાનું કહેવાયું છે પણ તે આવી વાતોને બહુ હવા નથી આપતી. તેને ક્રિકેટનો ખૂબ શોખ છે ને સચિન તેંડૂલર, વિરાટ કોહલી તેના ફેવરીટ છે. ક્રિકેટના શોખના કારણે જ તેણે ‘બોકસ ક્રિકેટ લીગ’માં ભાગ લીધો હતો. પણ બીજી ખાસ વાત એ કે તે ઇન્ડોનેશીયન સોપ ઓપેરા ‘તુયુલ’ અને ‘એમબાક યુલ રિબોર્ન’માં કામ કરી ચુકી છે.