Entertainment

‘મિસ્ટર રિલાયેબલ’ પાસે ફિલ્મોનું ‘અક્ષય’ પાત્ર

અક્ષયકુમાર રિયલ લાઇફ એકશન સ્ટાર છે. કોરોનાનો પ્રભાવ ઓછો થયા પછી જેની લાગલગાટ બબ્બે ફિલ્મ રજૂ થવાની છે તે અક્ષયકુમારની 27મીએ ‘બેલબોટમ’ને છઠ્ઠી ઓગસ્ટે ‘અતરંગી રે.’ તેની ‘સૂર્યવંશી’ માર્ચમાં પછી એપ્રિલમાં રજૂ થવાની હતી પણ હવે આરામથી દિવાળીમાં આવશે અથવા એમ બને કે જો આ બે ફિલ્મો સારી જશે અને થિયેટરોમાં પ્રેક્ષકો આવતા થયા હશે તો આવતા મહિને જ રજૂ થઇ જાય.

જેની પાસે ઢગલો ફિલ્મ હોય અને કોરોના સમયમાં પણ ફિલ્મના શૂટિંગ પૂરા થાય તેની કાળજી રાખી હોય તેની એક-દોઢ મહિનામાં ત્રણ ફિલ્મ રજૂ થઇ જાય તો તેને વાજિબ ગણાવી જોઇએ. તેની તો ‘લક્ષ્મી’ પણ કોરોના દરમ્યાન જ રજૂ થઇ હતી અને હમણાં ‘ફિલહાલ-2’ નામની શોર્ટ ફિલ્મ પણ રજૂ થઇ છે ને લોકોને ગમી છે. અક્ષય પોતાને સતત એકટીવ રાખે છે અને દરેક ફિલ્મમાં તેની એનર્જી દેખાતી હોય છે. તેની ત્રણ ફિલ્મોનું શૂટિંગ ધડાધડ ચાલી રહ્યું છે. બે ફિલ્મો પર કામ કરી રહ્યો છે ને બે ફિલ્મો અનાઉન્સ થઇ ચુકી છે.

‘બેલબોટમ’ ગયા વર્ષે ઓગસ્ટમાં જ શરૂ થઇ હતી ને અત્યારે રિલીઝ માટે તૈયાર છે. ગ્લાસગો, સ્કોટલેન્ડમાં જેનું શૂટિંગ થયું છે એવી આ ફિલ્મ 1980ના સમયને દેખાડશે. આ એક સ્પાય થ્રીલર છે ને અક્ષય હંમેશા નવા વિષય અને સ્ટાઇલનો આગ્રહી રહ્યો છે. ‘અતરંગી રે’ આનંદ એલ. રાયે દિગ્દર્શીત કરેલી રોમેન્ટિક ફિલ્મ છે જેમાં સારા અલી ખાન અને ધનુષ છે. સંગીત એ.આર. રહેમાનનું છે. આ ફિલ્મનું શૂટિંગ પણ ગયા વર્ષના માર્ચમાં શરૂ થયેલું ને ડિસેમ્બરમાં પૂરું કરી દેવાયેલું. નિર્માતાઓ અક્ષય પર આ કારણે જ તો ભરોસો કરે છે. તેમનું રોકાણ વધારે વ્યાજના બોજા સુધી જતું નથી.

તે ફિલ્મો લેતીવેળા એવી કાળજી રાખે છે કે દરેક પ્રકારના પ્રેક્ષકમાં આકર્ષણ ઊભું થાય જેમ કે ‘રામસેતુ’ એવી વાર્તા ધરાવે છે કે વર્ષોથી જે રામસેતુ હોવાની વાત થાય છે તે સાચી છે કે ખોટી? આ ફિલ્મ ધર્મની રુચિ ધરાવનારા પ્રેક્ષકો ઊપરાંત અનેકમાં કુતૂહલ જગાડશે. ‘રક્ષા બંધન’ જેવી ફિલ્મ આજે 1960-70ના સમયની લાગશે પણ આનંદ એલ.રાય. ભાઈ-બહેનનાં ભુલાતા સંબંધને અને લાગણીઓને જગાડવા માંગે છે. અક્ષય હંમેશા એવી ફિલ્મોમાં કામ કરે છે જેમાં રાષ્ટ્રપ્રેમ અને ઈતિહાસ સંકળાયો હોય અને એવી ફિલ્મ ‘પૃથ્વીરાજ’ છે. તે વચ્ચે વચ્ચે કોમેડી ફિલ્મોમાં કામ કરવાનું ય ચૂકતો નથી. હવે 157 ફિલ્મો સુધી પહોંચેલો અક્ષય હજુ પણ ટાઈપકાસ્ટથી પોતાને બચાવી શક્યો છે એટલે તે માર્કેટમાં વટથી ઉભો છે.

અક્ષયની ઝડપથી કામ કરવાની શૈલીને કારણે તેની અભિનેત્રીઓના લિસ્ટમાં દિપીકા પાદુકોણ, આલિયા ભટ્ટ વગેરે આવી શક્તી નથી. આવી હીરોઈનોની ડેટ મેળવવામાં સમય જોઈએ. અક્ષયને એવું ન પોસાય. તેના આ વલણને કારણે ઘણી બીજી અભિનેત્રીઓને તક મળી જાય છે. તે નર્યો પ્રોફેશનલ છે. સલમાન જે રીતે કેટરીના કૈફ કે જેકલીન ફર્નાન્ડિસનો આગ્રહ રાખે તેવુ અક્ષય નહીં રાખે. તે એવા જ દિગ્દર્શકો સાથે ય કામ કરવા તૈયાર થાય જેની પાસે નવા વિષય સાથે પટકથા તૈયાર હોય. કેટલાય નિર્માતા પાસે સારી પટકથા આવી જાય તો તરત અક્ષયનો જ સંપર્ક કરે.

અક્ષય મોટા બેનર પાછળ નથી પડતો કારણ કે તે જે ફિલ્મમાં કામ કરે તે સ્વયં મોટી થઈ જાય છે. અક્ષય કાંઈ આમીરખાન જેવો ખૂબ આગ્રહી પણ નથી કારણકે બે-ત્રણ વર્ષે તે એકાદ ફિલ્મમાં કામ નથી કરતો. ફિલ્મો છે તે સફળ-નિષ્ફળ જાય. આપણે કાળજી સાથે કામ કરતા રહેવાનું. તે લવ-લફડામાંય બહુ ઈન્વોલ્વ થતો નથી. 53 વર્ષના થયા પછી સમજે છે કે હવે હીરો તરીકે રહેવાના વધારે વર્ષો નથી તો સિરીયલસી કામ કરી લો.

Most Popular

To Top