છેલ્લા દશ દિવસથી ગુજરાતમાં નોનવેજની લારીઓ સતત ચર્ચામાં છે. ગુજરાત સરકાર પાસે નોનવેજની લારી બંધ કરાવવા સિવાય પણ અનેક કામ છે પરંતુ સરકારી બાબુઓ નોનવેજની લારીઓ હટાવવાના કામની પાછળ પડી ગયા છે કદાચ તેમની દ્રષ્ટીએ આ વધારે અગત્યનું કામ હશે. રાજકોટથી શરૂ થયેલી નોનવેજની લારી હટાવવાની ઝૂંબેશ વડોદરા, જુનાગઢ, ભાવનગર અને ત્યાર બાદ અમદાવાદ સુધી પહોંચી ગઇ હતી. જો કે, ત્યાર બાદ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે આ બાબતે બેકફૂટ પર આવીને ખુલાસા કરવા પડ્યાં છે. સરકાર તરફથી એવા પણ ખુલાસા કરવામાં આવ્યા છે કે, વાત નોનવેજની લારીઓની નથી દબાણની વાત છે.
જો દબાણનો જ મુદ્દો હોય તો અહીં એક વાત સ્પષ્ટ કરી દેવી જોઇએ કે વર્ષ 2018માં વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા જિલ્લાઓમાં ગૌચરની જમીન પર થયેલા દબાણોના વિવિધ સવાલ પૂછવામાં આવ્યાં હતાં, જેના જવાબમાં પંચાયત વિભાગ દ્વારા લેખિત જવાબમાં તાલુકા દીઠ દબાણની માહિતી આપવામાં આવી હતી, જે મુજબ રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧,૭૫ કરોડ ચો.મી. ક્ષેત્રફળમાં દબાણ થયું છે,અમદાવાદમાં 13 લાખ 35 હજાર 972 ચો.મી.અરવલ્લીમાં 82 હજાર 952 ચો.મી.,આણંદમાં 11 લાખ 9 હજાર 478, ખેડામાં 2 લાખ 35 હજાર 348, ગાંધીનગરમાં 9 લાખ 53 હજાર 150, જૂનાગઢમાં 12 લાખ 69 હજાર 175, પાટણમાં 26 લાખ 81 હજાર 154, બનાસકાંઠામાં 11 લાખ 29 હજાર 705, બોટાદમાં 12 લાખ 11 હજાર 781, ભાવનગરમાં 49 લાખ 96 હજાર 959, મહેસાણામાં 43 લાખ 60 હજાર 856, સુરતમાં 1 લાખ 52 હજાર 376 ગૌચરની જમીન પર દબાણો ઉભા કરાયા છે.
રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ૧,૭૫ કરોડ ચો.મી. ક્ષેત્રફળમાં દબાણ થયું છે, અમદાવાદમાં 13 લાખ 35 હજાર 972 ચો.મી., અરવલ્લીમાં 82 હજાર 952 ચો.મી., આણંદમાં 11 લાખ 9 હજાર 478, ખેડામાં 2 લાખ 35 હજાર 348, ગાંધીનગરમાં 9 લાખ 53 હજાર 150, જૂનાગઢમાં 12 લાખ 69 હજાર 175, પાટણમાં 26 લાખ 81 હજાર 154, બનાસકાંઠામાં 11 લાખ 29 હજાર 705, બોટાદમાં 12 લાખ 11 હજાર 781, ભાવનગરમાં 49 લાખ 96 હજાર 959, મહેસાણામાં 43 લાખ 60 હજાર 856, સુરતમાં 1 લાખ 52 હજાર 376 ગૌચરની જમીન પર દબાણો ઉભા કરાયા છે.
જો દબાણની જ વાત હોય તો નોનવેજની લારીઓ હટાવવા માટે ફોજની ફોજ ઉતારી દેનારા અમદાવાદ, રાજકોટ, ભાવનગર, જૂનાગઢના અધિકારીઓના ગૌચરની જમીન પરના દબાણ હટાવવા હાથ કેમ ધ્રુજે છે? નાના લારી ગલ્લાવાળા જેની લારી ચાલે તો જ તેમના બાળકોને બે ટંકનું ભોજન મળે છે તેની જાણકારી હોવા છતાં તેમના પર અધિકારીઓ રીતસરના તૂટી પડ્યાં. ત્યારે ગૌચરની જમીન પર ભૂમાફિયાઓએ કરેલા દબાણ દૂર કરવામાં આ અધિકારીઓની બહાદુરી ક્યાં ચાલી જાય છે?
ભૂમાફિયાઓ સામે સરકારી બાબુઓ નતમસ્તક થઇ જાય છે. જો તેમનામાં તાકાત હોય તો નોનવેજની લારીઓ હટાવતા પહેલા ગૌચર પર થયેલા દબાણો દૂર કરીને બતલાવે પણ ના આ તો મોટા માણસ છે એટલે તેમને કઇ નહીં થાય. કાયદાનો કોરડો તો ફક્ત નાના માણસો પર જ વિંઝવા માટે હોય છે. હવે જો વાત નોનવેજની લારીઓની કરી તો તે બંધ કરાવતા પહેલા સરકારે મત્સ્ય ઉદ્યોગ, પોલટ્રી ફાર્મ અને બકરા પાલન માટે અપાતી સબસીડી બંધ કરવી જોઇએ.
હાલમાં રાજ્ય સરકાર 10 બકરા પ્લસ એક બકરા માટેના યુનિટ માટે સરકાર 50 ટકા સબસીડી આપે છે. મત્સ્ય ઉદ્યોગની વાત કરીએ તો બોટ માટે 5000 અને જાળ માટે 2500 રૂપિયા, આ ઉપરાંત માછીમારી કરતા માછીમારોને ડિઝલ પર વેટમાં 100 ટકા રાહત છે. મરઘા પાલનમાં 100 મરઘાના યુનિટ પર સરકાર રૂપિયા 4500 સુધીની સહાય કરે છે. આ ઉપરાંત કેન્દ્ર સરકારની યોજનાઓની જે સહાય મળે છે તે અલગ છે. જો તમને નોનવેજની લારીઓ સામે વાંધો હોય તો પછી નોનવેજ ડીશમાં વપરાતી માછલી, મટન અને ચીકનના ઉત્પાદનને સરકાર પ્રોત્સાહન શા માટે આપી રહી છે.
આવા કામ છોડીને સરકારે લોકોની રસ્તા, શિક્ષણ અને સ્વાસ્થ્યમાં જે ખામીઓ છે તે દૂર કરવી જોઇએ. રાજ્યના અનેક અંતરિયાળ ગામોના રસ્તાઓને તાત્કાલિક રિપેરિંગની જરૂર છે. તો તેના પર યુદ્ધના ધોરણે કામ શરૂ થવું જોઇએ. અનેક સરકારી શાળાઓમાં શિક્ષકની ઘટ છે તો તે દિશામાં કામ શરૂ થવું જોઇએ. અનેક સીએચસી, પીએચસી અને સરકારી હોસ્પિટલોમાં તબીબોની જગ્યા ખાલી છે તો તેના પર કામ થવું જોઇએ નહીં કે નોનવેજની લારીઓ દ્વારા થતાં દબાણો ઉપર.