વડોદરા : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની 21 ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી બે દિવસ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો મેળો ભરાયો હતો. જેમાં કુલ 1451 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.
આ ઉમેદવારોમાં ત્રણ ધારાસભ્ય એક સંસદ સભ્ય અને એક પૂર્વ કોર્પોરેટરના પરિવારમાંથી પણ ટિકિટની માગણી કરવામાં આવી છે. જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે જ્યારે બે દિવસની કસરત બાદ નિરીક્ષકો અને સ્થાનિક મોવડી મંડળે એક વોર્ડ પ્રમાણે 16 ઉમેદવારની યાદી તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપવાનો નિર્ણય કર્યો છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ભાજપે બે દિવસ દરમિયાન પાંચ વિધાનસભા મતવિસ્તારને ધ્યાનમાં રાખી 15 નિરીક્ષક ને ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ કક્ષાએથી મોકલ્યા હતા.
આ નિરીક્ષકોએ બે દિવસ દરમિયાન કાર્યકર્તાઓને સાંભળ્યા હતા જેમાં ઉંમરનો બાદ નક્કી કરવામાં આવ્યો છે તે રીતે ભણતર અંગે પણ ગ્રેજ્યુએટ હોય તેવા ઉમેદવારને જ ટિકિટ આપવાની માગણી થઇ હતી તો બીજી બાજુ જે કાર્યકર જે વોર્ડમાં રહેતા હોય ત્યાંથી જ ટિકિટ આપવી જોઈએ અને રિઝર્વેશન મુકવામાં આવ્યા છે તે બેઠક પરથી જ તે જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી જોઈએ તેવી રજૂઆત કરવામાં આવી હતી.
તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ સામે પરિવારવાદ આ અંગે અવારનવાર વિવાદ સર્જી રહ્યું છે ત્યારે હાલના ભાજપના ત્રણ ધારાસભ્ય શૈલેષ સોટ્ટા મધુ શ્રીવાસ્તવ અને અભેસિંહ તડવી ના દીકરાએ ટિકિટની માગણી કરી છે જ્યારે સંસદ સભ્ય રંજનબહેન ભટ્ટના બહેન જેઓ અગાઉ કોર્પોરેટર રહી ચૂક્યા છે તેઓએ ફરી ટિકિટની માગણી કરી છે.
જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપમાં ઉમેદવારોનો જે રીતે રાફડો ફાટયો છે તે રીતે જોતા સ્થાનિક મોવડીમંડળ પણ વિમાસણમાં મુકાઇ ગયું છે જેથી બે દિવસ ની કસરત બાદ શહેર ભાજપ મોવડી મંડળ અને નિરીક્ષકોએ સંકલન સમિતિમાં એક વોર્ડ પ્રમાણે જે ચાર બેઠક છે. તેમાં કોઈ માં સર્વ સંમતિ સધાઈ નથી જેથી એક વોર્ડ દીઠ પ્રમાણે એ.બી. સી .ડી. એમ ચાર કેટેગરી રાખી 16 ઉમેદવારની યાદી તૈયાર કરી છે. જે યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલી આપવાની નક્કી કર્યું છે.