SURAT

સાંસદ મુકેશ દલાલની જાહેરાત સુરતને હેલ્મેટમાંથી મુક્તિ મળી, પોલીસ કમિશનરે કહ્યું આવું કંઈ નથી!

સુરતના સાંસદ મુકેશ દલાલે એક વીડિયો મેસેજમાં એવી જાહેરાત કરી કે સુરતના 12 ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે હેલ્મેટમાંથી સુરતને પણ મુક્તિ આપી છે. આ મેસેજને પગલે સુરતના વાહન ચાલકોમાં ખુશીની લહેર ફરી વળી હતી, પરંતુ આ મામલે જ્યારે સુરત શહેર પોલીસ કમિશનરને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આવું કંઈ નથી.

જેના પગલે મુંઝવણ ઉભી થઈ છે. સત્ય હકીકત બહાર આવે તે જરૂરી બન્યું છે. કારણ કે વાહન ચાલકો હેલ્મેટ પહેર્યા વિના વાહન હાંકે તો ઘરે ઓનલાઈન મેમો પહોંચે તેવો ડર છે. આ મામલે સરકાર અને અધિકારીઓ તરફથી યોગ્ય જાહેરાત થાય તેવી માંગ ઉઠી છે.

ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હેલ્મેટના કાયદાનો ભારે વિરોધ થતાં હેલ્મેટ ન પહેરનારા વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી ન કરતા ગુલાબ આપી સમજાવટ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો હોવાની ચર્ચા કાલે જોરશોરમાં ચાલી હતી. જોકે, આ મામલે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. તેથી વાહનચાલકોની મૂંઝવણ વધી છે.

કોંગ્રેસે વિરોધ કર્યો
કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાળાએ હેલ્મેટ બાબતે ટિપ્પણી કરી હતી કે, રાજકોટની જનતાને હેલ્મેટમાંથી રાહત અપાઈ છે, પરંતુ આ મુદ્દો આખા રાજ્યનો છે. એક જ રાજ્યમાં બે શહેરોમાં કાયદા અલગ ન હોઈ શકે. સુરત પાકિસ્તાનમાં નથી. સુરતના રસ્તા એટલા ખરાબ છે કે ટુ વ્હીલર કે ફોર 20થી 30ની સ્પીડ પર જઇ શકતા નથી. આ ઉપરાંત સુરત પોલીસ હેલ્મેટ બાબતે જે દંડ ઉઘરાવી રહી છે એ સુરતના લોકો સાથે અત્યાચાર છે.

Most Popular

To Top