SURAT

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છાપરા ભાઠાથી અમરોલી સુધી 3 કિલોમીટર દાંડી યાત્રામાં જોડાયા

સુરતઃ (Surat) ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણીને અવસરે આજની યુવા પેઢીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ભાવના કેળવાય તે હેતુથી તેમજ વીર શહીદોના સપનાના ભારતના નિર્માણના સંકલ્પ સાથે આઝાદીના અમૃત મહોત્સવની (Azadi No amrut Mahotsav) ઉજવણી થઈ રહી છે. જે અંતર્ગત 12 મી માર્ચના રોજ અમદાવાદ ખાતેથી પ્રારંભ થયેલી દાંડીયાત્રા (Dandi Yatra) આજે ગુરૂવારે સવારે સાયણથી નીકળ્યા બાદ બપોરે સુરત શહેરમાં વરિયાવ ટી-પોઈન્ટ ખાતેથી આવી પહોંચી હતી. જ્યાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ (Shivraj Singh chauhan) આ દાંડીયાત્રામાં જોડાયા હતા. તેમણે છાપરાભાઠાથી અમરોલી સુધી 3 કિલોમીટર સુધી દાંડીયાત્રામાં જોડાવા બદલ પોતાને સૌભાગ્યશાળી ગણાવ્યાં હતાં.

તેમણે જણાવ્યું હતું કે, ગાંધીજીની દાંડીયાત્રાએ અંગ્રેજોની હુકુમતના પાયા હલાવી નાંખ્યાં હતાં. સાબરમતીથી ચાલીને આવેલા તમામ યાત્રીઓને પ્રણામ કરી ગાંધીજી અને સરદાર પટેલ સહિતના ક્રાંતિકારીઓને નમન કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું. જો તબીબો, વકીલો, સરકારી કર્મચારી અને ધારાસભ્યો તેમના કર્તવ્યનું ઇમાનદારીથી પાલન કરશે તો આત્મનિર્ભર ભારત બનાવવામાં સફળ થઈશું.

સુરત મહાનગરપાલિકાના ડે.મેયર દિનેશ જોધાણી સહિતના પદાધિકારીઓ તથા સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સુતરની આંટી પહેરાવી દાંડીયાત્રીઓનું ભવ્ય સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ તેઓ દાંડી યાત્રામાં જોડાયા હતા. ગાંધીજી અમર રહો, વંદે માતરમના નારાઓ સાથે બાળાઓ અને છાપરાભાઠાના ગ્રામજનોએ પુષ્પવર્ષા કરીને દાંડીયાત્રીઓનું સ્વાગત કર્યું હતું. વર્ષ ૧૯૩૦માં દાંડીકૂચ યોજી આઝાદીનો માર્ગ પ્રશસ્ત કરનાર મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દાંડી પદયાત્રિકોનું ૧મી એપ્રિલ, ૧૯૩૦ના રોજ ચોર્યાસી તાલુકાના છાપરાભાઠા ગામે આવી પહોંચી હતી. એ સમયે ગામની વસ્તી ૭૫૦ની હતી, પરંતુ ગાંધીજીને રૂબરૂ નિહાળવા અને સાંભળવા માટે છ હજાર લોકો એકઠાં થયા હતા. આગલા દિવસે દેલાડમાં સોમવાર હોવાથી ગાંધીજીનો મૌનવાર હતો. જેના બીજા દિવસે મંગળવારે ગાંધીજીનું છાપરાભાઠા ગામમાં આગમન થયું હતું. ગામમાં કાકાસાહેબ કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, મોહનલાલ પંડ્યા, ખુરશેદ બહેન તેમજ મૃદુલાબેન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત હતા.

લોકો આપ મેળે શક્તિ પ્રમાણે કામ કરતા થઈ જાય તો સ્વરાજ માટેની શક્તિ પેદા થઈ જાયઃ ગાંધીજી
છાપરા ભાઠા ગામે ગાંધીજીએ સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કેદીઓને કોઈ પણ પ્રકારની સ્વતંત્રતા હોતી નથી. જેલર જ્યાં બેસાડે ત્યાં બેસવું, ફેરવે ત્યાં ફરવું અને સુવાડે ત્યાં સૂવું પડતું હોય છે. અત્યારે મારી પણ એવી જ સ્થિતિ છે. જુદા જુદા તાલુકાની કોંગ્રેસના પ્રમુખો જાણે મારા જેલર થઈને બેસી ગયા છે. અને તેઓ જેમ બેસાડે, સુવાડે અને ખવડાવે તેમ મારે કરવું રહ્યું છે. એકથી બીજી જગ્યાએ જેલરો બદલી કરે ને કબજો લે તેવા જ આજે મારા હાલ થયા છે. વધુમાં તેમને કહ્યું હતું કે, બારડોલીએ દુ:ખ સહન કરીને માગ્યું મેળવ્યું અને ચોર્યાસીને વિના પ્રયત્ને મળી ગયું. એટલે ચોર્યાસીએ વ્યાજ સાથે ઋણ ચૂકવવું જોઈશે. હું જોઉં છું કે બે ત્રણ દિવસથી હવા બદલાઈ ગઈ છે, પણ કયારેક નિરીક્ષણ કરૂં છું, તો આવા ઉત્સાહી ગામમાં પણ એક રેંટિયો નથી.

એક મળ્યો તે માંડ સાંજે કરી શકાય એવો, એટલે મેં શરત કરી કે કોઈ માથે કે ખભે મૂકીને પાસેના ગામથી રેંટિયો લઈ આવે તો આ ગામમાં તે રેંટિયા ઉપર સૂતર કાંતવા તૈયાર છું. એટલે એક સ્વયંસેવક દોડ્યો અને પાટીદાર આશ્રમમાંથી રેંટિયો લઈ આવ્યો. એ રેંટિયા ઉપર કાંત્યા વિના કેમ જ ચાલે ? હમણાં જ એના ઉપર કાંતીને આવ્યો છું, પણ કરૂણ કથા એ છે કે આવા ગામમાં પણ રેંટિયો ન હીંહોય એવું જર્જરિત કામ આપણે કરીએ તો સ્વરાજ નહીં મળે. સ્વરાજનાં ઘણાં અંગ છે. આપણે ગાઈએ છીએ કે સૂતરને તાંતણે સ્વરાજ પણ એમ ગાવાથી સ્વરાજ થોડું મળવાનું હતું ? એ તો તાંતણા કાઢીએ ત્યારે મળે. કીમ નદી ઉપર લોકોએ રાત દિવસ મહેનત કરીને વિના ખર્ચે પૂલ બાંધ્યો, એમ લોકો આપ મેળે શક્તિ પ્રમાણે કામ કરતા થઈ જાય તો સ્વરાજ માટેની શક્તિ પેદા થઈ જાય.

વાંઝ ગામનું ગૌરવ કલ્યાણજી મહેતા
વાંઝ ગામના વતની કલ્યાણજી મહેતા વર્ષ ૧૯૬૦માં ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર બન્યાં હતાં. સુરત જિલ્લાના ૧૯૨૦-૨૧ ના અસહકાર આંદોલન વખતે જિલ્લાની સૌપ્રથમ રાષ્ટ્રીય શાળા વાંઝમાં શરૂ થઈ હતી. જેનો તમામ ખર્ચ આ ગામના શેઠ જીવણભાઈએ રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈને પોતાના શિરે વહન કર્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top