National

MP: ધોરણ 12માં સમગ્ર રાજ્યમાં ટોપ કરનાર યુવતીએ આત્મહત્યા કરી, ઘરની અંદર ફાંસી લગાવી

એમપીના રીવામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં વર્ષ 2020માં 12મા ધોરણમાં રાજ્ય (આર્ટસ કેટેગરીમાં) ટોપ કરનાર વિદ્યાર્થી ખુશી સિંહે આત્મહત્યા કરી લીધી છે. ખુશીએ ઘરમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનાથી ખુશીનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે અને અન્ય લોકો આશ્ચર્યમાં છે કે આ હોનહાર વિદ્યાર્થીએ આ પગલું કેમ ભર્યું? વિદ્યાર્થી ખુશી સિંહ રીવા જિલ્લાના ત્યોંથર ખાતે આવેલી સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાની વિદ્યાર્થીની હતી. તે શિક્ષક બનવા માંગતી હતી અને બાળકોને ભણાવવાનું તેનું સપનું હતું.

મામલો રીવા જિલ્લાના ત્યોંથર સ્થિત સોહાગી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ પોલીસે વિદ્યાર્થિનીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપી દીધો અને કેસની તપાસ શરૂ કરી. 22 વર્ષીય ખુશી સિંહનો મૃતદેહ ઘરની અંદર લટકતો મળી આવ્યો હતો. ઘટના સમયે પરિવારના તમામ સભ્યો બીજા રૂમમાં હતા. જ્યારે તેઓ તેમની પુત્રીના રૂમમાં ગયા તો તેમણે તેની લાશ લટકતી જોઈ. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી પંચનામું કર્યું અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી. વિદ્યાર્થીએ કયા કારણોસર આ આત્મઘાતી પગલું ભર્યું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

500માંથી 486 માર્ક્સ મેળવ્યા હતા
ખુશી સિંહ જિલ્લાની હોનહાર વિદ્યાર્થીની હતી. વર્ષ 2020માં તેણે 12માના પરિણામમાં ટોપ કર્યું હતું અને આર્ટસ પ્રવાહમાં 500/486 માર્કસ મેળવીને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તેના પરિવારનું ગૌરવ વધાર્યું હતું. આ ઘટનાને પગલે પરિવારના રક્ષાબંધન પર્વની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. 

Most Popular

To Top