મંગળવારે મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં એક આદિજાતિ મહિલાને તેના સસરાએ સગીર છોકરાને ખભા પર બેસાડીને ત્રણ કિમી ચાલવાની ફરજ પાડી હતી. હેવાલ મુજબ આ મહિલા ગર્ભવતી હતી.
ગુના પોલીસ સુપ્રિટેન્ડેટ રાજેશકુમાર મિશ્રાએ જણાવ્યું હતું કે, સનાઇ ગામમાં બનેલી આ ઘટના સંદર્ભે પાંચ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના 9 ફેબ્રુઆરીના રોજ બની હતી અને સોમવારે તે વાતનો ખુલાસો થયો હતો જ્યારે તેનો એક વીડિયો વાયરલ થયો હતો.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સગીર સહિત કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. અગાઉ પોલીસે કહ્યું હતું કે મહિલાનો પતિ આરોપીઓમાં હતો, પરંતુ એસપીએ પછી કહ્યું કે તે હવે આરોપીઓની યાદીમાં નથી.
વીડિયોમાં, આશરે 20 વર્ષની વયની મહિલા, તેના ખભા પર છોકરા સાથે ઉઘાડાપગે ચાલતી જોવા મળી રહી છે અને કેટલાક પુરુષો તેને લાકડીઓ અને ક્રિકેટની બેટથી પણ મારતા જોવા મળે છે.
એસપીએ જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા બાંસખેડી ગામના એક પુરુષ સાથે લગ્ન કરનારી મહિલા કેટલાક વિવાદના કારણે તેમનાથી અલગ થઈ ગઈ હતી અને સનાઇમાં બીજા પુરુષ સાથે રહેતી હતી, એમ એસપીએ જણાવ્યું હતું.
9 ફેબ્રુઆરીએ, જ્યારે તે મહિલા એકલી હતી, ત્યારે તેના પતિના પરિવારના કેટલાક સભ્યો અને છોકરાએ તેણીને કથિત રીતે માર માર્યો હતો. એસપીએ જણાવ્યું હતું કે તેઓએ મહિલાને તેના ખભા પર છોકરા સાથે ત્રણ કિ.મી. સુધી ચલાવી હતી.