સુરતઃ શહેરમાં મેટ્રો ટ્રેન માટે સારોલી કડોદરા રોડ પર બની રહેલા બ્રિજના સ્પાનમાં ગઈ તા. 30મી જુલાઈના રોજ તિરાડ પડી હતી. ત્યાર બાદ સારોલી કડોદરાના તે મેટ્રો બ્રિજની નીચેનો ટ્રાફિક અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે, એટલું જ નહીં શહેર પોલીસ દ્વારા શહેરના 7 જેટલાં ફલાય ઓવર અને નદી પરના બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે, જેના લીધે શહેર આખું બાનમાં મુકાયા જેવી સ્થિતિ ઉદ્દભવી છે. વાહનચાલકોએ લાંબો ચક્કર મારવો પડી રહ્યો છે, પરિણામે શહેરમાં ઠેરઠેર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.
સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે. સરદાર બ્રિજ સહિત સાત બ્રિજ ભારે વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સરદાર બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ તૈનાત કરી દેવાઈ છે, તેના લીધે ભારે વાહનો ખાસ કરીને સ્કૂલ બસને લાંબા ચક્કર મારવા પડી રહ્યાં છે.
અઠવાથી અડાજણ તરફ જતી સ્કૂલ બસ સહિતના ભારે વાહનોએ એસવીએનાઇટી સુધી લોકોએ લંબાવવાનો વારો આવ્યો છે. શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતી જોવા મળી રહી છે. મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરીગ કરવામાં આવી રહ્યો છે. ત્યાં પણ વાહનોને ડાયવરઝન આપવામાં આવ્યું છે.
ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણી મુજબ મજુરાગેટ, રીંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવરબ્રિજ છે, જે પર્વત પાટિયા વિસ્તારના પોઇન્ટ પર જોડાય છે, ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી તેમને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
આ તમામ બ્રિજના પોઇન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તેનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયાના જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યું છે. આખા સિટીના જે પણ પોઇન્ટ પર્વત પાટિયા સુધી પહોંચે છે, જેમાં સીતારામનગર ચાર રસ્તા પણ સામેલ છે. ત્યાંથી ડાઈવર્ઝન અમે આપેલું છે.
કેમ પ્રતિબંધ મુકાયો?
સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-ટુની જે કામગીરી ચાલી રહી હતી. જે દરમિયાન તેના સ્પાનમા ખામી સર્જાઇ હતી. હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિકજામની પણ સમસ્યા સર્જાય છે. જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઇન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે, ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ સાત બ્રિજ ભારે વાહનો માટે બંધ
સુરત શહેર પોલીસ દ્વારા મજૂરાગેટ, રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના ફ્લાયઓવર બ્રિજ, પર્વત પાટીયા ફલાયઓવર બ્રિજ, સહારા દરવાજા બ્રિજ અને કમેલા દરવાજા બ્રિજ પર ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રિંગરોડને કનેક્ટ કરતા આ સાત બ્રિજ શહેર માટે ખુબ મહત્ત્વના છે. 15 લાખથી વધુ વાહનચાલકોને અસર થવાની શક્યતા છે. સારોલી અને રિંગરોડ ફ્લાય ઓવરની આસપાસ અંદાજે 125 જેટલી ટેક્સટાઈલ માર્કેટ આવેલી છે. ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધના પગલે ઉદ્યોગમાં માલસામાનની હેરફેર પર અસર પડે તેવી દહેશત છે.
બસ બંધ થતા રિક્ષા ચાલકો બમણું ભાડું વસૂલવા લાગ્યા
ઓવરબ્રિજ ભારે વાહનો માટે બંધ કરી દેવાતા સવારથી જ શહેરમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સિટી બસ અને બીઆરટીએસની મૂવમેન્ટ ખોરવાઈ હતી, જેના પગલે બસમાં નોકરી ધંધા પર જતા લોકો સમયસર પહોંચી શક્યા નહોતા. રિક્ષા ચાલકોએ તકનો લાભ લઈ બમણાં ભાડા વસૂલવા માંડ્યા હતા. કોઈ પણ આગોતરા પ્લાનિંગ કર્યા વિના પબ્લિકને અગાઉથી જાણ કર્યા વિના આડેધડ નિર્ણયો કરતા તંત્રની અણધડતા ઉઘાડી પડી છે.