એક દિવસ ગુરુજીએ શિષ્યોને કહ્યું, ‘‘આશ્રમના દરવાજા પાસે જે પહેલો રાહગીર મળે તેને અંદર લઇ આવો.’’ શિષ્યો પહેલો જે રાહગીર આશ્રમના દરવાજા પાસેથી પસાર થયો તેને લઇ આવ્યા. ગુરુજીએ તે માણસને પૂછ્યું, ‘‘જો તમને આગળ રસ્તામાં સો સોનામહોરો ભરેલી થેલી મળી જાય તો તું શું કરે?’’ પેલા માણસે ગુરુજીને પ્રણામ કરતાં કહ્યું, ‘‘ગુરુજી, હું બહુ પ્રામાણિક છું, તરત જ તેના માલિકની શોધ કરું અને તેને આપી દઉં અથવા નગરના રાજ ખજાનામાં આપી દઉં.’’ ગુરુજીએ તે માણસને આભાર માની વિદાય કર્યો અને શિષ્યોને કહ્યું, ‘‘આ માણસ મૂર્ખ છે.’’
શિષ્યોને નવાઈ લાગી કે ગુરુજી આમ કેમ કહે છે. આ માણસે તો સાચી જ વાત કરી છે. ગુરુજીએ આપણને પણ એમ જ તો શીખવાડ્યું છે કે કોઈ પારકી કે અણહક્કની વસ્તુ લેવી નહિ. બીજે દિવસે ગુરુજીએ ફરીથી જે સામો મળે તે પહેલા રાહગીરને આશ્રમમાં લાવવા કહ્યું અને તે રાહગીરને પણ એ જ પ્રશ્ન પૂછ્યો. તેણે તરત કહ્યું, ‘‘હું કંઈ મૂર્ખ નથી કે થેલીના માલિકને શોધું. સામેથી મળેલી લક્ષ્મી સ્વીકારી થેલી લઈને ઘરભેગો થઈ જાઉં.’’
ગુરુજીએ તેને પણ વિદાય કર્યો અને શિષ્યોને કહ્યું, ‘‘આ માણસ મહા ધૂર્ત છે.’’ત્રીજે દિવસે ગુરુજી પોતે આશ્રમના દરવાજા પાસે ઊભા રહ્યા અને જે પહેલો માણસ પસાર થયો તેને આશ્રમમાં લઈને આવ્યા અને પૂછ્યું, ‘‘જો રસ્તામાં સો સોનામહોરો ભરેલી થેલી મળી જાય તો તું શું કરે?’’ પેલા માણસે ગુરુજીને પ્રણામ કરતાં કહ્યું, ‘‘ગુરુજી,હમણાં તો કંઈ કહી ન શકું કે શું કરું? આ ચંચલ મનનો શું ભરોસો,ક્યારે કાબૂમાં ન રહે અને દગો કરી દે?
તે ક્ષણે હું શું કરું તે ખબર નથી પણ જો પરમાત્માની કૃપા રહે અને મારી સદ્બુદ્ધિ બની રહે તો હું તેને તેના માલિકને પાછી આપી દઉં.’’ ગુરુજીએ તે માણસને પણ વિદાય કર્યો અને શિષ્યોને કહ્યું, ‘‘આ માણસ સાચો છે.’’ શિષ્યોથી હવે રહેવાયું નહિ. તેમણે તરત પૂછ્યું, ‘‘ગુરુજી, તમે શું સમજાવવા માંગો છો?’’ ગુરુજી બોલ્યા, ‘‘પહેલો માણસ પોતાને પ્રામાણિક માને છે પણ મન કઈ ઘડીએ ભૂલ કરાવશે, ખબર પણ નહિ પડે…બીજો માણસ પોતાને જ ચતુર સમજે છે અને અન્યનું લઈ લેવામાં તેને ભગવાનનો ડર લાગતો નથી અને ત્રીજો માણસ સાચો એટલે છે કે તેણે પોતાની ડોર પરમાત્માને સોંપી છે.
આવા વ્યક્તિઓ ઈશ્વરને બધું સોંપીને આગળ વધે છે. તેમનાથી કયારેય ખોટો નિર્ણય થતો નથી. આપણે કોઇ પણ નિર્ણય જાતે લેવાને બદલે મન અને બુદ્ધિ ભગવાનના હાથમાં આપી દેવી જોઈએ.ભરોસો રાખજો કે જીવનમાં કોઇ પણ ઉતાર-ચઢાવ આવે, જીવનમાં કોઈ ફરક નહિ પડે.’’ ગુરુજીએ શિષ્યોને ઈશ્વરને સઘળું સોંપી આગળ વધવાની વાત પ્રત્યક્ષ દાખલા સાથે સમજાવી.