બારડોલીથી ગલતેશ્વર જતા પ્રતાપ રોડ પર બારડોલીના છેવાડે આવેલું ગામ એટલે મોવાછી. સરકાર અને ગ્રામજનોના પ્રયાસથી ગામમાં વિકાસ થયો છે અને થઈ પણ રહ્યો છે, પરંતુ ગામની ભૌગોલિક સ્થિતિને કારણે અહીં થોડી અડચણો ઊભી થઈ રહી હોવાનું પણ ગ્રામજનો જણાવી રહ્યા છે. ગામમાં ચાર અલગ અલગ વિસ્તાર છે. મૂળ ગામ, પરોણા ફળિયું, સરદાર આવાસ અને રામપરા ફળિયું. આ વિસ્તાર એકબીજાથી બેથી અઢી કિમીના અંતરે આવેલા છે. જેને કારણે પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં શરૂઆતમાં થોડી તકલીફો હતી. પરંતુ હવે પીવાનું પાણી, ગટર અને રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. દૂર દૂર આવેલા વિસ્તારોને કારણે સુવિધા ઊભી કરવામાં કયા વિસ્તારને પ્રાથમિકતા આપવી તે પ્રશ્ન મહત્ત્વનો બની રહેતો હોય છે. તેમ છતાં પ્રાથમિક સુવિધાઓ તમામ વિસ્તારોમાં પૂરી પાડવાનો પ્રયાસ ગામના આગેવાનો અને ગ્રામ પંચાયત બોડી દ્વારા કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર ગામના ઇતિહાસ અંગે માહિતી આપતા ગામ આગેવાન મહેશભાઈ નારણભાઇ પટેલ અને મનીષભાઈ ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, મોવાછી ગામ એ આઝાદી પહેલાં ગાયકવાડી રાજ્યના શાસન હેઠળ આવતું હતું. ત્યારે કામરેજ તાલુકામાં હતું. જ્યારે બાજુનું ખરવાસા ગામ પલસાણા તાલુકામાં પડતું હતું. વર્ષો પહેલાં તાલુકાના વિલીનીકરણ સમયે અમારા ગામનો બારડોલી તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ખરવાસા અને મોવાછી ગામ વચ્ચેથી પસાર થતી ખાડી અલગ કરે છે. છેવાડાનું ગામ હોવાથી ગામને કામરેજ તાલુકાનાં ડુંગર, ચીખલી અને ખાનપુર ગામની સરહદ અડે છે. તો બીજી તરફ બારડોલી તાલુકાનાં ઇસનપુર, ખરવાસા, રામપુરા મળી કુલ 6 ગામની સીમા લાગુ પડે છે.
ગામની મુખ્ય વસતીની વાત કરવામાં આવે તો અહીં મૂળ મોવાછી ગામ જે કહેવામાં આવે છે તે વિસ્તારમાં રાજપૂત અને હળપતિ સમાજના લોકો રહે છે. જ્યારે મૂળ ગામથી પણ વસતીની દૃષ્ટિએ મોટા વિસ્તાર એવા પરોણા ફળિયામાં હળપતિ ઉપરાંત માહ્યાવંશી અને પ્રજાપતિ સમાજના લોકોની વસતી છે. ગામના લોકો શાંતિ અને સૌહાર્દથી રહેતા આવ્યા છે.
રાજપૂત સમાજના લોકો અહીં ક્યાંથી અને ક્યારે આવ્યા તે અંગેની ઇતિહાસની વિગતવાર વાત કરતાં ગામના વડીલ લક્ષ્મણસિંહ નાગજી ગોહિલે જણાવ્યું હતું કે, રાજપૂત સમાજનો પરિવાર વર્ષો અગાઉ સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના પ્રેમગઢથી આવ્યો હોવાની લોકવાયકા છે. પહેલા તેમના પૂર્વજો પ્રેમગઢથી વઢવાણ લીમડી અને ત્યાંથી શહેરા મઠિયા બાદ બારડોલી તાલુકાના ખોજ ગામે આવ્યા હતા. અને ખોજથી રાજપૂત સમાજના પરિવારે મોવાછીને પોતાની કર્મભૂમિ અને હવે જન્મભૂમિ બનાવી હોવાનો ઇતિહાસ રજૂ કર્યો હતો.
ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. બારડોલી સુગર ફેક્ટરી નજીક હોય ખેડૂતો શેરડી પાકને પ્રાધાન્ય વધુ આપે છે. એટલું જ નહીં ડાંગર અને શાકભાજી પણ આંતર પાક તરીકે લેતા આવ્યા છે. શાકભાજીમાં પણ ખાસ કરીને ભીંડાની ખેતીમાં ગામના ખેડૂતો વધુ રસ લે છે. પરોણા ફળિયું વિસ્તાર ભલે મૂળ ગામથી અઢી કિમી દૂર હોય અને ભલે એ એક ફળિયા તરીકે ઓળખાતું હોય, પરંતુ આ વિસ્તારમાં પણ અન્ય ફળિયાં આવેલાં છે. જેને કારણે તે હવે મૂળ ગામ જેવું થઈ ગયું છે. ગ્રામ પંચાયત કચેરી પણ પરોણા ફળિયામાં જ આવેલી છે. વસતી વધુ હોવાને કારણે શાળા અને આંગણવાડીની સુવિધા પણ અહીં ઊભી થઈ છે. ગામમાં વર્ષ 1982-83 દરમિયાન વીજળી અને પાણીની સુવિધા ઊભી થયા બાદ ગામ મુખ્ય પ્રવાહ સાથે જોડાયું હોવાનું ગ્રામજનોનું કહેવું છે. તાત્કાલિક સરપંચ સ્વ. પ્રવીણભાઈ પ્રભુભાઈ પરમારના પ્રયાસોથી ગામમાં તે સમયે આ સુવિધાઓ મળી શકી હતી.
- ગ્રામ પંચાયત બોડી
- કમલેશભાઈ ભવનભાઈ હળપતિ – સરપંચ
- પુષ્પેન્દ્રસિંહ અજયસિંહ મહિડા – ઉપસરપંચ
- જ્યોતિબેન ભૂપેન્દ્રસિંહ પ્રજાપતિ – સભ્ય
- પ્રકાશભાઈ શંકરભાઈ રાઠોડ – સભ્ય
- ગુણવંતભાઈ સોમાભાઈ હળપતિ – સભ્ય
- રાધાબેન ભુલાભાઈ હળપતિ – સભ્ય
- અરવિંદભાઈ કરશનભાઈ સોલંકી – સભ્ય
- જયાબેન મનહરભાઈ પટેલ – સભ્ય
- સુશીલાબેન અનિલભાઈ હળપતિ – સભ્ય
- # સુરેખાબેન બી. પરમાર – તલાટી કમ મંત્રી
- ગામનાં ફળિયાં
- રાજપૂત ફળિયા
- ગૌચર ફળિયું
- સરદાર આવાસ ફળિયું
- રામપુરા ફળિયું
- પરોણા ફળિયા વિસ્તારમાં આવતાં ફળિયાં
- માહ્યાવંશી ફળિયું, પ્રજાપતિ ફળિયું, જૂનું હળપતિવાસ, નવો હળપતિવાસ, કોલોની ફળિયું,
- ગામની વસતીવિષયક માહિતી (2011 મુજબ)
- કુલ વસતી – 1141
- કુલ ઘર – 253
- સ્ત્રી – 570
- પુરુષ – 571
- અનુસૂચિત જાતિ – 148
- અનુસૂચિત જનજાતિ – 627
- સાક્ષરતા દર – 72.8%
- મહિલા સાક્ષરતા દર – 35.1%
- ગામમાં પ્રથમ ડોઝનું 60 ટકા વેક્સિનેશન, 44 ટકાએ બીજો ડોઝ પણ મુકાવી દીધો
કોરોના મહામારીથી બચવા માટે ગામમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં 60 ટકા જેટલી વસતીએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. જ્યારે 44 ટકા વસતી બીજો ડોઝ પણ લઈ કોરોના સામે સુરક્ષિત થઈ ચૂકી છે. હજી પણ રસીકરણ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તે માટે ગ્રામ પંચાયત અને અગ્રણીઓ દ્વારા પ્રયાસ ચાલી રહ્યા છે.
- ખાડી પરના પુલથી દર વર્ષે આફત
મોવાછી અને ખરવાસાને જોડતો ખાડી પરનો પુલ નીચો હોવાથી ચોમાસામાં પાણી ભરાય જાય છે. જેના કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે. આ પુલ ઊંચો બનાવવામાં આવે તો મહદ અંશે સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે. દર વર્ષે ચોમાસામાં ખાડીના પાણી પરોણા ફળિયા સુધી આવી જતાં લોકોને મુશ્કેલી પડે છે.
- ગામની યુવતી બારડોલીમાં જ નાયબ મામલતદાર
ગામની યુવતી સ્મૃતિબેન માનસિંહ ગોહિલ હાલ બારડોલી મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવી રહી છે. ગોલ્ડ મેડલ સાથે એમ.એસ.સી. ઇલેક્ટ્રોનિક્સની ડિગ્રી મેળવનાર સ્મૃતિબેને બે વર્ષ માટે વિદ્યાભારતી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી હતી. ત્યારબાદ 2012માં GPSCની પરીક્ષા પાસ કરી નાયબ મામલતદાર તરીકે નિમણૂક પામ્યાં હતાં. હાલ તેઓ બારડોલી મામલતદાર કચેરીમાં ફરજ બજાવી રહ્યાં છે. તેમની આ સિદ્ધિ બદલ ગ્રામજનો પણ ગૌરવ અનુભવી રહ્યા છે.
- ખાડીમાં આવતા પૂરથી ડંકેશ્વર મહાદેવ ગામનું રક્ષણ કરતા હોવાની માન્યતા
ગામમાંથી પસાર થતી ખાડીના કિનારે ડંકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર સાથે ગામના લોકોની આસ્થા જોડાયેલી છે. ગામના લોકોનું કહેવું છે કે, ખાડીમાં આવતા પૂરથી ડંકેશ્વર મહાદેવ તેમની રક્ષા કરે છે. ભારે વરસાદને કારણે જ્યારે પણ ખાડીમાં પૂર આવે ત્યારે જો પાણી ગામ (પરોણા ફળિયા વિસ્તાર)માં પ્રવેશવાની શરૂઆત થાય એટલે ખાડી કિનારે મંદિરમાંથી એક ચીસ સંભળાય છે. એક ચીસની સાથે જ વરસાદ બંધ થઈ જતો હોવાની લોકવાયકા છે. વર્ષ-2003માં આવેલા પૂર વખતે પણ આ ચીસ સંભળાય હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ગ્રામજનોએ હવે જૂનું નાનું મંદિરની બાજુમાં એક મોટું ભવ્ય મંદિર બનાવ્યું છે. ગામમાં અન્ય પણ મંદિરો આવેલાં છે, જેમાં ભાથીજી મહારાજ, રામદેવપીર મંદિર તેમજ મૂળ ગામમાં રાજપૂત ફળિયામાં તુળજા માતાનું મંદિર આવેલું છે.
- પાણી પૂરું પાડતી જૂની ટાંકી જર્જરિત, તો નવી ટાંકી બિનઉપયોગી
પરોણા ફળિયા વિસ્તારનાં તમામ ફળિયામાં પાણી પૂરી પાડતી ટાંકી હાલ જર્જરિત હાલતમાં છે. વર્ષ-1982માં બનેલી ટાંકી જ હાલ ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે. બીજી તરફ જૂની ટાંકીથી ક્ષમતામાં મોટી અને ઊંચી ટાંકી પંદરેક વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. પરંતુ કોઈક કારણોસર તેમાંથી હજી પણ પાણી મળતું નથી. કોઈક કારણોસર આ ટાંકી ગ્રામજનો માટે બિનઉપયોગી સાબિત થઈ છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલી ટાંકી ધોળો હાથી સાબિત થતાં આજે પણ જૂની જર્જરિત ટાંકી જ ગ્રામજનોની તરસ છીપાવી રહી છે.
- માહ્યાવંશી ફળિયાની ઓળખ માસ્તર ફળિયા તરીકે થાય છે: મહેશ પટેલ
ગામના પરોણા વિસ્તારમાં આવેલા માહ્યાવંશી ફળિયાને માસ્તર ફળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. માસ્તર ફળિયું કેમ કહેવામાં આવે છે તે અંગે વ્યવસાયે શિક્ષક એવા મહેશભાઇ પટેલ જણાવે છે કે, આ નાનકડા ફળિયામાં દસ જેટલા શિક્ષકો છે. ફળિયામાં શિક્ષકો વધુ હોવાથી તેને માસ્તર ફળિયું કહેવામાં આવે છે.
- આવાસોની કામગીરી પણ ધ્યાન આપવાની જરૂર
મોવાછી ગામના સરદાર આવાસ ફળિયામાં ઘણાં વર્ષોથી વરસાદી પાણીના નિકાલની સમસ્યાને કારણે વિસ્તારના લોકોમાં ભારે નારાજગી છે. એટલું જ નહીં આ ફળિયામાં જે આવાસો બનાવવામાં આવ્યાં છે તે પણ જૂનાં જર્જરિત થઈ ગયાં છે. જેનું રિપેરિંગ કામ થાય અથવા નવા બનાવી આપવામાં આવે તેવી માંગ ઊઠી છે. ગૌચર ફળિયામાં પણ આ જ હાલત હોવાનું ગામ આગેવાનોએ જણાવ્યું હતું. જ્યારે સરકાર આ મુદ્દે વિશેષ ધ્યાન આપે એ જરૂરી થઈ પડ્યું છે.
- રસ્તાનું બ્યુટિફિકેશન થાય તો લોકોને રાહત થઈ શકે
પરોણા ફળિયામાં ગ્રામ પંચાયતને જોડતો મુખ્ય રસ્તો હાલમાં જ સીસી રોડ બન્યો છે. પરંતુ તે ખૂબ જ સાંકડો હોય લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. આ રસ્તો પહોળો કરી તેનું બ્યુટિફિકેશન કરવામાં આવે તેવી માંગ પણ ગ્રામજનો કરી રહ્યા છે.
- પ્રાથમિક શાળા કરે છે જ્ઞાનનું સિંચન
ગામમાં આવેલી પ્રાથમિક શાળા વર્ષ-1968માં શરૂ થઈ હતી. 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડતી આ શાળામાં હાલ 39 વિદ્યાર્થી અભ્યાસ કરે છે. જો કે, કોરોનાને કારણે વિદ્યાર્થીઓએ શાળાએ આવતા નથી. બીજી તરફ શાળામાં ફરજ બજાવતા બે શિક્ષક પૈકી આચાર્ય ગુણવંતભાઈ ચૌધરી અને શિક્ષિકા ઇલાબેન રાવલ બાળકોના ભણતર અને ઘડતર પ્રત્યે ખાસ ધ્યાન આપી રહ્યાં છે. તેઓ દર વર્ષે બાળકોને દાતાઓની મદદથી વિનામૂલ્યે ગુજરાતનાં અલગ અલગ પ્રવાસન સ્થળોની મુલાકાતે લઈ જાય છે.