સુરત: શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રિંગ રોડ બ્રિજ પર તંત્ર દ્વારા કરવામાં આવેલા તાજેતરના કામને કારણે સુરતીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. કૃષિ બજાર પાસે બ્રિજ ઉતરતા પહેલાં માત્ર 50 મીટરના અંતરમાં ત્રણ-ત્રણ મોટા બમ્પ મૂકાઈ જતાં વાહનચાલકો હેરાન–પરેશાન થઈ રહ્યા છે અને અચાનક ઊભા રહેવાથી પાછળથી વાહનો અથડાઈ જવાના બનાવો વધ્યા છે.
- રિંગ રોડ બ્રિજ પર માત્ર 50 મીટરમાં ત્રણ બમ્પ
- ટુ-વ્હીલર વાહનચાલકોના અકસ્માતોમાં વધારો
મેટ્રો અને રેલ્વે સ્ટેશન રિ–ડેવલોપમેન્ટના કારણે પહેલેથી જ રેલ્વે સ્ટેશનથી અઠવાગેટ સુધી ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે. આવી પરિસ્થિતિ વચ્ચે વ્યસ્ત રિંગ રોડ બ્રિજ પર ત્રણ બમ્પ મૂકાતા વધુ અવરોધ ઊભો થયો છે. ઉધના તરફથી સ્ટેશન તરફ જતાં વાહનચાલકોને ઢાળ પર અચાનક આવતા બમ્પ દેખાતા નથી. બ્રેક મારતાની સાથે પાછળથી આવતા વાહનો અથડાઈ રહ્યા છે. અનેક ટુ-વ્હીલર બમ્પ પર ઉછળતા અકસ્માતોના ભોગ બની રહ્યા છે.
સ્થાનિક રહીશ નંદિની સોલંકીએ જણાવ્યું કે, “આ બ્રિજ પર ક્યારેય આવા મોટા બમ્પ નહોતા. આજે એકસાથે ત્રણ બમ્પ મૂકાઈ ગયા છે. ઢાળ પર અચાનક આવતાં હોવાથી લોકો ગભરાઈ જાય છે, ગાડીઓ એકબીજા સાથે ટકરાઈ રહી છે અને ઝઘડા પણ થઈ રહ્યા છે.” વાહનચાલકો તંત્રને આ બમ્પ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી રહ્યા છે. તેમના મતે સુરક્ષા માટે બનાવેલા બમ્પ જ હવે અકસ્માતોના મુખ્ય કારણ બની રહ્યા છે.