SURAT

મેટ્રોના કામ અને રસ્તા પરના ખાડાથી વાહનચાલકો ત્રાહિમામ, આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો

સુરતમાં ખાડે ગયેલા રસ્તાઓના વાંકે વૈકિલ્પક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવે પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી થઇ રહેલ અસહ્ય પીડામાંથી મુકિત આપવા આમ આદમી પાર્ટીએ પોલીસ કમિશ્નરને આવેદન પાઠવ્યું

  • જયાં જયાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેવા રોડ પર પોલીસ વિભાગ અને પાલિકાના ટ્રાફિક વિભાગના યોગ્ય સંકલનના અભાવમાં ટ્રાફિકનું ભારણ : ધર્મેશ ભંડેરી
  • મેટ્રોના આડેધડ ખોદકામને લીધે ઘણાં દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી છે

સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વર્ષ-ર૦ર૧ થી મેટ્રો રેલની કામગીરીના કારણે વિવિધ જાહેર રસ્તાઓ પર બેરીકેટીંગ કરવામાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેકટની કામગીરી કરાવવામાં શાસકો નિષ્ફળ નીવડતા શહેરના ઘણાં વિસ્તારોમાં બે વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવ્યા છે, જે સંદર્ભે શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી દ્વારા સુરત પોલીસ કમિશ્નરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ મેટ્રોના આડેધડ ખોદાણ ને લીધે સુરતના મોટેભાગના રસ્તાઓ બંધ છે અથવા તો બેરિકેટિંગ ને લીધે સાંકડા થઈ ગયા છે, જેને લીધે ઘણાં દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડેલ છે તેમજ હાલમાં રઘુકુળ માર્કેટ પાસેના ગરનાળા અને સહારા દરવાજા પરના ગરનાળા પર એક ભાગ બંધ કરવામાં આવેલ છે જેથી માર્કેટ વિસ્તારના હજારો વેપારીઓ અસરગ્રસ્ત થયેલ છે જે બાબતે આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓને વેરામાફી અંગેની માંગણીઓને શાસકોએ બહુમતીના જોરે ફગાવીને વેપારીઓને રાહત આપવામાં શાસકોએ સદંતર બિનસંવેદનશીલ વલણ અપનાવ્યું છે.

શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લાં ઘણાં સમયથી જયાં જયાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેવા રોડ પર ટ્રાકિફનું ભારણ પોલીસ વિભાગ અને પાલિકાના ટ્રાફિક વિભાગના યોગ્ય સંકલનના અભાવમાં તેમજ પ્રજાભિમુખી વલણ તથા મેટ્રો સહિત વિવિધ રસ્તાઓ, પાણી તથા ગટરની લાઇનો, વિવિધ સર્વિસ લાઇનો માટે જાહેર રસ્તાઓ પર આડેધડ થતા ખોદકામ તેમજ તે બાબતે વહીવટીતંત્ર સહિત શાસકોની બેરહેમનજરના કારણે રસ્તાઓ જર્જરિત બનવા સહિત ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થઇ રહ્યો છે.

તે ઉપરાંત આ બાબતે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર તથા અગાઉના વિવિધ રસ્તાઓ પર અપાયેલા અણઘડ ડાયવર્ઝનને ઘ્યાને લીધા વગર આડેધડ થઇ રહેલી કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઇંધણના બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય, શકિત, નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે.

મેટ્રોને કારણે અને પાલિકાના નિષ્ફળ વહીવટને કારણે અસર થયેલા રસ્તાઓની યાદી

  • (૧) લંબે હનુમાન રોડ થઇ કાપોદ્રા થઇને લક્ષ્મણ નગર થઇને કારગીલ ચોક સુધીનો રોડ
  • (ર) સુરત સ્ટેશનથી પોદ્દાર આર્કેડ સુધી આવવા જવાનો માર્ગ
  • (૩) સુરત સ્ટેશનથી સહારા દરવાજા સુધીનો માર્ગ.
  • (૪) સહારા દરવાજાથી એ.પી.એમ.સી.માર્કેટ સુધી બંને બાજુના રોડ
  • (પ) પર્વત પાટીયાથી આંજણા ફલાય ઓવરબ્રિજ સુધીના માર્ગ
  • (૬) આર.ટી.ઓ.મજુરા ગેટ થી માન દરવાજા થઇને કમેલા દરવાજા સુધીનો માર્ગ
  • (૭) જુની એલ.બી.ટોકીઝથી ભટાર ચાર રસ્તા તરફ જતો માર્ગ
  • (૮) ડીંડોલી સાંઇ પોઇન્ટ તથા આ સિવાય
  • (૯) ઉધના દરવાજાથી ઉધના ત્રણ રસ્તા સુધીનો માર્ગ તેમજ સોસીયો સર્કલ.

સુરત પોલીસ કમિશનર દ્વારા ઉકત તમામ રોડ તથા ચાર રસ્તાઓ પર થઇ રહેલ ટ્રાફિકની સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવા તાકીદે જરૂરી સ્ટાફ સહિતની તથા ડાયવર્ઝન વાળા રોડ પર ખોદાણો બાબતે કાયદેસરતા તપાસવાની કાર્યવાહી હાથ ધરાવા આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પાઠવ્યું હતું.

આ આવેદન પત્ર પાઠવવામાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી સાથે સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી, વિપક્ષ નેતા પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

Most Popular

To Top