Charchapatra

મોટિવેશનલ સ્પીકર્સ

આજકાલ મોટિવેશનલ સ્પીકર્સે સ્ટેજ પર ઊભા રહીને માઈકમાંથી સલાહ આપવી સહેલી છે. અભિભૂત થઈને સાંભળતાં હજારો કે લાખો લોકો એ ક્ષણે કોઈક જાદુના સ્પેલમાં આવી જાય છે. આવાં લોકો સેલ્ફ હેલ્પનાં પુસ્તકો ઉપર બહુ આધારિત હોય છે. મોટાં મોટાં વાક્યોના ક્વોટ્સ બોલીને એ અનેક લોકોને ઈમ્પ્રેસ કરી નાખે છે. પોતે બહુ જાણે છે, વાંચે છે અને જીવન તો એમના આંગળીના ટેરવેથી પેક છે. એવો ભ્રમ ઊભો કરાય છે અને શ્રોતાઓ અભિભૂત થઈ જાય છે. કહેવા અને કરવામાં ફેર છે. આપવામાં આવેલી સલાહોને જ્યારે સાચે જ અમલમાં મૂકવા જઈએ ત્યારે સમાજ, સંજોગો પરિસ્થિતિ સામે આવે છે. એ પરિસ્થિતિ સામે લડવું સહેલું નથી.

સફળતા-નિષ્ફળતા, સત્ય-અસત્યના દરેકના પોતાનાં ધોરણો હોય છે. આખું જગત જ્યારે ગાંડી હરીફાઈમાં દોડી રહ્યું હોય ત્યારે કોઈ આપણી મદદ કરશે. આપણને સાથે લઈને આગળ વધશે એવી અપેક્ષા પણ કોણ સતત પ્રેરણા આપવા જગાડવા કે અન્યના સવાલોના જવાબ શોધવા માટે નવરું છે? બહુ જૂજ લોકો સાચા અર્થમાં જીવનને સમજે છે. જીવે છે અને પરિસ્થિતિને આંખમાં આંખ નાખીને જોઈ શકે છે. માણસ તરીકે આપણે બધા સંજોગો, સમય અને સંબંધોથી જ ઘેરાયેલા છીએ ત્યારે જીવન સંસારમાં હેમખેમ જીવવું ઘણું જ દોહ્યલું છે.
ગંગાધર-જમિયતરામ હ.શર્મા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top