Madhya Gujarat

માતાએ પુત્રને લઇ કુવામાં પડી જીવન ટુંકાવ્યું

મલેકપુર : કડાણાના તાતરોલી ગામે રહેતી પરિણીતાએ તેના ત્રણ વર્ષના પુત્ર સાથે કુવામાં પડી આપઘાત કરી લીધો હતો. આ ઘટનાના પગલે તેના પિતાએ સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ફરિયાદ આપતા પોલીસે પતિ સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. કડાણાના મોઘાના મુવાડા (કાજળી)માં રહેતા રામાભાઈ સોમાભાઈ પટેલીયાની પુત્રી હર્ષાબહેનના લગ્ન પાંચ વર્ષ પહેલા તાંતરોલી ગામે રહેતા નરેશ ઉજમા પટેલીયા સાથે થયાં હતાં. તેઓ લગ્ન બાદ સાસુ – સસરા સાથે રહેતાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને ત્રણ વર્ષ પહેલા પુત્ર પિયુષનો જન્મ પણ થયો હતો. દરમિયાનમાં 3જી માર્ચ,23ના રોજ નરેશે ફોન કરી જાણ કરી હતી કે હર્ષા પુત્ર પિયુષને લઇ નિકળી ગઈ છે.

આથી, ચિંતામાં પડી ગયેલા રામાભાઈ તેની પુત્રી હર્ષા અને પિયુષની શોધખોળ શરૂ કરી હતી. સગા સંબંધીને ફોન કરવા છતાં કોઇ સગડ મળ્યાં નહતાં. દરમિયાનમાં રવિવાર સવારે તાંતરોલી ગામે કુવામાંથી પિયુષની લાશ મળી હતી. આથી, ચોંકી ગયેલા હર્ષાબહેનના પિયરીયા તાત્કાલિક તાંતરિયા ગામે પહોંચ્યાં હતાં. જોયું તો દિકરી હર્ષા અને તેના પુત્ર પિયુષની લાશ કુવામાંથી બહાર કાઢેલી હતી. આસપાસમાં પુછપરછ કરતાં હર્ષાબહેન (ઉ.વ.23)એ પિયુષ (ઉ.વ.3) સાથે કુવા પડી આપઘાત કર્યો હતો.

આ ઘટના અંગે રામાભાઈ પટેલીયાએ પોલીસ મથકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હર્ષાના લગ્ન બાદ તેનો ઘર સંસાર બે વર્ષ સારી રીતે ચાલેલો તે દરમિયાન પિયુષનો જન્મ પણ થયો હતો. અવાર નવાર હર્ષાના ઘરે જતા હતા ત્યારે તે સાસુ સાંકળીબહેન, સસરા ઉજમભાઈ અને પતિ નરેશ ત્રણેય ઘરના નાના નાના કામમાં રોક ટોક કરી હેરાન પરેશાન કરતા હોવાની ફરિયાદ કરતી હતી. પરંતુ દિકરીનો ઘર સંસાર ન બગડે તે માટે સમજાવતા હતા. ઉત્તરાયણના દિવસે પણ ઝઘડો કર્યો હતો. જે સમયે સમાધાન કરાવ્યું હતું. આ અગાઉ પણ દિવાળીમાં ઝઘડો થતાં નરેશ અને હર્ષાબહેનને અલગ રહેવા માટે કાઢી મુક્યાં હતાં. આ સમયે પણ આગેવાનોએ સમાધાન કરાવ્યું હતું. 20મી ફેબ્રુઆરી,2023ના રોજ પણ હર્ષાબહેન પિયર આવી ત્રણ દિવસ રોકાઇને સાસરિયામાં ગયાં હતાં. આ ઘટના બાદ તેણે આપઘાત કર્યો હતો. આથી, સાસરિયાના ત્રાસથી આપઘાત કર્યો હોવાની ફરિયાદ આપતા કડાણા પોલીસે પતિ નરેશ, સાસુ સાંકળીબહેન અને સસરા ઉજમાભાઈ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top