વડોદરા : શહેરમાં સગીરા, માનસિક રીતે અસ્વસ્થ મહિલા તેમજ વૃદ્ધે ગળેફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી લીધી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથધરી હતી. શહેર નજીક વાસણા કોતરિયાના ગાજરીયા વગોમાં રહેતી ઉ.વ.17 ટ્વીનકલબેન મુકેશ ગોહિલને ઘરકામ બાબતે તેની માતાએ ઠપકો આપતા તેને લાગી આવતા ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો. તુરંત તેના કાકા દ્વારા નજીકના ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવાતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથધરી હતી.બીજા બનાવમાં સનફાર્મા રોડ ઉપર આવેલા રોયલ વુડામાં રહેતા ઉ.વ.48 નસીમબાનુ ગુલામ નબી મલેક છેલ્લા ઘણા સમયથી માનસિક બીમારીથી પીડાઇ રહ્યા હતા.
તેમની દવા પણ ચાલતી હતી.જોકે તેઓ સાજા થઇ જતાં હાલ દવા બંધ કરી હતી. પરિવારના સભ્યો બહાર ગયા હોય તે સમય દરમિયાન ગતરોજ તેમણે અગમ્ય કારણોસર મકાનમાં પંખા ઉપર દુપટ્ટાથી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.જેપી પોલીસે મૃતદેહને પીએમ માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.ત્રીજા બનાવમાં સલાટવાડા બારોટ મહોલ્લામાં રહેતા 62 વર્ષીય અશોક બારોટે અગમ્ય કારણોસર મકાનમાં ગળે ફાંસો ખાઇ લીધો હતો.ઘરે પરત ફરેલા પુત્રે પિતાને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા પગ તળેથી જમીન સરકી ગઈ હતી.તુરંત તેઓએ તેમના પિતાને નીચે ઉતારી સયાજી હોસ્પિટલ ખાતે ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે કાર્યવાહી હાથધરી હતી.
કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન ફ્લેટના ત્રીજા માળેથી પટકાતા કિશોરનું સારવાર દરમિયાન મોત
હરણી ગદા સર્કલ પાસે એક ફ્લેટમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું હતું.તે સમય દરમિયાન કામ કરતી વેળાએ ત્રીજા માળેથી 18 વર્ષીય શિવમ કુમાર સુરેશચંદ્ર ભુરીયા પડી જતા પ્રાથમિક સારવાર માટે એરપોર્ટ પાસેની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે તેને સયાજી હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો.દરમિયાન આજે વહેલી સવારે સારવાર દરમિયાન કિશોરનું મોત થયું હતું. હરણી પોલીસે તપાસ હાથધરી છે.