સુરત: પીપલોદ (Surat Piplod) ખાતે આવાસમાં રહેતા જમીન દલાલનો પત્ની (Wife) સાથે ઝઘડો ચાલી રહ્યો હતો. પત્નીએ બાળકીને મેળવવા કોર્ટમાં (Court) કરેલી અરજી રદ કર્યા પછી પત્નીના પરિવારજન ઘરમાં ઘૂસીને બાળકીને લઇને (Kidnap) પલાયન થઇ ગયા હતા. આ મામલે પિતાએ અપહરણનો ગુનો તેમના સગાવહાલાઓ સામે દાખલ કરાવ્યો હતો. આ ફરિયાદમાં બાળકીનો કબજો ધરાવનાર રાજીવભાઇએ તેમની પત્ની, સાઢુભાઈ અને સાઢુભાઈનો પુત્ર ઘરમાં ઘૂસી માતાને માર મારી બાળકીને ઊંચકી ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉમરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગઈકાલે સુરભી અને વિક્કીની ધરપકડ કરી હતી.
પીપલોદ ખાતે સરિતા આવાસમાં રહેતા 46 વર્ષીય રાજીવભાઇ રામચંદ્ર ખત્રી જમીન દલાલીનું કામ કરે છે. રાજીવભાઈએ ગઈકાલે ઉમરા પોલીસ સ્ટેશનમાં તેમના સાઢુભાઈ વાસુ લુંઢ (રહે., રાજકોટ), વિક્કી વાસુ લુંઢ, સુરભી ઉર્ફે રીટા તથા યોગેશ શીતલદાસ બચ્ચાની (રહે., ૪/૬ શીતલસદન, શાસ્ત્રીનગર, જંક્શન પ્લોટ, રાજકોટ રેલવે સ્ટેશનની સામે, રાજકોટ)ની વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. રાજીવભાઈની પત્ની સુરભીબેન હાલમાં રાજકોટ તેના પિયરમાં રહે છે. તેને આર્થરાઈઝ તથા માનસિક બીમારી હોવાથી એક મહિના માટે સારવાર માટે જવાનું કહીને ગઈ હતી.
સુરભીની તબિયત સારી ન રહેતી હોવાથી દીકરીને રાજીવભાઈએ પોતાની પાસે જ રાખી હતી. જો કે, સુરભીબેને રાજકોટમાં કોર્ટમાં દીકરીનો સર્ચ વોરંટ કઢાવવા માટે અરજી કરી હતી. કોર્ટે સુરભીબેનની દીકરીની માંગણી કરતી અરજી રદ કરી હતી. જેથી દીકરીનો કબજો રાજીવભાઈની પાસે હતો. ગત તા.2 ઓક્ટોબરે રાજીવભાઈ અડાજણ તેમના કામે હતા ત્યારે તેમની માતાએ ફોન કર્યો હતો. અને જણાવ્યું હતું કે, સુરભી અને તારા સાઢુભાઈ વાસુ અને તેનો દીકરો વિક્કી ઘરમાં બળજબરી દરવાજો તોડીને આવ્યા અને વાસુ તથા વિક્કીએ માર માર્યો હતો. સુરભી અંદરના રૂમમાં જઈને દીકરીને લઈને જતા રહ્યા છે.
બાદમાં રાજીવ ઘરે આવ્યો હતો અને તેના નાનાભાઈને કહીને ઉમરા પોલીસમાં જાણ કરી હતી. રાજીવની માતાને માર માર્યો હોવાથી નવી સિવિલમાં સારવાર માટે ખસેડાઈ હતી. ઉમરા પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. ગઈકાલે સુરભીબેન રાજીવભાઇ ખત્રી (ઉં.વ.46) (રહે., શીતલ સદન, શાસ્ત્રીનગર, રાજકોટ) તથા વિનોદ ઉર્ફે વિક્કી વાસુદેવભાઇ લુંઢ (ઉં.વ.27) (રહે., શિવકૃપા, વિવેકાનંદ સોસાયટી, રાજકોટ)ની ધરપકડ કરી હતી.