સુરત: આજે ગુજરાતમાં જ્યારે ધો. 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સના રિઝલ્ટ જાહેર થયા છે ત્યારે સુરતમાં એક અનોખી ઘટના બની છે. અહીં માતા-પુત્રએ એક સાથે ધો. 12ની પરીક્ષા આપી અને હવે બંને આ પરીક્ષામાં પાસ થયા છે. ધો. 10ની પરીક્ષા બાદ લગ્ન થઈ જતા ધો. 12 ભણી નહીં શકનાર માતાએ 22 વર્ષે પોતાનું સપનું સાકાર કર્યું છે.
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા માતા-પુત્રએ ગાંધીનગર ગુજરાત માધ્યમ ઉચ્ચત્તરશિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો. 12 કોમર્સ અને આર્ટ્સની પરીક્ષા સાથે આપી હતી. આજે બે મહિના બાદ આ પરીક્ષાના રિઝલ્ટ જાહેર થયા ત્યારે માતા-પુત્ર બંને વ્યાકૂળ હતા. જોકે, પરિણામ જોયા બાદ બંનેના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી હતી.
આજે જાહેર થયેલા રિઝલ્ટમાં માતા-પુત્ર બંને પાસ થયા છે. માતાએ 55 અને પુત્રએ 72 ટકા સાથે પરીક્ષા પાસ કરી છે. ધો. 10 એસએસસીની પરીક્ષા બાદ 22 વર્ષે માતાએ 12મું પાસ કરતાં તેનું સપનું સાકાર થયું છે.
સુરતની મૌની સ્કૂલમાં કોમર્સના અભ્યાસ કરતા દેવ પટેલ અને તેની 35 વર્ષીય માતા દીપિકા બહેને આર્ટસના વિષય સાથે માર્ચ મહિનામાં ધો 12 ની પરીક્ષા આપી હતી. દીપિકાબહેને અભ્યાસ છોડ્યાના 22 વર્ષ પછી પરીક્ષા આપી હતી. એસએસસી બાદ દીપિકા બહેને મોન્ટેસરીનો કોર્સ કર્યો હતો.
છેલ્લાં 20 વર્ષથી તેઓ શિક્ષિકા તરીકે ખાનગી સ્કૂલમાં બાળકોને ભણાવતા હતા. પુત્રની ધો 12ની પરીક્ષાનું ફોર્મ ભરવાનો સમય આવ્યો ત્યારે દીપિકા બહેનને પણ ધો. 12ની પરીક્ષા આપવાની ઈચ્છા થઈ હતી. તેથી તેણીએ આર્ટ્સ ફેકલ્ટીમાં ફોર્મ ભર્યું હતું.
ફોર્મ ભર્યા બાદ પરીક્ષામાં પાસ થવાના ઈરાદે મહેનત શરૂ કરી હતી. નોકરી, ઘરકામ અને અભ્યાસ ત્રણ મોરચે તેઓ મહેનત કરી રહ્યાં હતાં. પરીક્ષા નજીક આવી ત્યારે રાત્રે મોડે સુધી વાંચવું પડતું હતું. દીપિકાબહેન ઘણી વાર મળસ્કે 3 વાગ્યે ઉઠીને પણ વાંચતા હતા. આખરે તેમની મહેનત સફળ થઈ.
દીપિકાબહેને 55 ટકા સાથે ધો. 12 બોર્ડની પરીક્ષા પાસ કરી છે. તેમના પુત્ર દેવને 72 ટકા મળ્યા છે. દીપિકા બહેન કહે છે, આગળ શું કરવું એ વિશે વિચાર્યું નથી. હમણાં માત્ર ધો 12 પાસ કરવાનું સપનું હતું જે સાકાર કર્યું તેનો આનંદ છે.