SURAT

દીકરીની નજર સામે રસ્તા પર માતાનું મોત થયું, સુરતની દર્દનાક ઘટના

સુરત: સુરત શહેરના રસ્તાઓ પર જાણે યમરાજ જ ફરતા હોય તેમ વાહનો દોડી રહ્યાં છે. રોજ અનેકો અકસ્માત થાય છે અને નિર્દોષ લોકો મૃત્યુ પામી રહ્યાં છે. આવી જ એક ઘટના શહેરના ટ્રાફિકથી ધમધમતા અઠવા લાઈન્સના મેઈન રોડ પર બની છે. અહીં એક માતાનું રસ્તા પર તેની દીકરીની નજર સામે મોત નિપજ્યું છે.

  • પાર્લે પોઈન્ટ પાસે સિટી બસની અડફેટે આવેલી મોપેડસવાર મહિલાનું મોત, દીકરીનો બચાવ
  • મૃતક મહિલાનો પતિ અને દીકરો બનાવ બન્યો ત્યારે તેમનાથી આગળ એક કિલોમીટર અંતરેથી જતા હતા

અઠવા લાઈન્સ મેઇન રોડ ઉપર પાર્લે પોઈન્ટ લાલ બિલ્ડિંગ પાસે સિટી બસના ડ્રાઇવરે બેદરકારીપૂર્વક બસ ચલાવી મોપેડ પર જતી મા-દીકરીને અડફેટે લીધી હતી. માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે દીકરીને સામાન્ય ઇજા થઈ હતી.

નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર સલાબતપુરા-બેગમપુરા વિસ્તારમાં આવેલા મૃગવાન ટેકરા ખાતે મોહમદ હુસેન શેખ પરિવાર સાથે રહે છે. પ્રાઇવેટ કંપનીમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતા મોહમદ હુસેનના સંતાનમાં દીકરી ઝુવેરિયા અને દીકરો રૂહાન છે. બંને સંતાન પીપલોદ ખાતે લેકવ્યૂ ગાર્ડન પાસે આવેલી શારદાયતન સ્કૂલમાં અભ્યાસ કરે છે. ઝુવેરિયા ધોરણ-11 અને રૂહાન ધોરણ-7માં અભ્યાસ કરે છે.

ગુરુવારે બપોરે મોહમદ હુસેન અને તેમની પત્ની ફરહાના (ઉં.વ.41) બંને સંતાનને લેવા માટે સ્કૂલે ગયાં હતાં. જ્યાંથી ફરહાના સાથે તેમની દીકરી મોપેડ પર આવતી હતી. જ્યારે મોહમદ હુસેન સાથે તેમનો દીકરો બાઇક પર આવતો હતો. પિતા-પુત્ર આગળ જતા હતા અને માતા-દીકરી પાછળ આવતાં હતાં. અઠવા લાઈન્સ મેઇન રોડ પર લાલ બિલ્ડિંગ પાસે સિટી બસના ડ્રાઇવરે બેદરકારીથી કાર ચલાવી ફરહાનાની મોપેડને અડફેટે લીધી હતી. બસનું વ્હીલ ફરહાનાના શરીર પરથી ફરી ગયું હતું. જ્યારે દીકરીને સામાન્ય ઇજા થઈ હતી. આ બનાવ બન્યો ત્યારે મોહમદ હુસેન એક કિલોમીટર આગળ હતો. ઉમરા પોલીસે બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

Most Popular

To Top